દેશના આ રાજ્યમાં હવે ભીખ માગવા પર પ્રતિબંધ, વિધાનસભામાં બિલ પાસ કરાયું
AI Images |
Mizoram Prohibition of Beggary Bill: મિઝોરમ વિધાનસભાએ બુધવારે (27મી ઓગસ્ટ) 'મિઝોરમ પ્રોહિબિશન ઓફ બેગરી બિલ 2025' પસાર કર્યું. આ કાયદાનો હેતુ માત્ર ભિખારીઓ પર પ્રતિબંધ મૂકવા અને તેમને મદદ અને રોજગાર આપીને સમાજમાં ઊભા રહેવાનો પણ છે.
આઈઝોલમાં 30થી વધુ ભિખારીઓ
અહેવાલો અનુસાર, બિલ હેઠળ સરકાર એક રાહત બોર્ડ બનાવશે અને એક રિસીવિંગ સેન્ટર ખોલશે. અહીં ભિખારીઓને અસ્થાયી રૂપે રાખવામાં આવશે અને 24 કલાકની અંદર તેને રાજ્ય અથવા ઘરે પાછા મોકલવામાં આવશે. સમાજ કલ્યાણ વિભાગના સર્વે મુજબ, હાલમાં આઈઝોલમાં 30થી વધુ ભિખારીઓ છે, જેમાંથી ઘણાં બહારથી આવ્યા છે.
આ પણ વાંચો: ખાનગી સંસ્થામાં હવે 10 કલાકની નોકરી? મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકારે શરૂ કરી કવાયત
સમાજ કલ્યાણ મંત્રી લાલરિનપુઈએ જણાવ્યું હતું કે, 'મિઝોરમમાં હાલમાં ખૂબ ઓછા ભિખારીઓ છે. તેનું કારણ અહીંનું મજબૂત સામાજિક માળખું, ચર્ચ અને NGOની મદદ અને સરકારની યોજનાઓ છે. પરંતુ ટૂંક સમયમાં સાઈરાંગ-સિહમુ રેલવે લાઈન શરૂ થવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13મી સપ્ટેમ્બરે તેનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ બહારથી આવતા ભિખારીઓનું જોખમ વધી શકે છે.'
વિપક્ષે બિલનો વિરોધ કર્યો
વિપક્ષે આ બિલનો વિરોધ કર્યો હતો. મિઝો નેશનલ ફ્રન્ટ (MNF) નેતા લાલચંદમા રાલ્ટેએ કહ્યું કે, 'આ કાયદો રાજ્યની છબીને કલંકિત કરશે અને ખ્રિસ્તી ધર્મની વિરુદ્ધ છે. ભિખારીઓને મદદ કરવા માટે સમાજ અને ચર્ચની સંડોવણીને મજબૂત બનાવવી જોઈએ.'
મુખ્યમંત્રી લાલદુહોમાએ કહ્યું કે, 'આ કાયદાનો વાસ્તવિક હેતુ ભિખારીઓને સજા કરવાનો નથી પરંતુ ચર્ચ, એનજીઓ અને સરકારની મદદથી તેમનું પુનર્વસન કરવાનો છે જેથી મિઝોરમને ભિખારી મુક્ત બનાવી શકાય.'