પદ્મશ્રીથી સન્માનિત સંન્યાસી પર દુષ્કર્મનો આરોપ, નોકરીની લાલચ આપ્યાનો પીડિતાનો આરોપ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Murshidabad News : ભારત સેવાશ્રમ સંઘ સાથે જોડાયેલા પદ્મશ્રી સન્માનિત સાધુ સ્વામી પ્રદીપ્તાનંદ જેઓ કાર્તિક મહારાજના નામથી ઓળખાય છે. જેમના પર એક મહિલાએ ગંભીર આરોપ લગાવ્યા છે. મહિલાએ આરોપ લગાવ્યો છે કે, મહારાજે નોકરીની લાલચ આપીને પહેલા તેની સાથે છેતરપિંડી કરી અને પછી જબરદસ્તી શારીરિક સંબંધ બાંધ્યા હતા. સમગ્ર મામલે મુર્શિદાબાદ જિલ્લાના નબગ્રામ પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી છે, ત્યારે પોલીસે તપાસ શરૂ કરી છે.
સંન્યાસીએ દુષ્કર્મ આચર્યુ હોવાનો મહિલાનો આરોપ
પદ્મશ્રી સન્માનિત સંન્યાસી કાર્તિક મહારાજ પર એક મહિલાએ દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. આ મામલે મહિલાએ જણાવ્યું હતું કે, વર્ષ 2013માં મર્શિદાબાદ સ્થિત એક આશ્રમની પ્રાથમિક શાળામાં નોકરી આપવાનું બહાનું આપીને કાર્તિક મહારાજ લઈ ગયા હતા. જ્યાં મહિલાની શિક્ષક તરીકે નિયુક્તિ કરવામાં આવી અને આશ્રમ પરિસરમાં રહેવા માટે એક રૂમ પણ આપ્યો હતો.
માનસિક દબાણ અને ડર બતાવ્યાનો મહિલાનો દાવો
મહિલાએ આરોપ લગાવ્યો હતો કે, એક દિવસ કાર્તિક મહારાજ તેના રૂમમાં આવીને શારીરિક સંબંધ બાંધવાની વાત કરી હતી. જ્યારે મહિલાનો દાવો છે કે, તેને મહારાજની વાત પર વિરોધ કર્યો તો તેને માનસિક દબાણ અને ડર બતાવીને સંબંધ બનાવવા માટે મજબૂર કરી હતી.
પોલીસે શું કહ્યું?
સમગ્ર મામલે પોલીસે જણાવ્યું હતું કે, નબગ્રામ પોલીસ સ્ટેશને મહિલાની ફરિયાદ નોંધી છે. આરોપી કાર્તિક મહારાજ ભારત સેવાશ્રમ સંઘના બેલડાંગા મઠ સાથે સંકળાયેલા છે. ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસ શરૂ કરી છે અને પીડિતાનું નિવેદન નોંધવામાં આવ્યું છે. તબીબી તપાસ સહિત અન્ય કાનૂની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી છે.
સંન્યાસીએ મહિલાના આરોપ નકાર્યા
જ્યારે આ મામલે કાર્તિક મહારાજે પોતાના પર લાગેલા આરોપીને નકાર્યા છે. તેમનું કહેવું છે કે, 'હું એક સંન્યાસી છે અને સંન્યાસીના માર્ગમાં આ પ્રકારની મુશ્કેલી આવતી રહે છે. હું ન્યાયતંત્રનું સન્માન કરુ છું અને મારા વકીલ દ્વારા કોર્ટમાં કાનૂની પક્ષ રજૂ કરાશે.'
તમને જણાવી દઈએ કે, કાર્તિક મહારાજના રાજકીય જોડાણ પણ આ મામલાને વધુ જટિલ બનાવે છે. તેમને ભારતીય જનતા પાર્ટીના નજીકના માનવામાં આવે છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી તેમના પર પહેલા પણ ઘણી વખત ભાજપને મદદ કરવાનો આરોપ લગાવી ચૂક્યા છે. એમાં પણ ખાસ કરીને ચૂંટણીની સ્થિતિમાં. એટલે આ સમગ્ર ઘટનાને માત્ર કાનૂની જ નહીં પરંતુ રાજકીય દ્રષ્ટિકોણથી પણ જોવામાં આવી રહી છે. હાલમાં ભારત સેવાશ્રમ સંઘ દ્વારા આ મામલે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.








