ખેડૂતો માટે રૂ. 35 હજાર કરોડની બે કૃષિ યોજનાને મોદીએ લોંચ કરી

- આપણે આયાત ઘટાડીને નિકાસ વધારવાની છે : પીએમ
- આ યોજનાઓ ખેડૂતોનું ભવિષ્ય બદલી નાખશે, અગાઉની કોંગ્રેસ સરકાર પાસે વિઝન નહોતું : મોદી
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે રૂ. ૩૫,૪૪૦ કરોડની બે મુખ્ય કૃષિ યોજનાઓ લોન્ચ કરી હતી, તેમણે કહ્યું હતું કે છેલ્લા ૧૧ વર્ષમાં ભારતની કૃષિ આયાત આશરે બેગણી થઇ ગઇ છે. અનાજ ઉત્પાદન ૯૦૦ લાખ મેટ્રિક ટન વધી ગયું છે. ફળ અને શાકભાજીનું ઉત્પાદન પણ ૬૪૦ લાખ મેટ્રિક ટનથી વધુ થઇ રહ્યું છે. આ સાથે જ પીએમ મોદીએ પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના અને દલહન આત્મનિર્ભતા મિશનને લોંચ કર્યું હતું.
દિલ્હી સ્થિત ઇન્ડિયન એગ્રિકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટયૂટમાં એક વિશેષ કૃષિ કાર્યક્રમમાં ખેડૂતોને સંબોધન કરતા મોદીએ બે યોજનાઓ લોંચ કરી હતી, સાથે જ દાવો કર્યો હતો કે આ બન્ને યોજનાઓ ભારતના ખેડૂતોનું ભવિષ્ય બદલી નાખશે. આ યોજનાઓ પાછળ સરકાર દ્વારા આશરે ૩૫ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. ખેતી હંમેશાથી જ આપણી વિકાસ યાત્રાનો એક મુખ્ય હિસ્સો રહી છે. બદલાતા સમય સાથે ખેતી અને ખેડૂતોને સરકાર તરફથી સહયોગ મળતો રહેવો જરૂરી છે. મોદીએ આયાત ઘટાડી નિકાસ વધારવા પર ભાર મુક્યો હતો.
વડાપ્રધાને વધુમાં કહ્યું હતું કે બીજથી લઇને બજાર સુધી અનેક સુધારા કરવામાં આવ્યા છે. જેના પરિણામે આજે દૂધ ઉત્પાદનમાં ભારત એક નંબર પર છે. ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો માછલી ઉત્પાદક દેશ છે. ભારતમાં મધ ઉત્પાદન ૨૦૧૪ની સરખામણીએ બેગણી થઇ ગઇ છે. દેશમાં છ મોટી ફર્ટિલાઇઝર ફેક્ટ્રીઓ બનાવવામાં આવી છે. ૨૫ હજારથી વધુ સોઇલ હેલ્થ કાર્ડ ખેડૂતોને આપવામાં આવ્યા. ૧૦૦ લાખ હેક્ટરમાં સુક્ષ્મ સિંચાઇની સુવિધા પહોંચાડાઇ છે. પીએમ પાક વીમા યોજનાથી આશરે બે લાખ કરોડ રૂપિયાના ક્લેઇમ સ્વરૂપે ખેડૂતોને લાભ મળ્યા છે. છેલ્લા ૧૧ વર્ષોમાં ૧૦ હજારથી વધુ ખેડૂત ઉત્પાદ સંઘ એફપીઓ બન્યા છે. પોતાના ૩૦ મિનિટના ભાષણમાં મોદીએ અગાઉની કોંગ્રેસ સરકાર પર પણ આકરા પ્રહારો કર્યા હતા.

