ખાનગી સંસ્થામાં હવે 10 કલાકની નોકરી? મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકારે શરૂ કરી કવાયત
10 hours Duty in Private Institutions: મહારાષ્ટ્રની દેવેન્દ્ર ફડણવીસ સરકાર ખાનગી ક્ષેત્રના કર્મચારીઓના કામના કલાકો 9 કલાકથી વધારીને 10 કલાક કરવા પર વિચાર કરી રહી છે. આ માટે મંગળવારે કેબિનેટની બેઠકમાં 'મહારાષ્ટ્ર દુકાન અને સંસ્થા અધિનિયમ, 2017'માં ફેરફાર કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવ લાગુ થતાં રાજ્યની દુકાનો, હોટલો અને મનોરંજન સ્થળોના કર્મચારીઓને દરરોજ 10 કલાક કામ કરવું પડી શકે છે.
કેબિનેટ બેઠકમાં શ્રમ વિભાગ દ્વારા પ્રસ્તાવ રજૂ
મીડિયા રિપોર્ટ મુજબ, મંગળવારે કેબિનેટ બેઠકમાં શ્રમ વિભાગે એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો જેમાં 2017ના કાયદામાં પાંચ મોટા ફેરફારો કરવાનું વિચારવામાં આવ્યું છે. આ ફેરફારોમાં કામના કલાકો વધારવાનો મુખ્ય પ્રસ્તાવ છે. જોકે, મંત્રીમંડળે આ પ્રસ્તાવ પર વધુ સ્પષ્ટતા માંગી હોવાથી હાલ પૂરતું આ અંગેનો નિર્ણય ટાળવામાં આવ્યો છે.
હવે 10 કલાક કામ, 6 કલાક પછી બ્રેક ફરજિયાત
શ્રમ અધિનિયમની કલમ 12માં સુધારાનો પ્રસ્તાવ છે કે, કોઈ પણ પુખ્ત કર્મચારીને દરરોજ 10 કલાકથી વધુ કામ કરવાની મંજૂરી નહીં મળે. સાથે જ, એક વખતમાં 6 કલાકથી વધુ કામ કરવા પર અડધા કલાકનો વિરામ આપવો ફરજિયાત રહેશે. હાલમાં, આ મર્યાદા 5 કલાકની છે.
આ પણ વાંચો: દેશભરમાં વરસાદની પેટર્નમાં ફેરફારઃ ઠંડા રણ લદાખમાં ચાર ગણો વરસાદ, મેઘાલયમાં 37%ની ખાધ
ઓવરટાઇમ વધારવાનો પણ પ્રસ્તાવ
શ્રમ વિભાગે ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે ઓવરટાઇમનો સમયગાળો ત્રણ મહિનામાં 125 કલાકથી વધારીને 144 કલાક કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ ઉપરાંત, એક દિવસમાં મહત્તમ કામ કરવાનો સમય 10.5 કલાકથી વધારીને 12 કલાક કરવાનો અને જરૂરી કામની પરિસ્થિતિમાં આ મર્યાદા પણ હટાવવાનો પ્રસ્તાવ છે.
કઈ કઈ ઓફિસનો આ કાયદામાં સમાવેશ થશે?
આ પ્રસ્તાવ એવી સંસ્થાઓ પર લાગુ પડશે જ્યાં 20 કે તેથી વધુ કર્મચારીઓ કામ કરે છે, જ્યારે હાલમાં આ કાયદો 10 કે તેથી વધુ કર્મચારીઓવાળી સંસ્થાઓને લાગુ પડે છે. આમાં મોટી દુકાનો, મોલ, રેસ્ટોરન્ટ્સ, સિનેમાઘરો, એમ્યુઝમેન્ટ પાર્ક કે અન્ય મનોરંજન કેન્દ્રો જેવી સંસ્થાઓનો આ કાયદામાં સમાવેશ થશે. જોકે, મંત્રીઓ આ પ્રસ્તાવ પર વધુ સ્પષ્ટતા ઈચ્છતા હોવાથી હાલમાં આ નિર્ણયને મુલતવી રાખવામાં આવ્યો છે.