ગાઝા શાંતિ શિખર પરિષદમાં મોદીને આમંત્રણ : તેઓને બદલે M.S. સિંઘ જશે

અમેરિકાના રાજદૂત ગોર વડાપ્રધાન મોદીને મળ્યાં
ઇજીપ્તના પ્રમુખ અબ્દેલ ફત્તાર અલ સીસીએ તથા ડૉનાલ્ડ ટ્રમ્પે પણ આમંત્રણ આપ્યું હોવા છતાં મોદી નહીં જાય
નવી દિલ્હી: રાતા સમુદ્ર ઉપરનાં સિનાઇ દ્વિપ કલ્પનાં છેડે આવેલાં સુંદર રીસાર્ટ જેવાં શહેર શર્મ અલ શેપમાં ગાઝા શાંતિ પરિષદ યોજાવાની છે. તે પરિષદમાં ઉપસ્થિત રહેલા ઇજીપ્તના પ્રમુખ અબ્દેલ ફત્તાહ અલ સીસી, તેમજ અમેરિકાના પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે પણ ઉપસ્થિત રહેવા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું હતું. તે પૂર્વે ભારત સ્થિત અમેરિકાના નવનિયુક્ત રાજદૂત સર્જીઓ ગોર પણ મોદીને મળ્યા હતા.
આમ છતાં પોતાની અન્ય વ્યસ્તતાઓને લીધે ભારતના વડાપ્રધાને તે પરિષદમાં ઉપસ્થિત રહેવાની પોતાની અશક્તિ દર્શાવી હતી. પરંતુ પોતાને બદલે વિદેશ મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી કીર્તિ વર્ધન સિંહને મોકલવા નિર્ણય કર્યો હતો.
વિશ્લેષકો મોદીનાં આ પગલાંને ઘણું યોગ્ય ગણે છે. કારણ કે તે પરિષદમાં એક તરફ અત્યંત જીભાજોડી થવા સંભવ છે. બીજુ હમાસ ઉપસ્થિત રહેવાનું નથી. તેમાં કોઈ પણ પક્ષ તરફે નિર્ણય લેવાય તો ખરી ફસામણ થાય તેમ છે.
ઇઝરાયલ તરફે ઝૂકાવ જાય તો મુસ્લીમ દેશો નારાજ થાય, પેલેસ્ટાઇન કે હમાસ તરફે નિર્ણય લેવાય તો યુરોપીય દેશો અને અમેરિકા નારાજ થાય. માટે મોદીનું આ પગલું ઘણું જ યોગ્ય છે. તેમ વિશ્લેષકો ફરી ભારપૂર્વક કહે છે.


