India

મિડલ ઈસ્ટ યુદ્ધની અસર ભારતમાં: મુંબઈમાં 20 ટકા હોટલો બંધ, ચેન્નઈમાં પણ ચિંતા વધી

By GS TEAM
10 Mar 20263 mins read
TukuTouch Logo
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે ભારતના રસોડા અને હોટલ ઉદ્યોગ પર જોવા મળી રહી છે. ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના સંઘર્ષને કારણે સ્ટ્રેટ ઑફ હોર્મુઝનો માર્ગ પ્રભાવિત થતાં ભારતની ગેસ સપ્લાય ખોરવાઈ ગઈ છે. આ કટોકટીને કારણે મુંબઈ, બેંગલુરુ અને ચેન્નઈ જેવા મોટા શહેરોમાં કોમર્શિયલ LPG સિલિન્ડરની ભારે અછત સર્જાઈ છે. મુંબઈના હોટલ ઍસોસિએશન 'આહાર'(AHAR) મુજબ, ગેસના અભાવે મુંબઈની 20% હોટલો અત્યાર સુધીમાં બંધ થઈ ગઈ છે અને જો સ્થિતિ નહીં સુધરે તો આગામી 2 દિવસમાં 50% હોટલોને તાળા લાગી શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મિડલ ઈસ્ટ યુદ્ધની અસર ભારતમાં: મુંબઈમાં 20 ટકા હોટલો બંધ, ચેન્નઈમાં પણ ચિંતા વધી
(IMAGE - IANS)

Commercial LPG Supply Crisis: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે ભારતના રસોડા અને હોટલ ઉદ્યોગ પર જોવા મળી રહી છે. ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના સંઘર્ષને કારણે સ્ટ્રેટ ઑફ હોર્મુઝનો માર્ગ પ્રભાવિત થતાં ભારતની ગેસ સપ્લાય ખોરવાઈ ગઈ છે. આ કટોકટીને કારણે મુંબઈ, બેંગલુરુ અને ચેન્નઈ જેવા મોટા શહેરોમાં કોમર્શિયલ LPG સિલિન્ડરની ભારે અછત સર્જાઈ છે. મુંબઈના હોટલ ઍસોસિએશન 'આહાર'(AHAR) મુજબ, ગેસના અભાવે મુંબઈની 20% હોટલો અત્યાર સુધીમાં બંધ થઈ ગઈ છે અને જો સ્થિતિ નહીં સુધરે તો આગામી 2 દિવસમાં 50% હોટલોને તાળા લાગી શકે છે.

બેંગલુરુ અને ચેન્નઈમાં પણ સ્થિતિ ગંભીર

બેંગલુરુ હોટલ એસોસિએશનના જણાવ્યા અનુસાર, કોમર્શિયલ ગેસનો પુરવઠો અચાનક અટકી જવાથી 10 માર્ચથી અનેક હોટલો અને રેસ્ટોરાં બંધ કરવાની ફરજ પડી શકે તેમ છે. આ ઉદ્યોગ હૉસ્પિટલો, આઇટી પાર્ક અને વિદ્યાર્થીઓ માટે ભોજનનો મુખ્ય સ્ત્રોત હોવાથી સામાન્ય જનતાને ભારે હાલાકી ભોગવવી પડી શકે છે. આ ગંભીર સમસ્યાને લઈને હોટલ ઍસોસિએશનોએ પીએમ મોદી અને કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રીને પત્ર લખીને તાત્કાલિક મદદની જુહાર લગાવી છે.

ઘરેલું ગેસને પ્રાધાન્ય, કોમર્શિયલ સેક્ટરમાં અછત

ભારત પોતાની જરૂરિયાતના 62% જેટલો LPG આયાત કરે છે, જેનો મોટો હિસ્સો સાઉદી અરેબિયા જેવા દેશોમાંથી સ્ટ્રેટ ઑફ હોર્મુઝ મારફતે આવે છે. યુદ્ધને કારણે આ પુરવઠો ખોરવાતા કેન્દ્ર સરકારે હાલમાં ઘરેલું(ડોમેસ્ટિક) વપરાશ માટેના ગેસને પ્રાધાન્ય આપ્યું છે, જેને કારણે કોમર્શિયલ સેક્ટરમાં અછત ઊભી થઈ છે. સ્થિતિને પહોંચી વળવા માટે પેટ્રોલિયમ મંત્રાલયે એક વિશેષ સમિતિની રચના કરી છે અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓને સપ્લાય બાબતે સમીક્ષા કરવા આદેશ આપ્યો છે. આ ઉપરાંત, રિફાઇનરીઓને પણ LPGનું ઉત્પાદન વધારવા માટે સૂચના આપવામાં આવી છે.

દેશના અન્ય રાજ્યોમાં પણ ગંભીર સ્થિતિ

મહારાષ્ટ્ર અને કર્ણાટક બાદ હવે પંજાબ, હિમાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં પણ ગેસની અછતની અસરો દેખાવા લાગી છે. પંજાબમાં 8 માર્ચથી જ કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો પુરવઠો અટકાવી દેવામાં આવ્યો છે. હિમાચલ પ્રદેશના બદ્દી-બરોટીવાલા-નાલાગઢ જેવા મોટા ઔદ્યોગિક વિસ્તારોમાં ફાર્મા, ફૂડ પ્રોસેસિંગ અને પેકેજિંગ ઉદ્યોગો મુશ્કેલીમાં મૂકાયા છે.

આ પણ વાંચો: LPGની અછતની અફવા : કાળાબજારમાં ગેસ સિલિન્ડરનો ભાવ 1500 રૂપિયા

ઉત્તર પ્રદેશના કાનપુર અને ગાઝિયાબાદમાં પણ ગેસ એજન્સીઓને સિલિન્ડર રિફિલ ન કરવાના આદેશ અપાયા છે. આ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવીને કેટલાક લોકો ગેસની કાળાબજારી કરી રહ્યા છે, જેમાં સિલિન્ડર 1400થી 1500 રૂપિયાના ઊંચા ભાવે વેચાઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે.

નિયમો કડક: હવે 25 દિવસ પછી જ થશે બુકિંગ

પુરવઠાની અછતને જોતાં તેલ કંપનીઓએ રિફિલના નિયમો કડક કર્યા છે. હવે ગ્રાહકો અગાઉની ડિલિવરીના 25 દિવસ પછી જ નવો ઘરેલું સિલિન્ડર બુક કરી શકશે. ગેસની ચોરી અને સંગ્રહખોરી રોકવા માટે ડિલિવરી એજન્ટો દ્વારા હવે OTP અથવા બાયોમેટ્રિક વેરિફિકેશનનો અમલ શરૂ કરાયો છે. મિડલ ઈસ્ટમાં યુદ્ધ અને ઈરાન પર અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કડક વલણને કારણે ખોરવાયેલી આ સપ્લાય ચેઇન હવે ભારતના સામાન્ય જનજીવન અને અર્થતંત્ર માટે મોટો પડકાર બની રહી છે.