કર્નલ સોફિયા પર વિવાદાસ્પદ નિવેદન કરનાર કેબિનેટ મંત્રી ફસાયા, હાઈકોર્ટે કહ્યું - ‘FIR નોંધો’
MP Minister Vijay Shah Controversial Statement : મધ્યપ્રદેશના કેબિનેટ મંત્રી વિજય શાહે કર્નલ સોફિયા કુરેશી અંગે વિવાદાસ્પદ નિવેદન કરતા હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે તેમના નિવેદન પર તાત્કાલીક ધ્યાન દોરી વિજય શાહ વિરુદ્ધ તાત્કાલીક એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો છે.
વિજય શાહ સામે તાત્કાલીક FIR નોંધવા આદેશ
ન્યાયાધીશ અતુલ શ્રીનધરનની અધ્યક્ષતાવાળી ખંડપીઠે રાજ્ય પોલીસ મહાનિર્દેશક (DGP)ને આદેશ આપવાની સાથે સ્પષ્ટ કહ્યું છે કે, વિજય શાહ વિરુદ્ધ તાત્કાલીક એફઆઈઆર નોંધવી જોઈએ. આ ઉપરાંત કોર્ટે રાજ્યના એડવોકેટ જનરલને પણ કોઈપણ સ્થિતિમાં એફઆઈઆર નોંધવાનો નિર્દેશ જારી કર્યો છે. હાઈકોર્ટે આ કેસમાં આગામી સુનાવણી સોમવારે સૌથી પહેલા હાથ ધરવાની પણ વાત કહી છે.
વિજય શાહે શું કહ્યું હતું?
કેબિનેટ મંત્રી વિજય શાહે એક સભામાં કર્નલ સોફિયા કુરેશી (Colonel Sophia Qureshi)નું નામ લીધા વગર પાકિસ્તાની આતંકવાદીઓ અંગે કહ્યું હતું કે, ‘અમે તેમની બહેન મોકલીને તેઓની ઐસી-તૈસી કરાવી દીધી.’ આ નિવેદન બાદ વિજય શાહની મુશ્કેલીઓ વધી ગઈ છે.
કેબિનેટ મંત્રીએ માફી માંગી
વિવાદ વધ્યા બાદ વિજય શાહે માફી માંગતા કહ્યું હતું કે, ‘હું સપનામાં પણ કર્નલ સોફિયા બહેન અંગે વિચારી ન શકું. હું સેનાના અપમાનની પણ વાત વિચારી ન શકું. સોફિયા બહેને જાતી અને ધર્મની ઉપર ઉઠીને દેશની સેવા કરી અને આતંકવાદીઓને જવાબ આપ્યો છે. હું તેમને સલામ કરું છું. મારા પારિવારિક પુષ્ટભૂમિ પણ સેના સાથે જોડાયેલી છે. આતંકવાદીઓએ જે બહેનોનું સિંદૂર ઉજાડી દીધું, મેં તે બહેનોની પીડાને ધ્યાને રાખીને આ નિવેદન આપ્યું હતું, જો જોશમાં આવીને મારાથી કંઈ ખોટું બોલાઈ ગયું, તો હું તે માટે માફી માંગું છું.’