India

બળજબરીથી સંબંધ બાંધ્યા, શરીર પર બચકાં ભર્યાના નિશાન, કોલકાતા સામૂહિક દુષ્કર્મ કેસના મેડિકલ રિપોર્ટમાં ખુલાસા

By GS TEAM
28 Jun 20253 mins read
TukuTouch Logo
દક્ષિણ કોલકાતા લૉ કોલેજમાં 24 વર્ષીય વિદ્યાર્થિની પર સામૂહિક દુષ્કર્મ કર્યાની ઘટના સામે આવી છે. પીડિતાએ આરોપ લગાવ્યો છે કે 25 જૂનના રોજ ભૂતપૂર્વ વિદ્યાર્થી મનોજિત મિશ્રા અને બે વરિષ્ઠ વિદ્યાર્થીઓ દ્વારા તેના સાથે સામૂહિક દુષ્કર્મ કર્યું છે. ગુરુવારે આ ત્રણેય આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને પીડિતાની તબીબી તપાસ કરવામાં આવી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

બળજબરીથી સંબંધ બાંધ્યા, શરીર પર બચકાં ભર્યાના નિશાન, કોલકાતા સામૂહિક દુષ્કર્મ કેસના મેડિકલ રિપોર્ટમાં ખુલાસા
(Representative Image from IANS)

Kolkata Rape Case: દક્ષિણ કોલકાતા લૉ કોલેજમાં 24 વર્ષીય વિદ્યાર્થિની પર સામૂહિક દુષ્કર્મ કર્યાની ઘટના સામે આવી છે. પીડિતાએ આરોપ લગાવ્યો છે કે 25 જૂનના રોજ ભૂતપૂર્વ વિદ્યાર્થી મનોજિત મિશ્રા અને બે વરિષ્ઠ વિદ્યાર્થીઓ દ્વારા તેના સાથે સામૂહિક દુષ્કર્મ કર્યું છે. ગુરુવારે આ ત્રણેય આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને પીડિતાની તબીબી તપાસ કરવામાં આવી હતી.

દુષ્કર્મ કેસના મેડિકલ રિપોર્ટમાં ખુલાસા

આ મામલે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, 'મેડિકલ રિપોર્ટમાં બળજબરીથી સંબંધ બાંધ્યાના, શરીર પર બચકાં ભરવાના નિશાન અને નખ માર્યા હોવાના પુરાવા મળ્યા છે. મુખ્ય આરોપી, જે કોલેજનો ભૂતપૂર્વ વિદ્યાર્થી અને પ્રેક્ટિસ કરતો ફોજદારી વકીલ છે, તેણે પીડિતા સાથે દુષ્કર્મ કર્યું, જ્યારે અન્ય બે રૂમની બહાર ચોકી કરી રહ્યા હતા.

સામૂહિક દુષ્કર્મનો મામલો

મુખ્ય સરકારી વકીલ સોરીન ઘોષાલે જણાવ્યું હતું કે, 'સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ, જો સામૂહિક દુષ્કર્મમાં એક વ્યક્તિ દુષ્કર્મ કરે છે, પરંતુ અન્ય લોકો તેને મદદ કરે છે અથવા તેની સાથે સમાન ઇરાદા ધરાવે છે, તો તેઓ સમાન રીતે દોષિત છે. તેથી, આ સામૂહિક દુષ્કર્મનો કેસ છે અને આ કેસમાં ત્રણેય આરોપી છે.

ટીએમસી સાથે સંકળાયેલા હોવાનો આરોપ

કોલેજ વહીવટીતંત્રે જણાવ્યું હતું કે, 'મુખ્ય આરોપીને તાજેતરમાં જ કોલેજમાં 45 દિવસના કરાર પર કામચલાઉ બિન-શિક્ષણ સ્ટાફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો.' મુખ્ય આરોપીના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી જાણવા મળ્યું હતું કે તે કોલેજના તૃણમૂલ કોંગ્રેસ છાત્ર પરિષદ યુનિટનો ભૂતપૂર્વ પ્રમુખ અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના વિદ્યાર્થી સંગઠનની દક્ષિણ કોલકાતા શાખાનો સંગઠન સચિવ છે. 

જોકે, તૃણમૂલ કોંગ્રેસે આરોપી સાથે કોઈ સંબંધ હોવાનો ઇનકાર કર્યો છે અને દોષિત ઠરવા પર આરોપીને કઠોર સજા આપવાની હિમાયત કરી છે. પોલીસે જણાવ્યું હતું કે કથિત ગુનો અને ઉત્પીડન 25 જૂનની સાંજે કોલેજના ગ્રાઉન્ડ ફ્લોર પર વિદ્યાર્થી સંઘ કાર્યાલય પાસેના ગાર્ડના રૂમમાં થયું હતું.

વિદ્યાર્થીની ફોર્મ ભરવા માટે કોલેજ પહોંચી હતી

પોલીસે જણાવ્યું હતું કે, 'પીડિતાને બુધવારે ક્લાસ પછી વિદ્યાર્થી સંઘ કાર્યાલયની બાજુમાં સ્થિત ગાર્ડના રૂમમાં ત્રણ કલાકથી વધુ સમય સુધી ત્રાસ આપવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે પીડિતા બપોરે ફોર્મ ભરવા માટે કોલેજ પહોંચી હતી. ગુરુવારે કસ્બા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, જ્યારે પીડિતાએ મુખ્ય આરોપીના લગ્ન પ્રસ્તાવને નકારી કાઢ્યો, ત્યારે ત્રણેયે તેના પર હુમલો કર્યો હતો.'

આ પણ વાંચો: ભારતની ઈન્ટેલિજન્સ એજન્સી 'રૉ' ના નવા પ્રમુખ બન્યાં પરાગ જૈન, ઓપરેશન સિંદૂરમાં ભજવી હતી ભૂમિકા

દુષ્કર્મનો વીડિયો બનાવાયો, તેને વાઈરલ કરવાની ધમકી

આ ઘટના સાંજે 7.30 થી રાત્રે 10.30 વાગ્યા સુધી ત્રણ કલાકથી વધુ સમય સુધી ચાલી હોવાનું કહેવાય છે. પીડિતાએ પોલીસને જણાવ્યું હતું કે હુમલા દરમિયાન તેનો એક વીડિયો પણ બનાવવામાં આવ્યો હતો અને આ ઘટના અંગે જો કોઈને વાત કરશે તો વીડિયો વાઈરલ કરવાની ધમકી આપવામાં આવી હતી. 

12 કલાકમાં ત્રણેય આરોપીઓની ધરપકડ

પોલીસને ફરિયાદ મળતાની સાથે જ 12 કલાકમાં ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પીડિતાનું નિવેદન નોંધવામાં આવ્યું છે અને તેની સારવાર ચાલી રહી છે. રાજ્ય સરકાર અને પોલીસ આ મામલાને ખૂબ જ ગંભીરતાથી લઈ રહી છે.