ભારતીય સેનાએ લડાકૂ વિમાન મિગ-21ને આપી વિદાય; 1965, 71 અને 99ના યુદ્ધમાં દુશ્મનોને ભોંય ભેગા કર્યા હતા
MiG 21 Fighter Jet Retire Ceremony in Chandigarh: ભારતીય વાયુસેનાનું સૌથી શક્તિશાળી લડાકુ વિમાન રહેલું મિગ-21 (MiG-21 farewell) આજે એટલે કે 26 સપ્ટેમ્બરના રોજ સેવામુક્ત થઈ ગયું છે. આ વિમાન ભારતના પ્રથમ સુપરસોનિક લડાકુ વિમાન તરીકે જાણીતું છે, જેણે 1965, 1971 અને 1999ના યુદ્ધોમાં પાકિસ્તાનીઓના દિલમાં ભય પેદા કર્યો હતો.
રસપ્રદ વાત એ છે કે, આ ફ્લાઇંગ મશીને પોતાની સેવાના અંતિમ તબક્કામાં પણ પાકિસ્તાનની શાન ગણાતા એફ-16 લડાકુ વિમાનનો શિકાર કર્યો હતો. ચંદીગઢમાં યોજાયેલા એક કાર્યક્રમમાં મિગ-21ને અંતિમ વિદાય આપવામાં આવી હતી.
નિવૃત્તિ સમારોહમાં રાજનાથ સિંહ હાજર
સેવામુક્ત થવાના સમારોહમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ ભારતીય વાયુસેનાના મિગ-21 લડાકુ વિમાનના કાફલાને વિદાય આપવા માટે હાજર રહ્યા હતા. તેમની સાથે સીડીએસ જનરલ અનિલ ચૌહાણ, સીઓએએસ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અને સીએનએસ એડમિરલ દિનેશ કે ત્રિપાઠી પણ હાજર હતા.
મિગ-21 લડાકુ વિમાનના કાફલાને સેવામુક્ત કરતાં પહેલા, વિંગ કમાન્ડર રાજીવ બત્તીશ(નિવૃત્ત) એ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની હાજરીમાં કહ્યું હતું કે, 'મિગ-21નો ઇતિહાસ ખૂબ લાંબો છે અને આટલી મોટી સંખ્યામાં લોકોનું એકઠા થવું એ સાબિત કરે છે કે આપણે સૌ આ વિમાન સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા છીએ.'
વિંગ કમાન્ડરે કહ્યું કે, 'જ્યાં સુધી ભારતનો સવાલ છે, લડાકુ વિમાનોમાં સૌથી વધુ ઉડાન ભરવામાં આવી હોય તેવા વિમાનોમાં મિગ-21 અગ્રણી છે. તે ખૂબ જ શક્તિશાળી વિમાન હતું, જે મોટાભાગે પૂર્વી બ્લોકના દેશો દ્વારા ઉડાડવામાં આવ્યું હતું. મિગ-21 એક શાનદાર મશીન હતું અને તેનો પુરાવો એ છે કે દેશભરમાંથી અને વિદેશોમાંથી પણ આટલા બધા લોકો વિમાનને અલવિદા કહેવા અહીં આવ્યા છે.'
આજે 63 વર્ષની સેવા પૂરી થયા બાદ આ લડાકુ વિમાનોને સેવામુક્ત કરવામાં આવ્યા. મિગ-21 વિમાનોને 1963માં ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યા હતા અને સેવામુક્ત થતાં પહેલાં તેમણે છેલ્લી વાર ઉડાન ભરી હતી.
MIG 21ની મુખ્ય વિશેષતાઓ
- મહત્તમ ગતિ: લગભગ 2,200 કિલોમીટર પ્રતિ કલાક (Mach 2.05).
- ઉડાનની ઊંચાઈ: 17,500 મીટરની ઊંચાઈ સુધી ઉડાન ભરી શકતું હતું.
- હથિયારો: હવા-થી-હવા અને હવા-થી-જમીન પર પ્રહાર કરતી મિસાઇલોથી સજ્જ.
- ડિઝાઇન: વિમાનની ડિઝાઇન નાની છતાં શક્તિશાળી હતી, જે ઝડપી હુમલાઓ અને હવાઈ યુદ્ધ માટે આદર્શ માનવામાં આવતી હતી.
આ યુદ્ધોમાં મિગ-21 એ પોતાની તાકાત બતાવી
- સાલ 1965નું ભારત-પાકિસ્તાન યુદ્ધ: મિગ-21 એ પ્રથમ વખત જંગમાં ભાગ લીધો. પાકિસ્તાનની વાયુસેનાના અદ્યતન અમેરિકી લડાકુ વિમાનોને સખત ટક્કર આપી.
આ પણ વાંચો: 'કર્મોના ફળ ભોગવી રહ્યા છે...', લદાખ હિંસામાં 4ના મોત પર કાશ્મીરી નેતાનું વિવાદિત નિવેદન
- સાલ 1971નું યુદ્ધ: પૂર્વી પાકિસ્તાન(હાલનું બાંગ્લાદેશ)ની આઝાદીમાં મિગ-21 એ મહત્ત્વની ભૂમિકા ભજવી. તેણે પાકિસ્તાની ઠેકાણાઓ પર સચોટ હુમલા કર્યા.
- સાલ 1999નું કારગિલ યુદ્ધ: રાત્રે ઉડાન ભરીને દુશ્મનના સાધારણ જીપીએસના સહારે હુમલા કર્યા.
- બાલાકોટ સ્ટ્રાઇક (2019): મિગ-21 બાયસન એ પાકિસ્તાનના એફ-16 લડાકુ વિમાનને તોડી પાડ્યું હતું. ગ્રૂપ કૅપ્ટન અભિનંદન વર્ધમાનએ આ પરાક્રમ કર્યું હતું.
- 2025નું ઓપરેશન સિંદૂર: પહલગામ આતંકી હુમલાના જવાબમાં ચલાવવામાં આવેલું ઓપરેશન સિંદૂર મિગ-21નું છેલ્લું મોટું અભિયાન હતું.