Get The App

મધ્યપ્રદેશમાં ચોમાસું કાળ સાબિત થયો, અત્યાર સુધી 252 લોકોના મોત, લોકો કેમ્પમાં રહેવા મજબૂર

Updated: Aug 4th, 2025

GS TEAM

Google News
Google News
મધ્યપ્રદેશમાં ચોમાસું કાળ સાબિત થયો, અત્યાર સુધી 252 લોકોના મોત, લોકો કેમ્પમાં રહેવા મજબૂર 1 - image



Madhya Pradesh Monsoon 252 Deaths: મધ્ય પ્રદેશમાં છેલ્લા લગભગ 40 દિવસમાં રાજ્યના જુદા જુદા ભાગોમાં થયેલા ભારે વરસાદના ભયાનક આંકડા સામે આવ્યા છે. રાજ્ય સરકારે જણાવ્યું છે કે આ ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં 252 લોકોનાં મોત થયા છે, જ્યારે વરસાદી વાતાવરણમાં 432 પશુઓ પણ મૃત્યુ પામ્યા છે. આ ઉપરાંત, અત્યાર સુધીમાં 3600થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

અત્યાર સુધીમાં 3628 નાગરિકોનો સુરક્ષિત બચાવ 

મુખ્યમંત્રી મોહન યાદવે તાજેતરમાં રાજ્યમાં થયેલા ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિ તથા રાહત-બચાવ કાર્યો અંગે જિલ્લા કલેક્ટર સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક યોજી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીને જણાવવામાં આવ્યું કે, વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં અત્યાર સુધીમાં 3628 નાગરિકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે.

હાલમાં, 53 રાહત શિબિરો ચલાવવામાં આવી રહી છે, જેમાં 3065 અસરગ્રસ્ત લોકોને રાખવામાં આવ્યા છે. તેમને ભોજન, પાણી, દવાઓ અને કપડાં જેવી તમામ જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે.

કુલ 28.49 કરોડ રૂપિયાની રાહત રકમનું વિતરણ 

બેઠકમાં મુખ્યમંત્રી મોહન યાદવે અધિકારીઓને સૂચના આપી કે, ભારે વરસાદ કે પૂરથી અસરગ્રસ્ત લોકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન થવી જોઈએ. સર્વે જલદી પૂરો કરીને પીડિતોને તેમના નુકસાનનું યોગ્ય વળતર આપવામાં આવે.

બેઠક પછી, મુખ્યમંત્રી ડૉ. યાદવે જણાવ્યું કે ભારે વરસાદવાળા જિલ્લાઓના કલેક્ટરો દ્વારા અત્યાર સુધીમાં 28.49 કરોડ રૂપિયાની રાહત રકમનું વિતરણ કરવામાં આવ્યું છે. સરકારે રાહત કાર્ય માટે લગભગ 3600 કરોડ રૂપિયાની વ્યવસ્થા કરી છે.

મુખ્યમંત્રી મોહન યાદવે એમ પણ જણાવ્યું કે, 'ભારે વરસાદને ધ્યાનમાં રાખીને NDRFની ટીમોને ભોપાલ, ગ્વાલિયર, જબલપુર અને ધારમાં તૈનાત કરવામાં આવી છે, જ્યારે SDRFની ટીમોને રાજ્યભરમાં સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે.'

આ પણ વાંચો: ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેનનું નિધન, હેમંત સોરેને કરી પુષ્ટી, કહ્યું - આજે હું શૂન્ય થઈ ગયો...

252 લોકોનાં મોત

રાજ્ય સરકારના જણાવ્યા મુજબ, ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં કુલ 252 લોકોનાં મોત થયા છે. જેમાં ભારે વરસાદથી 47, નદી-નાળામાં ડૂબી જવાથી 132, વીજળી પડવાથી 60 અને દીવાલ/મકાન/ઝાડ પડવાથી 13 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ ઉપરાંત, 432 પશુઓ અને 1200 મરઘીઓ પણ મૃત્યુ પામ્યા છે. બચાવ અને રાહત ટીમ દ્વારા કુલ 432 રેસ્ક્યુ ઑપરેશન હાથ ધરવામાં આવ્યા છે, જેમાં 3628 નાગરિકો અને 94 પશુઓને જીવતા બચાવવામાં આવ્યા છે. વરસાદના કારણે 128 મકાનો સંપૂર્ણપણે અને 2333 મકાનોને આંશિક નુકસાન થયું છે.

સામાન્ય કરતાં 59% વધુ વરસાદ

મધ્યપ્રદેશ સરકારના આંકડા મુજબ, અત્યાર સુધીમાં રાજ્યમાં 711.3 MM વરસાદ નોંધાયો છે, જે સામાન્ય કરતાં 59% વધુ છે. રાજ્યના કુલ 40 જિલ્લાઓમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડ્યો છે. આ અતિવૃષ્ટિને કારણે લગભગ 254 ગ્રામીણ રસ્તાઓને નુકસાન થયું છે.

મધ્યપ્રદેશમાં ચોમાસું કાળ સાબિત થયો, અત્યાર સુધી 252 લોકોના મોત, લોકો કેમ્પમાં રહેવા મજબૂર 2 - image

Tags :