પાકિસ્તાનીઓની નાપાક કરતૂત! ટીવી પર ટીમ ઇન્ડિયાના કૅપ્ટન સૂર્યકુમારને કહ્યા અપશબ્દો
Pakistani Cricketer Mohammad Yusuf: એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે સર્જાયેલો 'હેન્ડશેક વિવાદ' ધીમે ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ વિવાદમાં ઝંપલાવી મેચ રેફરીને દૂર કરવાની માગ કર્યા બાદ હવે પાકિસ્તાનના પૂર્વ દિગ્ગજ ખેલાડીઓ રોષ ઠાલવી રહ્યા છે. તેમાં પાકિસ્તાનના પૂર્વ ખેલાડી મોહમ્મદ યુસુફ એક ટીવી પ્રોગ્રામમાં ટીમ ઇન્ડિયાના કૅપ્ટન સૂર્યકુમાર યાદવને અપશબ્દો કહેતાં જોવા મળ્યા છે. યુસુફે વારંવાર યાદવ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી હતી.
પાકિસ્તાની ટીવી પર એક પેનલ ચર્ચા દરમિયાન ભૂતપૂર્વ બેટ્સમેન યુસુફે મેચમાં પાકિસ્તાન ટીમ સાથે હાથ ન મિલાવવાના ભારતના નિર્ણય અને તેના પરિણામ પર વિચાર કરવા કહ્યું હતું. તેણે ટીમ ઇન્ડિયા પર ખરાબ રમત રમવાનો આરોપ મૂક્યો હતો.
આ પણ વાંચોઃ ટીમ ઇન્ડિયાની જર્સી પર હવે જોવા મળશે 'એપોલો ટાયર્સ'નો લોગો, BCCI સાથે 2027 સુધીના કરાર
સૂર્યકુમાર યાદવનું અપમાન કર્યું
યુસુફે ટીમ ઇન્ડિયા પર ખરાબ રમત રમવાનો આરોપ મૂક્યો હતો. તેમજ સૂર્યકુમાર યાદવ પર ટિપ્પણી કરતાં કહ્યું કે, તે સુઅરકુમાર યાદવ છે. ભારતને પોતાને શરમ આવવી જોઈએ કારણ કે તે મેચ જીતવા માટે કાવતરાં કરે છે: અમ્પાયરને પોતાની તરફેણમાં રાખે છે, રેફરી પર પોતાની મનમાનીભર્યું કામ કરવા દબાણ કરે છે. દરેક વસ્તુની એક મર્યાદા હોય છે. યુસુફે એમ્પાયરના અનેક નિર્ણયો પર પણ સવાલો ઉઠાવ્યા હતા.
પાકિસ્તાની ખેલાડીઓ નારાજ
બીસીસીઆઇ અને બાદમાં આઇસીસી દ્વારા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા મેચ રેફરી એન્ડીને દૂર કરવાની માગ ફગાવી દેવામાં આવતા પાકિસ્તાનના ખેલાડીઓ નારાજ છે. ખાસ કરીને કૅપ્ટન સૂર્યકુમાર યાદવ પર રોષે ભરાયા છે. 14 સપ્ટેમ્બરના રોજ રમાયેલી મેચમાં સૂર્યકુમારે ટોસ સમયે, તેમજ મેચ પૂર્ણ થયા બાદ ભારતના એકપણ ખેલાડીએ પાકિસ્તાનના ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યા ન હતા. તેઓએ પાકિસ્તાનના ખેલાડીઓથી અંતર જાળવ્યું હતું. ટીમ ઇન્ડિયાના ખેલાડીઓના આ વલણ માટે પાકિસ્તાને તેના મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટને જવાબદાર ઠેરવ્યો હતો. પીસીબીએ આઇસીસીને મેચ રેફરીને દૂર કરવાની માગ કરતી ફરિયાદ પણ કરી હતી. પીસીબીએ આરોપ મૂક્યો હતો કે, એન્ડીના કારણે ભારતીય ટીમે હાથ મિલાવ્યો નથી. તે સંપૂર્ણપણે કોડ ઑફ કંડક્ટનું ઉલ્લંઘન છે. જો કે, આઇસીસીએ તેની આ ફરિયાદ અને માગને ફગાવી હતી.
શોએબ અખ્તરે પણ ઉઠાવ્યા સવાલ
'હેન્ડશેક વિવાદ' મુદ્દે પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે પણ સવાલો ઉઠાવ્યા હતા. તેણે કહ્યું કે, આવું કરવું જોઈએ નહીં. ઘરમાં પણ લડાઈ-ઝઘડો થાય છે, અખ્તરે ભારતીય ખેલાડીને પાકિસ્તાની પ્લેયર્સ સાથે હાથ ન મિલાવતા દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે આ કૃત્યને રમતની ભાવનાને ઠેસ પહોંચાડનારું ગણાવ્યું હતું.