India

‘પુત્ર માટે બ્રાહ્મણ યુવતીની માંગ’ કરતું નિવેદન IAS સંતોષ વર્માને ભારે પડ્યું, MP સરકારનો કેન્દ્રને સસ્પેન્ડનો પ્રસ્તાવ

By GS TEAM
12 Dec 20253 mins read
TukuTouch Logo
મધ્ય પ્રદેશ સરકારે વિવાદાસ્પદ નિવેદનો આપવા બદલ આઇએએસ અધિકારી તેમજ અનુસૂચિત જાતિ એવમ જનજાતિ અધિકારી એવમ કર્મચારી સંઘ (AJAKS- અજાકસ)ના કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ સંતોષ વર્મા વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. મધ્ય પ્રદેશ સરકારે તેમને નોકરીમાંથી બરતરફ કરવા કેન્દ્રને પ્રસ્તાવ મોકલ્યો છે. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવના આદેશ બાદ તેમને કૃષિ વિભાગમાંથી સામાન્ય વહીવટી વિભાગ (GAD)માં મોકલી દેવાયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

‘પુત્ર માટે બ્રાહ્મણ યુવતીની માંગ’ કરતું નિવેદન IAS સંતોષ વર્માને ભારે પડ્યું, MP સરકારનો કેન્દ્રને સસ્પેન્ડનો પ્રસ્તાવ
(IMAGE - IANS)

IAS Officer Santosh Verma: મધ્ય પ્રદેશ સરકારે વિવાદાસ્પદ નિવેદનો આપવા બદલ આઇએએસ અધિકારી તેમજ અનુસૂચિત જાતિ એવમ જનજાતિ અધિકારી એવમ કર્મચારી સંઘ (AJAKS- અજાકસ)ના કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ સંતોષ વર્મા વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. મધ્ય પ્રદેશ સરકારે તેમને નોકરીમાંથી બરતરફ કરવા કેન્દ્રને પ્રસ્તાવ મોકલ્યો છે. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવના આદેશ બાદ તેમને કૃષિ વિભાગમાંથી સામાન્ય વહીવટી વિભાગ (GAD)માં મોકલી દેવાયા છે. 

વિવાદિત નિવેદન બન્યું કારણ

આ કાર્યવાહીનું મુખ્ય કારણ 23 નવેમ્બરના રોજ ભોપાલમાં અજાકસના રાજ્ય સ્તરના અધિવેશનમાં સંતોષ વર્માએ આપેલું નિવેદન છે. તેમણે કહ્યું હતું કે, ‘જ્યાં સુધી કોઈ બ્રાહ્મણ પોતાની દીકરી મારા દીકરાને દાન ન કરી દે, ત્યાં સુધી તેને (દીકરાને) અનામતનો લાભ મળવો જોઈએ.’ આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં બ્રાહ્મણ સમુદાયમાં ભારે રોષ ફેલાયો હતો. 

આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં, બ્રાહ્મણ સમુદાયમાં તીવ્ર રોષ જોવા મળ્યો હતો. પરિણામે, માત્ર રાજ્યમાં જ નહીં પણ સમગ્ર દેશમાં સંતોષ વર્મા સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી હતી. આ દરમિયાન સંતોષ વર્માની આ ટિપ્પણીથી નારાજ થઈને 65 બ્રાહ્મણ સંગઠનોએ શુક્રવારે વિરોધ પ્રદર્શન કરવાની અને 14 ડિસેમ્બરે મુખ્યમંત્રીના નિવાસસ્થાનનો ઘેરાવ કરવાની જાહેરાત કરી હતી. તેમણે ચેતવણી આપી હતી કે જો પગલાં નહીં લેવાય, તો આખા રાજ્યમાં બંધની તૈયારી કરવામાં આવશે.


હાઈકોર્ટ SC-STને સિવિલ જજ નથી બનવા દેતી: વર્મા

આ નિવેદનનો વિવાદ અટક્યો ન હતો ત્યાં સંતોષ વર્માએ ફરી 11 ડિસેમ્બરે પણ એક વિવાદાસ્પદ નિવેદન કર્યું. ભોપાલમાં અજાકસ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં તેમણે કહ્યું કે, 'આપણા બાળકો IAS-IPS તો બની જાય છે, પરંતુ સિવિલ જજ નથી બની શકતા. હાલમાં જ સિવિલ જજની ભરતીમાં ST-SC કેટેગરીનો એકેય ઉમેદવાર પસંદ ના થયો. હાઈકોર્ટે 50% કટ ઑફ માર્ક્સ રાખ્યા હતા, પરંતુ આપણા સંતાનોને 49.95 માર્ક્સ અપાય છે, 50 નહીં. ઈન્ટરવ્યૂમાં પણ 20ના બદલે 19 માર્ક અપાય છે. આ સુનિયોજિત રીતે કરાય છે, જેથી તેઓ જજ ના બની શકે. આ એ જ હાઈકોર્ટ છે, જે ST કેટેગરીના યુવાનોને સિવિલ જજ બનતા અટકાવે છે. આ એ જ હાઈકોર્ટ છે જેની પાસેથી આપણે બંધારણનું પાલન કરવાની ગેરંટી માંગીએ છીએ.'

CM મોહન યાદવે સખત કાર્યવાહીનો આદેશ આપ્યો

ત્યાર પછી મોડી રાત્રે જાહેર કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું કે મુખ્યમંત્રી મોહન યાદવે સંતોષ વર્મા કેસની નોંધ લીધી છે અને GADને સખત કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે. આ નિવેદનમાં જણાવાયું છે કે, 'વર્માએ રાજ્ય વહીવટી સેવામાંથી ભારતીય વહીવટી સેવા (IAS)ના પ્રમોશન ઓર્ડરમાં છેતરપિંડી કરી હતી અને તેમની વિરુદ્ધ વિવિધ કોર્ટમાં ફોજદારી કેસ પેન્ડિંગ છે. સરકારે આના તરત બાદ જ બરતરફીનો પ્રસ્તાવ કેન્દ્ર સરકારને મોકલી આપ્યો છે.'

આ પણ વાંચો: પૂર્વ ગૃહમંત્રી અને લોકસભા સ્પીકર શિવરાજ પાટિલનું નિધન, લાતૂરથી 7 વખત સાંસદ બન્યા હતા

આ દરમિયાન મધ્ય પ્રદેશ સરકારે કહ્યું છે કે, 'સંતોષ વર્માએ નકલી દસ્તાવેજોના આધારે 'ઇન્ટિગ્રિટી સર્ટિફિકેટ' મેળવ્યું હતું. તેમની સામેની વિભાગીય તપાસ અંતિમ તબક્કામાં છે. હાલના કેસમાં કારણ બતાવો નોટિસ મુદ્દે પણ સંતોષ વર્માનો જવાબ સંતોષકારક નથી. તેઓ સતત બેજવાબદાર નિવેદનો આપી રહ્યા છે. તેથી તેમની સામે 'ચાર્જશીટ' દાખલ કરવાનો નિર્ણય કરાયો છે.'

નોંધનીય છે કે, કોઈ પણ રાજ્ય સરકાર IAS અધિકારીઓને સસ્પેન્ડ (હંગામી ધોરણે ફરજ મોકુફી) કરી શકે છે, પરંતુ તેમને ડિસમિસ (કાયમી ધોરણે હકાલપટ્ટી) નથી કરી શકતી. આ સત્તા ફક્ત કેન્દ્ર સરકાર પાસે છે, જે રાષ્ટ્રપતિના હસ્તાક્ષર પછી લાગુ થાય છે.