ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેનનું નિધન, હેમંત સોરેને કરી પુષ્ટી, કહ્યું - આજે હું શૂન્ય થઈ ગયો...
Shibu Soren Died News : ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અને ઝારખંડ મુક્તિ મોરચા (ઝામુમો) નેતા શિબુ સોરેનનું નિધન થઇ ગયું છે. તેઓ સ્વાસ્થ્યની સમસ્યાને કારણે વેન્ટીલેટર પર હતા. હેમંત સોરેને આ મામલે જાણકારી આપતાં કહ્યું કે હવે ગુરુજી આપણી વચ્ચે નથી. આજે હું શૂન્ય થઇ ગયો.
શિબુ સોરેન છેલ્લા એક મહિનાથી પણ વધુ સમયથી દિલ્હીની શ્રી ગંગા રામ હોસ્પિટલમાં દાખલ હતા. તેમને જૂન મહિનામાં છેલ્લા અઠવાડિયે કિડની સંબંધિત સમસ્યાને કારણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેઓ 81 વર્ષના હતા.
હેમંત સોરેને એક્સ પર કરી પોસ્ટ
ઝારખંડના વર્તમાન મુખ્યમંત્રી હેમંત સોરેને આ મામલે એક્સ પર પોસ્ટ કરતાં કહ્યું કે આદરણીય દિશોમ ગુરુજી આપણા બધાને હવે છોડી ગયા છે. આજે હું શૂન્ય થઇ ગયો. હોસ્પિટલ તરફથી જણાવાયા અનુસાર પૂર્વ સીએમને સવારે 8:56 વાગ્યે મૃત જાહેર કરાયા હતા. તેમને કિડનીની તકલીફને કારણે દોઢ મહિના અગાઉ સ્ટ્રોક આવ્યો હતો. તે લગભગ એક મહિનાથી લાઈફ સપોર્ટ સિસ્ટમ પર હતા. ડૉક્ટરોની એક ટીમ તેમના પર સતત નજર રાખી હતી પણ છેવટે તેમને બચાવી ના શકાયા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિબુ સોરેનના નિધન પર શોક વ્યક્ત કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિબુ સોરેનના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વિટર પર લખ્યું, "શિબુ સોરેન એક પાયાના નેતા હતા જેમણે લોકો પ્રત્યે અતૂટ સમર્પણ સાથે જાહેર જીવનમાં ઊંચાઈઓ હાંસલ કરી હતી. તેઓ ખાસ કરીને આદિવાસી સમુદાયો, ગરીબો અને વંચિતોના સશક્તિકરણ માટે સમર્પિત હતા. તેમના નિધનથી દુઃખી છું. મારી સંવેદના તેમના પરિવાર અને ચાહકો સાથે છે. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન સાથે વાત કરી અને સંવેદના વ્યક્ત કરી. ઓમ શાંતિ."