India

'મોબાઈલ ઝૂંટવી લીધા, વકીલને મળવા નથી દેતા', CJP નેતાઓની અટકાયત બાદ દિલ્હી પોલીસ પર ગંભીર આરોપ

By GS Team
13 Oct 20262 mins read
TukuTouch Logo
દિલ્હીમાં જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન કરવા પહોંચેલા કોકરોચ જનતા પાર્ટી(CJP)ના નેતાઓની અટકાયત કરાઈ છે. સંગઠનના સૌરવ દાસ, અશુતોષ રાંકા સહિત 4 નેતાઓને દિલ્હી પોલીસે જાફરપુર કલાં પોલીસ સ્ટેશનમાં રાખ્યા છે. CJPના કાનૂની વડા રત્ના સિંહે પોલીસ કસ્ટડીમાં રહેલા નેતાઓને વકીલોને મળવા દેવાતા ન હોવાનો અને ફોન જપ્ત કરાયા હોવાનો આક્ષેપ કર્યો છે, જેથી નવો વિવાદ સર્જાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'મોબાઈલ ઝૂંટવી લીધા, વકીલને મળવા નથી દેતા', CJP નેતાઓની અટકાયત બાદ દિલ્હી પોલીસ પર ગંભીર આરોપ

CJP leaders detained at Jantar Mantar Delhi : દિલ્હીમાં જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન કરવા પહોંચેલા કોકરોચ જનતા પાર્ટી(CJP)ના નેતાઓની અટકાયત બાદ નવો વિવાદ ઊભો થયો છે. સંગઠનના કાનૂની વડા રત્ના સિંહે આક્ષેપ કર્યો છે કે પોલીસ કસ્ટડીમાં રહેલા નેતાઓને તેમના વકીલોને મળવાની મંજૂરી આપવામાં આવી રહી નથી. આ ઉપરાંત, તેમના ફોન પણ જપ્ત કરી લેવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. CJPના સહ-સંયોજકો સૌરવ દાસ અને અશુતોષ રાંકા સહિત અજિંક્ય શિંદે તથા અન્ય કાર્યકરોની મંગળવારે સવારે દિલ્હી પોલીસે અટકાયત કરી હતી. સંગઠનના જણાવ્યા અનુસાર, આ તમામને જાફરપુર કલાં પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા છે. CJPના કાનૂની પ્રતિનિધિ પુષ્પ શર્માએ પણ આક્ષેપ કર્યો છે કે તેમને અટકાયત કરાયેલા નેતાઓને મળવા દેવામાં આવ્યા નથી.

વકીલને મળવાની મંજૂરી ન મળ્યાનો આક્ષેપ

રત્ના સિંહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે જાફરપુર કલાં પોલીસ સ્ટેશનના સ્ટેશન હાઉસ ઑફિસરે (SHO) વકીલને નેતાઓને મળવાની મંજૂરી આપવાનો ઇન્કાર કર્યો છે. તેમના ફોન પણ લઈ લેવામાં આવ્યા હોવાનો દાવો કરતાં તેમણે અટકાયત કયા કાનૂની આધારે કરવામાં આવી છે અને વકીલને મળવા કેમ રોકવામાં આવી રહ્યા છે તે અંગે સવાલ ઉઠાવ્યા હતા. CJPના કાનૂની પ્રતિનિધિ પુષ્પ શર્માએ વાત કરતાં જણાવ્યું કે તેઓ સૌરવ દાસના સંપર્કમાં હતા. વૉટ્સએપ સંદેશા અને ફોન કૉલ દ્વારા તેમની સાથે વાતચીત થતી હતી. જોકે, દાસનો છેલ્લો સંદેશ મળ્યા બાદ તેમના ફોન લઈ લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

શર્માના જણાવ્યા પ્રમાણે, તેમણે પોલીસ અધિકારીને વારંવાર અટકાયત કરાયેલા નેતાઓને મળવા દેવા વિનંતી કરી હતી. જોકે, પોલીસ તરફથી તેમને નેતાઓ સુરક્ષિત હોવાની ખાતરી આપવામાં આવી હતી અને જરૂર પડે તો ફોન પર વાત કરવા જણાવાયું હતું. ફોન જપ્ત કરાયા હોવાને કારણે CJPના અન્ય સભ્યોનો સંપર્ક કરવામાં પણ મુશ્કેલી પડી રહી હોવાનું તેમણે કહ્યું હતું.

જંતર-મંતરનાં બંધ દરવાજા કૂદીને પ્રવેશ્યા

આ સમગ્ર ઘટનાની શરૂઆત જંતર-મંતર ખાતેના વિરોધ પ્રદર્શનથી થઈ હતી. એક દિવસ પહેલાં જ આ સ્થળને નિયુક્ત વિરોધ પ્રદર્શન સ્થળનો દરજ્જો ન રહેતાં, મંગળવારે સવારે CJPના નેતાઓ બંધ દરવાજા કૂદીને અંદર પ્રવેશ્યા હતા. ત્યારબાદ ત્યાં હાજર પોલીસકર્મીઓએ તેમને અટકાયતમાં લીધા હતા. અશુતોષ રાકાએ X પર એક વીડિયો મૂક્યો હતો, જેમાં તેઓ, સૌરવ દાસ અને અજિંક્ય શિંદે બંધ દરવાજા કૂદીને જંતર-મંતરમાં પ્રવેશતા દેખાય છે. પોલીસના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા પ્રમાણે, દાસ અને રાકા આશરે 10 અન્ય લોકો સાથે રાષ્ટ્રીય ધ્વજ લઈને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે વિરોધ નોંધાવવા પહોંચ્યા હતા. સૌરવ દાસે આ ઘટનાનો વીડિયો શેર કરીને દાવો કર્યો હતો કે CJPએ જંતર-મંતરનું સ્થળ ફરી પોતાના કબજામાં લીધું છે. બીજી તરફ, CJPના સ્થાપક અભિજિત દિપકેએ પણ આ પગલાને સમર્થન આપતાં જણાવ્યું હતું કે વિરોધના અવાજને સ્થળનો દરજ્જો રદ કરીને દબાવી શકાય નહીં.