ગુજરાત-મુંબઈના કેટલાક રેલવે સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ બંધ, બે સ્પેશિયલ ટ્રેન દોડાવવાની પણ જાહેરાત

Platform Ticket Sales Ban in Mumbai-Gujarat Railway Station : દિવાળી અને છઠ પૂજાના તહેવારોને ધ્યાનમાં રાખીને સ્ટેશનો પર થતી ભારે ભીડને ટાળવા માટે પશ્ચિમ અને મધ્ય રેલવેએ મુખ્ય સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટોના વેચાણ પર અસ્થાયી રૂપે પ્રતિબંધ મૂક્યો છે. પશ્ચિમ રેલવે દ્વારા સોમવારે જાહેર કરાયેલી યાદી મુજબ, મુંબઈના બાંદ્રા ટર્મિનસ તેમજ, ગુજરાતના વાપી, ઉધના અને સુરત સ્ટેશનો પર 15થી 31 ઓક્ટોબર સુધી ટિકિટોના વેચાણ પર પ્રતિબંધ લાદી દીધો છે. પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેકે કહ્યું કે, તહેવારોની ભીડ દરમિયાન સ્ટેશનમાં મુસાફરોની સરળ અવરજવર રહે અને તેમની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે તે હેતુથી આ નિર્ણય લેવાયનો છે.
આ ચાર પ્લેટફોર્મ પર ટિકિટનું વેચાણ બંધ
તહેવારોની સિઝનમાં મુસાફરોની સરળ અને સુરક્ષિત યાત્રા સુનિશ્ચિત કરવાના ઉદ્દેશથી પશ્ચિમ રેલવેએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રેલવેએ ભીડ વ્યવસ્થાપન માટે બાંદ્રા ટર્મિનસ, વાપી, સુરત અને ઉધના સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ અસ્થાયી રૂપે સ્થગિત કર્યું છે. આ નિર્ણય 15 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર 2025 સુધી અમલમાં રહેશે. જોકે, વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ, દિવ્યાંગો અને વિશેષ કાળજીની જરૂર હોય તેવા મુસાફરોને મદદ કરનાર વ્યક્તિઓ માટે આ પ્રતિબંધમાં મુક્તિ આપવામાં આવી છે.
બાંદ્રા ટર્મિનસ - જયપુર વચ્ચે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન
મુસાફરોની વધતી માંગને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવે દ્વારા બાંદ્રા ટર્મિનસ અને જયપુર વચ્ચે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન પણ દોડાવવામાં આવશે. જેમાં ટ્રેન નં. 09726 બાંદ્રા ટર્મિનસ - જયપુર સ્પેશિયલ ટ્રેન 16.10.2025 થી 30.10.2025 દરમિયાન દર ગુરુવારે દોડાવવામાં આવશે. આ ટ્રેન બાંદ્રા ટર્મિનસથી બપોરે 14:40 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 10:50 કલાકે જયપુર પહોંચશે. આ ઉપરાંત ટ્રેન નં. 09725 જયપુર - બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ ટ્રેન 15.10.2025થી 29.10.2025 દરમિયાન દર બુધવારે દોડાવવામાં આવશે. આ ટ્રેન જયપુરથી સાંજે 16:05 કલાકે ઉપડશે અને બીજા દિવસે બપોરે 12 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.
સ્પેશિયલ ટ્રેન માટે ટિકિટ બુકિંગ 15મીથી શરૂ થશે
ટ્રેન નંબર 09726 માટે ટિકિટોનું બુકિંગ 15.10.2025ના રોજ તમામ PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઈટ પર શરૂ થશે. આ ટ્રેન સ્પેશિયલ ફેર પર ચલાવવામાં આવશે. તેના મુખ્ય હોલ્ટમાં બોરીવલી, પાલઘર, વાપી, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, ગોધરા, દાહોદ, રતલામ, મંદસૌર, નીમચ, ચિત્તૌરગઢ, ભિલવાડા, બીજાનાગર, નસીરાબાદ, અજમેર અને કિશનગઢનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : VIDEO : રાજસ્થાનમાં દોડતી બસમાં ભીષણ આગ, 10થી 12ના મોતની આશંકા, ફટાકડાના કારણે બની ઘટના