મરાઠી વિવાદ: મુંબઈના રસ્તા પર વેપારીઓ vs MNS, પોલીસે ટિંગાટોળી કરી કાર્યકરોને ડિટેઇન કર્યા
તસવીર : IANS
Marathi Language Controversy: મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ એ હદે વધી ગયો છે કે રાજ ઠાકરેની પાર્ટી મનસેના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા છે. પરિસ્થિતિ એવી છે કે થોડા દિવસો પહેલા પાર્ટીના કાર્યકરોએ એક ફૂડ સ્ટોલ માલિકને માર માર્યો હતો. વ્યાપારી સંગઠનોએ આનો વિરોધ કર્યો હતો. હવે તેના જવાબમાં મનસેના કાર્યકરોએ મંગળવારે રેલી કાઢી છે, જ્યાં પોલીસ પણ કડક કાર્યવાહી કરી રહી છે.
પોલીસની પરવાનગી વિના જ કાઢી રેલી
એવું કહેવામાં આવે છે કે આ રેલી પોલીસની પરવાનગી વિના કાઢવામાં આવી હતી અને તેના કારણે થાણે જિલ્લામાં ભારે ટ્રાફિક જામ અને તણાવ સર્જાયો હતો. રેલી શરુ થાય તે પહેલાં જ પોલીસે સવારે 3:30 વાગ્યે મનસેના થાણે અને પાલઘરના વડા અવિનાશ જાધવ સહિત ઘણા અગ્રણી નેતાઓને કસ્ટડીમાં લીધા હતા.
મુખ્યમંત્રી ફડણવીસે આપી પ્રતિક્રિયા
આ મામલે પ્રતિક્રિયા આપતા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, 'મનસેના કાર્યકરો દ્વારા કાઢવામાં આવેલી રેલી મંજૂર રૂટ પર નહોતી. તેથી જ પોલીસે કાર્યવાહી કરવી પડી. મહારાષ્ટ્ર એક લોકશાહી રાજ્ય છે અને અહીં કોઈપણ વિરોધ કરી શકે છે, પરંતુ તેના માટે પહેલા પરવાનગી લેવી પડશે.'
આ પરિસ્થિતિ કટોકટી જેવી છે: મનસે નેતા સંદીપ દેશપાંડે
આ અંગે પ્રતિક્રિયા આપતાં મનસે નેતા સંદીપ દેશપાંડેએ કહ્યું, 'આ પરિસ્થિતિ કટોકટી જેવી છે. ગુજરાતી વેપારીઓની રેલીને પૂર્ણ સન્માન આપવામાં આવી રહ્યું છે ત્યારે અમારા નેતાઓની વહેલી સવારે ધરપકડ કરવામાં આવી હતી. શું આ મહારાષ્ટ્ર સરકાર છે કે ગુજરાત સરકાર? સરકાર ગમે તે કરે, મરાઠી લોકોની આ રેલી ચોક્કસ થશે.'
આ પણ વાંચો: મરાઠી વિવાદમાં શિંદે'સેના'એ જ વધાર્યું ભાજપનું ટેન્શન! સરકારના મંત્રી જ પોલીસ પર વિફર્યા
મારપીટની ઘટના અને વેપારી સમુદાયનો ગુસ્સો
આ મહિનાની શરુઆતમાં મીરા-ભાયંદર વિસ્તારમાં એક ફૂડ સ્ટોલ માલિકને મરાઠીમાં વાત ના કરવાના કારણે માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેના પછી વેપારી સમુદાયમાં ઘણો ગુસ્સો હતો. વેપારીઓએ આ ઘટનાનો વિરોધ કરવા માટે શાંતિપૂર્ણ રેલીનું આયોજન કર્યું હતું. મનસેએ તેને મરાઠી ઓળખની વિરુદ્ધ ગણાવ્યું હતું અને વિરોધમાં પોતે રેલી કાઢી હતી.