Tamil Nadu CM MK Stalin Hindi Language Controversy : તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને ભાષાના મુદ્દે ફરી એકવાર વિવાદ છેડ્યો છે. રાજ્યમાં હિન્દી ભાષાના વિરોધમાં આક્રમક વલણ અપનાવતા સ્ટાલિને સ્પષ્ટ કર્યું છે કે તમિલનાડુમાં હિન્દીનો ક્યારેય સ્વીકાર કરવામાં આવશે નહીં. ભાષા શહીદ દિવસ નિમિત્તે કાળા કપડાં પહેરીને વિરોધ નોંધાવતા તેમણે દક્ષિણ ભારતના રાજકારણમાં ફરી હિન્દી વિરુદ્ધની લડાઈને તેજ કરી દીધી છે, જેના કારણે હાલમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.
‘હિન્દી થોપવાના પ્રયાસો...’
મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરતા તમિલ ભાષા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે, ‘તમિલનાડુ એક એવું રાજ્ય છે જે પોતાની ભાષાને જીવનની જેમ પ્રેમ કરે છે. અમે સાથે મળીને હિન્દી થોપવાના પ્રયાસો સામે સંઘર્ષ કર્યો છે. જ્યારે પણ હિન્દી અમારા પર જબરદસ્તી થોપવામાં આવી છે, તો અમે તેટલી જ તીવ્રતાથી તેનો વિરોધ કર્યો છે. હિન્દી માટે અહીં કોઈ સ્થાન નથી, ન ત્યારે હતું, ન અત્યારે છે અને ન ક્યારેય રહેશે.’
સ્ટાલીને તમિલ ભાષા માટે પ્રાણ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ અર્પિ
સ્ટાલિને વધુમાં ઉમેર્યું હતું કે, ‘હું એ તમામ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું જેમણે તમિલ ભાષા માટે પોતાના પ્રાણની આહુતિ આપી છે. ભાષાની આ લડાઈમાં હવે કોઈએ જીવ ગુમાવવો પડશે નહીં, પરંતુ તમિલ પ્રત્યેનો અમારો પ્રેમ ક્યારેય ઓછો નહીં થાય. અમે હંમેશા હિન્દી થોપવાના પ્રયાસોની વિરુદ્ધ રહીશું.’
આ પણ વાંચો : ચૂંટણી પ્રક્રિયાને લઈ રાષ્ટ્રપતિ મુર્મૂની દેશવાસીઓને અપીલ, જાણો શું કહ્યું
તમિલનાડુમાં હિન્દીનો કેમ વિરોધ થઈ રહ્યો છે?
આ સાથે તેમણે ભાષા આંદોલનના શહીદ થલામુથુ અને નટરાસનને શ્રદ્ધાંજલિ આપી હતી અને ચેન્નાઈમાં તેમની પ્રતિમાઓનું અનાવરણ પણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 માં સૂચવવામાં આવેલા ત્રિ-ભાષા ફોર્મ્યુલા સામે તમિલનાડુમાં સત્તાધારી પક્ષ DMK સતત વિરોધ કરી રહ્યો છે. રાજ્યમાં વર્ષોથી તમિલ અને અંગ્રેજી એમ દ્વિ-ભાષા ફોર્મ્યુલા અમલી છે, ત્યારે હિન્દીને ત્રીજી ભાષા તરીકે દાખલ કરવાના કેન્દ્રના પ્રયાસોને સ્ટાલિને ફરી એકવાર પડકાર્યા છે.
આ પણ વાંચો : દિલ્હીમાં વાયુ પ્રદૂષણ મુદ્દે રાહુલ ગાંધી ચિંતિત, જાણો શું કહ્યું


