Get The App

પૂર્વ ગૃહમંત્રી અને લોકસભા સ્પીકર શિવરાજ પાટિલનું નિધન, લાતૂરથી 7 વખત સાંસદ બન્યા હતા

Updated: Dec 12th, 2025

GS TEAM

Google News
Google News
પૂર્વ ગૃહમંત્રી અને લોકસભા સ્પીકર શિવરાજ પાટિલનું નિધન, લાતૂરથી 7 વખત સાંસદ બન્યા હતા 1 - image


Shivraj Patil Died : કોંગ્રેસના કદાવર નેતા અને પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટિલનું શુક્રવારે લાતૂરમાં 90 વર્ષની વયે નિધન થઇ ગયું. તેમણે સવારે લગભગ 6:30 વાગ્યે તેમના ઘરે અંતિમ શ્વાસ લીધા. તે લાંબા સમયથી બીમાર હતા અને ઘરે જ તેમની સારવાર ચાલી રહી હતી. 


શિવરાજ પાટિલની રાજકીય કારકિર્દી કેવી રહી? 

શિવરાજ પાટિલે તેમની લાંબી રાજકીય કારકિર્દીમાં અનેક મહત્ત્વના પદો સંભાળ્યા હતા જેમાં તે લોકસભા સ્પીકર અને કેન્દ્રીય કેબિનેટમાં અનેક મહત્ત્વપૂર્ણ પદો સંભાળી ચૂક્યા હતા. પાટિલ લાતૂર લોકસભા બેઠકથી સાત વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા. 

રાજકારણમાં શોકનો માહોલ 

તેમના નિધન બાદ સમગ્ર મહારાષ્ટ્ર અને રાષ્ટ્રીય રાજકારણમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે કેમ કે પાટિલને ભારતીય રાજકારણમાં એક શાંતિ, સંયત અને ખૂબ જ મહેનતી નેતા તરીકે જોવામાં આવતા હતા. 

રાજકારણમાં સફર ક્યારે શરૂ થઇ? 

શિવરાજ પાટિલનો જન્મ 12 ઓક્ટોબર 1935 ના રોજ લાતૂર જિલ્લાના ચાકુરમાં થયો હતો. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેમણે પહેલા આયુર્વેદનો અભ્યાસ કર્યો અને પછી મુંબઈ યુનિવર્સિટીની લૉની ડિગ્રી મેળવી. રાજકારણમાં તેમની સફર 1967માં શરૂ થઇ હતી જ્યાં તેમણે લાતૂર નગર પાલિકામાં કાર્યભાર સંભાળ્યો હતો. 

મહત્ત્વપૂર્ણ વિભાગોમાં ફરજ બજાવી હતી 

1980માં તે પહેલીવાર લાતૂર લોકસભા બેઠક પરથી સાંસદ બન્યા હતા અને તેના પછી સતત સાત વખત આ બેઠક જીતી સંસદ પહોંચ્યા હતા. આ સિદ્ધિ તેમને મહારાષ્ટ્રના સૌથી અસરદાર નેતાઓમાં સ્થાન આપે છે. ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની સરકારમાં તેમણે ડિફેન્સ, વાણિજ્ય, સાયન્સ એન્ડ ટેક્નોલોજી, પરમાણુ ઊર્જા, ઈલેક્ટ્રોનિક્સ તથા અંતરિક્ષ જેવા મહત્ત્વપૂર્ણ વિભાગોમાં રાજ્ય મંત્રી તરીકેની જવાબદારી નિભાવી હતી. 

મુંબઈ આતંકી હુમલા બાદ ગૃહમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું 

શિવરાજ પાટિલ 1991 થી 1996 સુધી લોકસભા સ્પીકર રહ્યા. 2004ની ચૂંટણી હાર્યા બાદ તેમને કેન્દ્રમાં ગૃહમંત્રી બનાવાયા હતા. પણ 2008ના મુંબઈ આતંકી હુમલા બાદ તેમણે નૈતિક જવાબદારી સ્વીકારતા રાજીનામું આપી દીધું હતું. પછી તેમને પંજાબના ગવર્નર અને ચંડીગઢના વહીવટી અધિકારી બનાવાયા હતા જ્યાં તેમણે 2010 થી 2015 સુધી સેવા આપી હતી. 

Tags :