MPના CMએ ગુજરાત-મહારાષ્ટ્ર કરતાં પણ આધુનિક વિમાન ખરીદ્યું, માત્ર બોલવાથી AC અને લાઇટ કંટ્રોલ થશે!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Madhya Pradesh CM New Jet : મધ્ય પ્રદેશ સરકારનું નવું અને અત્યાધુનિક બિઝનેસ જેટ 'બોમ્બાર્ડિયર ચેલેન્જર-3500' કેનેડાના ટોરોન્ટો શહેરથી ઉડાન ભરીને બેંગકોક થઈ આખરે ભોપાલના સ્ટેટ હેંગર પહોંચી ગયું છે. આશરે રૂ.234 કરોડના જંગી ખર્ચે ખરીદાયેલા આ અત્યાધુનિક વિમાનનો ઉપયોગ હવે મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ અને અન્ય અતિ-વિશિષ્ટ મહાનુભાવોના પ્રવાસો માટે કરવામાં આવશે.
દેશનું સૌથી અત્યાધુનિક જેટ, દશેરાએ પૂજન કરાયું
વર્ષ 2021માં ગ્વાલિયર ઍરપૉર્ટ પર સરકારી વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયા બાદથી રાજ્ય સરકાર સતત ચાર્ટર્ડ વિમાન ભાડે રાખી રહી હતી, જેના પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થતો હતો. દશેરાના પાવન અવસરે સ્ટેટ હેંગર ખાતે આ નવા વિમાનનું વિધિવત પૂજન પણ કરવામાં આવ્યું છે. આ નવું વિમાન દેશના તમામ રાજ્યોના વીવીઆઇપી કાફલામાં સૌથી વધુ આધુનિક અને શક્તિશાળી ગણાય છે.
ગુજરાતના ચેલેન્જર-650 કરતાં પણ વધુ ઍડ્વાન્સ
દેશના અન્ય સમૃદ્ધ રાજ્યો સાથે સરખામણી કરીએ તો ગુજરાત પાસે હાલમાં 'બોમ્બાર્ડિયર ચેલેન્જર-650' વિમાન છે, જે વર્ષ 2019માં આશરે રૂ.191 કરોડમાં ખરીદવામાં આવ્યું હતું. ગુજરાતનું ચેલેન્જર-650 ઘણું સારું છે, પરંતુ મધ્ય પ્રદેશનું નવું 'ચેલેન્જર-3500' ટૅક્નોલૉજી, કેબિનની સુવિધા અને સુરક્ષા વ્યવસ્થાના સંદર્ભમાં ગુજરાત કરતાં ઘણી નવી પેઢીનું છે.
મહારાષ્ટ્રનું વિમાન ક્ષમતામાં ઘણું પાછળ
બીજી તરફ, મહારાષ્ટ્ર સરકારનું મુખ્ય વિમાન આશરે રૂ.67 કરોડની કિંમતનું 'સેસના સાઈટેશન એક્સએલએસ' છે. આ વિમાન કદ, આધુનિક ટૅક્નોલૉજી અને લાંબા અંતરની ઉડાન ક્ષમતા ત્રણેય બાબતોમાં મુખ્યમંત્રી મોહન યાદવના નવા વિમાન સામે ઘણું નાનું અને સામાન્ય સાબિત થાય છે.
બટન દબાવ્યા વગર માત્ર અવાજથી કંટ્રોલ થશે સુવિધાઓ
આ વિમાનની સૌથી મોટી ખૂબી તેનું 'સ્માર્ટ કેબિન' છે. ચેલેન્જર-3500 વિશ્વનું પહેલું એવું બિઝનેસ જેટ છે જે અવાજથી નિયંત્રિત થાય છે. તેમાં અત્યાધુનિક સિસ્ટમ લગાવવામાં આવી છે જે માણસના અવાજ અને ઇશારાઓને ઓળખી લે છે. મુસાફરો માત્ર બોલીને એસીનું તાપમાન કે લાઇટિંગ પોતાની મરજી મુજબ બદલી શકે છે, જેના માટે કોઈ સ્વિચ દબાવવાની જરૂર પડતી નથી.
થાક દૂર કરતી વિશ્વની પ્રથમ ઝીરો-ગ્રેવિટી સીટો
આ હાઇટેક કેબિનમાં મુસાફરોની સુવિધા માટે વિશ્વની પ્રથમ ઝીરો-ગ્રેવિટી સીટો લગાવવામાં આવી છે. આ ખાસ પ્રકારની આરામદાયક સીટો લાંબી મુસાફરી દરમિયાન થતો શારીરિક થાક સંપૂર્ણપણે દૂર કરી દે છે અને મુસાફરને હવામાં તરતા હોવાનો અદ્ભુત આરામદાયક અનુભવ કરાવે છે.




