India
રેલવે કર્મચારીઓને મળશે 78 દિવસનું બોનસ, ઈ-સિગરેટ પર પ્રતિબંધ
By GS Team
18 Sep 20192 mins read
This article was originally published on 18 Sep 2019

નવી દિલ્હી, તા. 18 સપ્ટેમ્બર 2019, બુધવાર
રેલને કર્મચારીઓને 78 દિવસનું બોનસ આપવાનો મોદી સરકારે નિર્ણય કર્યો છે. આ સિવાય કેન્દ્ર સરકારે ઈ-સિગરેટ પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવી દીધો છે. સરકારના નિર્ણયની જાણકારી આપતા કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, આ વખતે રેલવેના 11 લાખ 52 હજાર કર્મચારીઓને 78 દિવસનું બોનસ આપવામાં આવશે. તેનાથી રેલવેને 2024 કરોડ રૂપિયાનો ખર્ચ આવશે. છેલ્લા 6 વર્ષોની સતત રેલવે કર્મચારીઓને કેન્દ્ર સરકાર બોનસ આપતી રહી છે. કેન્દ્ર સરકારનો આ નિર્ણય રેલ કર્મચારઓની પ્રોડક્ટિવિટી રિવાર્ડ છે.
આ સાથે જ કેબિનેટે ઈ-સિગરેટ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ભારતમાં ઈ-સિગરેટ હવે સંપૂર્ણપણે પ્રતિબંધિત હશે. કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સિતારમણે કહ્યું કે, ઈ-સિગરેટ પરનો પ્રતિબંધનો અર્થ તેના ઉત્પાદન, આયાત-નિકાસ, ટ્રાંસપોર્ટ, વેચાણ-વિતરણ અને જાહેરાત પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે. આ નવા નિર્ણયથી ઈ-સિગરેટ દ્વારા ધુમ્રપાન શિખી રહેલા યુવાનો પર લગામ લાગશે.
સ્વસ્થ્ય અને પરિવહન વિભાગના સચિવ પ્રીતિ સુદને કહ્યું કે, નવા નિયમો પ્રમાણે જો કોઈ ઈ-સિગરેટ વેચે તો, ઈમ્પોર્ટ અથવા એક્સપોર્ટ કરે તો પહેલીવાર તેને 1 વર્ષની સજા અથવા 1 લાખનો દંડ થઈ શકે છે, જો કોઈ આગળ પણ આ ગુન્હો કરે તો 3 લાખનો દંડ અથવા 5 વર્ષની સજા અથવા બંન્ને થઈ શકે છે. માનવામાં આવી રહ્યું છે કે, ઈ-સિગરેટની 400 બ્રાંડ છે, જો કે ભારતમાં ઈ-સિગરેટની કોઈ બ્રાન્ડ બનતી નથી. રિપોર્ટ પ્રમાણે ઈ-સિગરેટના 150 ફ્લેવર બજારમાં મળે છે. કેબિનેટ દ્વારા પ્રતિબંધિત લિસ્ટમાં ઈ-હુક્કા પણ સામેલ છે.









