મરાઠી વિવાદમાં શિંદે'સેના'એ જ વધાર્યું ભાજપનું ટેન્શન! સરકારના મંત્રી જ પોલીસ પર વિફર્યા
Marathi vs Hindi Langauge Row: મરાઠી ભાષા પર ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેની એકતા મહારાષ્ટ્રની સરકાર માટે જોખમી બની છે. ઠાકરે બંધુ એકજૂટ થતાં શિવસેનાના નેતા અને ઉપ મુખ્યમંત્રી એકનાથ શિંદે પોતાનો જનાધાર ગુમાવી રહ્યા હોવાનું અનુભવી રહ્યા છે. રાજ્યમાં હવે મરાઠા પર રાજનીતિ કરતાં ત્રણ પક્ષ એક્ટિવ થયા છે. તમને જણાવી દઈએ કે, શિંદે પણ મરાઠા કાર્ડ પર ચૂંટણી લડે છે. હવે મનસે અને શિવસેના (યુબીટી) પણ મરાઠા કાર્ડ પર જોર-શોરથી રાજનીતિ રમી રહી છે. બીજી તરફ મરાઠી ભાષા પર રાજ-ઉદ્ધવ ઠાકરેના સમર્થકોની અટકાયતનો સરકારના જ મંત્રીએ વિરોધ કર્યો છે. જેથી મહાયુતિનું ટેન્શન વધ્યું છે.
પોલીસે મનસેના લોકોની અટકાયત કરી
શિવસેનાએ મરાઠી ભાષા મુદ્દે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના લોકોનો આકરો વિરોધ નોંધાવ્યો છે. મીરા ભાયંદર પોલીસે આજે સવારે મોટી સંખ્યામાં મનસેના લોકોની અટકાયત કરી હતી. મનસે અને ઉદ્ધવ ઠાકરેના સમર્થકો દ્વારા કાઢવામાં આવેલી વિરોધ રેલીને પણ પોલીસે અટકાવી હતી. જેમાં મનસેના કાર્યકરોની અટકાયત થતાં સમર્થકો રોષે ભરાયા હતા. તેમણે કહ્યું કે, સરકારે કારોબારીઓના દેખાવોમાં દખલગીરી કરી ન હતી. પરંતુ અમારી વિરૂદ્ધ કડક કાર્યવાહી કરી છે. અંતે મરાઠી લોકોથી સરકારને શું સમસ્યા છે.
આ પણ વાંચોઃ 2026ની બ્રિકસ શિખર પરિષદ ભારતમાં મળશે : વડાપ્રધાન મોદી લગભગ તમામને મળ્યાૉ
શિંદે જૂથ પણ ભાષા વિવાદમાં કૂદ્યું
મનસેના કાર્યકરોએ પોલીસ કાર્યવાહીનો વિરોધ કરતાં સરકાર પર આક્ષેપ કર્યા હતાં કે, આ સરકાર મહારાષ્ટ્ર અને મરાઠી લોકો માટે છે કે પછી બીજા રાજ્યની છે? અંતે તેમને મરાઠી લોકોની વિરોધ રેલીથી પ્રોબ્લમ શું છે. મરાઠી બનામ હિન્દી વિવાદમાં પોતાનું વર્ચસ્વ ગુમાવવાના ભયે એકનાથ શિંદે જૂથ પણ એક્ટિવ થયુ છે. સરકારમાં હોવા છતાં મનસે વિરૂદ્ધ હાથ ધરાયેલી કાર્યવાહીનો શિંદે જૂથે વિરોધ કર્યો છે.
સરકારના મંત્રી જ પોલીસ પર વિફર્યા
સરકારમાં મંત્રી પ્રતાપ સરનાઈકે પોલીસ પર ગુસ્સો કરતાં કહ્યું કે, મરાઠી લોકોને વિરોધ રેલીની મંજૂરી કેમ નથી. અંતે પોલીસ ઈચ્છે છે શું? મરાઠી લોકો પર આ પ્રકારનો અત્યાચાર કોઈ રાજકીય પાર્ટી (ભાજપ)ને લાભ આપી રહ્યો છે. હું મરાઠી લોકો પર આ કાર્યવાહીની નિંદા કરૂ છું. પોલીસે મંજૂરી આપવી હતી. ગૃહ મંત્રાલયે પણ એવા કોઈ આદેશ આપ્યા નથી કે, આંદોલન ન કરશો. તો પછી લોકોની ધરપકડ કેમ થઈ રહી છે.
મરાઠા કાર્ડ ગુમાવવાના ભયે શિંદે જૂથ એક્ટિવ
મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેની શિવસેના મરાઠા કાર્ડ પર રાજકારણ કરી રહી છે. જો કે, ભાષા વિવાદમાં ઉદ્ધવની સેના અને મનસે એકજૂટ થયા છે. તેઓ હવે મરાઠા કાર્ડ પર રાજનીતિ રમવા મેદાનમાં ઉતર્યા છે. જેના લીધે એકનાથ શિંદેને લાગી રહ્યું છે કે, તેનાથી તેમની વોટબેન્ક પર અસર થશે. આ કારણોસર જ શિંદે જૂથના નેતાઓએ મનસેના લોકો પર કાર્યવાહીનો વિરોધ નોંધાવ્યો છે. મહારાષ્ટ્રમાં ભાજપ બાહ્ય મતોની પાર્ટી ગણાય છે. જેથી તે હિન્દુત્વ પર ફોકસ કરે છે. ઉલ્લેખનીય છે, ભાજપ નેતા નિતેશ રાણેએ નોન મરાઠી લોકો પર જૂલમ અને અત્યાચાર કરી મરાઠી બોલવાની ફરજ પાડવાનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આ ગરીબ હિન્દુઓ પર હુમલો છે.