Gujarati Actor Vikram Thakor Announcement: રાજ્યમાં છેલ્લા ઘણાં સમયથી જે વાતની અટકળો તેજ હતી, તેના પર ખુદ ગુજરાતી કલાકાર વિક્રમ ઠાકોરે પૂર્ણવિરામ મૂક્યું હોય તેવું લાગી રહ્યું છે. યાત્રાધામ અંબાજી ખાતે આયોજિત 'ભવાનીધામ સંકલ્પયાત્રા' દરમિયાન જાહેર મંચ પરથી વિક્રમ ઠાકોરે રાજકારણમાં પ્રવેશવાના સંકેત આપતા ગુજરાતના રાજકીય આલમમાં ગરમાવો આવી ગયો છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે, આજે નહીં તો કાલે તે સક્રિય રાજકારણમાં જોવા મળશે.
હું ચોક્કસપણે રાજકારણમાં જોડાઈશ: વિક્રમ ઠાકોર
ભવાનીધામ સંકલ્પયાત્રામાં ઉમટેલી જંગી મેદનીને સંબોધતા વિક્રમ ઠાકોરે જણાવ્યું હતું કે, 'હું હંમેશા જનતાની વચ્ચે રહ્યો છું અને કલાકાર તરીકે પણ લોકોની સેવા જ કરી રહ્યો છું. જ્યારે હું મોટા કાર્યક્રમમો હાજરી આપું છું ત્યાર એક સવાલ પૂછવામાં આવે છે કે,બાપુ ટિકિટ લેવાનો છો? પરતું જો આજે નહીં તો કાલે, હું ચોક્કસપણે રાજકારણમાં જોડાઈશ.' વિક્રમ ઠાકોરની આ જાહેરાત બાદ સભામાં હાજર સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
ભવાનીધામ સંકલ્પયાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને આ સાથે જ અનેક રાજનેતાઓ પણ ત્યાં હાજર હતા. અભિજિતસિંહ બારડ અને અન્ય ક્ષત્રિય નેતાઓની હાજરીમાં વિક્રમ ઠાકોરે રાજકારણમાં જોડાવવાની જાહેરાત કરી છે.
અગાઉ પણ વિક્રમ ઠાકોરના રાજકારણમાં આવવાની ચર્ચાઓ થઈ હતી
ઉલ્લેખનીય છેકે, વિક્રમ ઠાકોર ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં ભારે લોકચાહના ધરાવે છે. તેમના ગીતો અને ફિલ્મોના કારણે ઠાકોર સમાજ સહિત અન્ય વર્ગોમાં તેમનો મોટો પ્રભાવ છે. જો તેઓ રાજકારણમાં જોડાય છે, તો ઉત્તર ગુજરાતના રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર આવી શકે છે.
અગાઉ પણ અનેકવાર તેમના રાજકારણમાં આવવાની ચર્ચાઓ થતી હતી, પરંતુ પ્રથમ વખત તેમણે જાહેરમાં આ રીતે પોતાની ઇચ્છા વ્યક્ત કરી છે. હવે જોવાનું એ રહેશે કે તેઓ કયા પક્ષનો હાથ પકડે છે.


