VIDEO : હરિયાણામાં ધોળા દિવસે યુવતી પર ગોળીબાર, હુમલાખોર ઓળખીતો જ નીકળ્યો

Firing on girl in Haryana: હરિયાણામાં ધોળા દિવસે યુવતી પર ગોળીબારની ઘટના સામે આવી છે. ફરીદાબાદમાં પોલીસ 17 વર્ષીય યુવતી પર ધોળા દિવસે ફાયરિંગ કરનાર આરોપી યુવકની તલાશ કરી રહી છે. પોલીસે મંગળવારે આ જાણકારી આપી છે. સોમવારે શ્યામ કોલોનીમાં એક યુવકે યુવતી પર ગોળીબાર કર્યો હતો અને મોટરસાઈકલ પર ફરાર થઈ ગયો હતો. છોકરીને ખભા અને પેટમાં ઈજાઓ પહોંચી છે.
હરિયાણામાં ધોળા દિવસે યુવતી પર ગોળીબાર
સીસીટીવી ફૂટેજમાં યુવક એક ગલીમાં છોકરીની રાહ જોઈ રહ્યો હતો અને પછી તેના પર નજીકથી ફાયરિંગ કરતો દેખાય રહ્યો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે એક ગોળી યુવતીના ખભામાં વાગી હતી અને બીજી ગોળી તેના પેટમાં વાગી હતી.
Faridabad, Haryana: લાઇબ્રેરીમાંથી પરત ફરી રહેલી કિશોરી પર ફાયરિંગ કરી યુવક ફરાર#Faridabad #Haryana #GujaratiNews #HaryanaNews #GujaratSamachar pic.twitter.com/Jr8FuAaZcX
— Gujarat Samachar (@gujratsamachar) November 4, 2025
ફરીદાબાદ પોલીસના પ્રવક્તાએ જણાવ્યું કે હુમલાખોર યુવતીને કથિત રીતે ઓળખતો હતો અને તેને શોધવા માટે ચાર ટીમો બનાવવામાં આવી છે. પીડિતાની ઓળખ કનિષ્ક તરીકે થઈ છે. તેની હાલત સ્થિર છે અને હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે.
આ મામલે એક અધિકારીએ જણાવ્યું કે, કનિષ્કા પોતાની એક મિત્ર સાથે લાઈબ્રેરીમાંથી પરત ફરી રહી હતી, ત્યારે જ તેના પર હુમલો કરવામાં આવ્યો. ગુનામાં ઉપયોગ કરવામાં આવેલી બંદૂકને ઘટના સ્થળેથી રિકવર કરી લેવામાં આવી છે.
હુમલાખોર ઓળખીતો જ નીકળ્યો
પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે, 'પ્રાથમિક તપાસમાં એ સામે આવ્યું છે કે, આરોપી પીડિતાને ઓળખે છે. છોકરીએ આરોપીને ઓળખી કાઢ્યો છે, જે તેના જ કોચિંગ સેન્ટરમાં ભણતો હતો. અમે FIR દાખલ કરી છે. પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ આરોપીની તલાશ કરી રહી છે.'
પોલીસ અધિકારીએ જણાવ્યું કે, 'અમને ગઈકાલે સાંજે 5:30 વાગ્યાની આસપાસ ઘટનાની જાણકારી મળી હતી. અમે ઘટનાસ્થળે પહોંચ્યા અને છોકરીને હોસ્પિટલ લઈ ગયા. તેની હાલત હવે સ્થિર છે. તેનું નિવેદન રેકોર્ડ કરી લેવામાં આવ્યું છે અને FIR દાખલ કરવામાં આવી છે. તે લાઈબ્રેરીમાંથી ઘરે પરત ફરી રહી હતી ત્યારે તેના પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં એક છોકરો સામેલ છે જેને તે જાણતી હતી.'

