Get The App

VIDEO : રાજસ્થાનમાં દોડતી બસમાં ભીષણ આગ, 20થી વધુના મોતની આશંકા, ફટાકડાના કારણે બની ઘટના

Updated: Oct 14th, 2025

GS TEAM

Google News
Google News

VIDEO : રાજસ્થાનમાં દોડતી બસમાં ભીષણ આગ, 20થી વધુના મોતની આશંકા, ફટાકડાના કારણે બની ઘટના 1 - image

Jaisalmer Bus Road Accident : દિવાળીના તહેવાર પહેલા રાજસ્થાનમાં એક હચમચાવી દેનારી ઘટના બની છે. રાજસ્થાનના જૈસલમેર જિલ્લામાં મંગળવારે બપોરે 57 મુસાફરો સવાર એક ખાનગી બસમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના બની, જેના કારણે 20થી વધુ લોકોના મોત થયાની આશંકા છે. આ દુર્ઘટના ઘટનાના પગલે મુખ્યમંત્રી ભજનલાલ ઘટના સ્થળે પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે.

આખી બસ આગની ઝપેટમાં આવી ગઈ

આ ગમખ્વાર ઘટના જૈસલમેર-જોધપુર હાઈવે પર બપોરે બની હતી. માહિતી મુજબ બસમાં કુલ 57 મુસાફરો સવાર હતા. જૈસલમેરથી ઉપડેલી બસ લગભગ 20 કિલોમીટર દૂર પહોંચી, ત્યારે તેમાં અચાનક પાછળના ભાગમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. ડ્રાઈવર બસ ઉભી રાખે તે પહેલાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને મિનિટોમાં જ આખી બસ આગની લપેટમાં આવી ગઈ હતી. બસમાં અફરાતરફી મચી હતી અને ચીચીયારીઓથી રોડ ગૂંજી ઉઠ્યો હતો. આસપાસમાંથી પસાર થતાં મુસાફરોના કાળજા પણ કંપી ઉઠ્યા હતા.

ફટાકડાના કારણે લાગી આગ

રિપોર્ટ મુજબ, ખાનગી બસમાં ફટાકડાનું ગેરકાયદે પરિવહન કરવામાં આવી રહ્યું હતું, જેના કારણે શોર્ટ સર્કિટથી વિકરાળ આગ લાગી હોવાનું સામે આવ્યું છે. જોકે પોલીસ આગના ચોક્કસ કારણની તપાસ કરી રહી છે.

આગ લાગતા જ મુસાફરો બસની બહાર કૂદ્યા

આગ લાગતાની સાથે જ મુસાફરોએ બચવા માટે બારીઓ તોડીને બહાર કૂદવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન આસપાસના ગ્રામજનો અને રાહદારીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને મદદ શરૂ કરી દીધી હતી. ફાયર બ્રિગેડની ગાડીઓએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો હતો. દાઝી ગયેલા મુસાફરોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યારે ગંભીર રીતે દાઝેલા લોકોને જોધપુર રિફર કરવામાં આવ્યા હતા.

મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયાની જાહેરાત

જૈસલમેરની ઘટના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું. તેમણે કહ્યું કે, રાજસ્થાનના જૈસલમેરમાં થયેલી દુર્ઘટનામાં જાનહાનીથી દુઃખી છું. આ કઠિન સમયમાં મારી સંવેદનાઓ પીડિત લોકો અને તેના પરિવાર સાથે છે. ઈજાગ્રસ્તોના તાત્કાલિક સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષથી પ્રત્યેક મૃતકના પરિવારજનોને 2 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે. ઈજાગ્રસ્તોને 50,000 રૂપિયા આપવામાં આવશે.

રાષ્ટ્રપતિએ દુઃખ વ્યક્ત કર્યું

રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુએ રાજસ્થાનની બસ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કરતા લખ્યું કે, જૈસલમેર, રાજસ્થાનમાં એક બસમાં આગ લાગવાથી અનેક લોકોના મોતના સમાચાર અત્યંત પીડાદાયક છે. હું પીડિત પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું અને ઈજાગ્રસ્તોના જલ્દી સાજા થવાની પ્રાર્થના કરું છું.

મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું

આ દુઃખદ ઘટના પર મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કલેક્ટર અને એસપી સાથે ફોન પર વાત કરીને પીડિતોને તમામ સંભવિત મદદ પૂરી પાડવાના નિર્દેશ આપ્યા છે. મુખ્યમંત્રી ઘટનાની સતત માહિતી લઈ રહ્યા છે અને પોતે પણ સ્થળની મુલાકાત લેવા માટે જૈસલમેર પહોંચ્યા હતા.

પૂર્વ મુખ્યમંત્રી ગહલોતે દુઃખ વ્યક્ત કર્યું

પૂર્વ મુખ્યમંત્રી અશોક ગહલોતે પણ ઘટના પર દુઃખ વ્યક્ત કરતા ટ્વિટ કર્યું છે કે, ‘ભીષણ આગ લાગવાથી અનેક લોકોના જાનહાનિના ચિંતાજનક સમાચાર મળ્યા છે. હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે ઓછામાં ઓછું નુકસાન થાય અને દાઝેલા લોકોને જલ્દી સ્વાસ્થ્ય લાભ મળે.’

આ પણ વાંચો : બિહારમાં NDAમાં બેઠક વહેંચણીમાં થશે ફેરફાર! બે પક્ષોને મનાવવા વધુ બેઠકો આપવાનો પ્લાન તૈયાર


Tags :