India

ઉદયપુરના સિટી પેલેસ સહિતની સંપત્તિઓ મામલે રાજ પરિવારના ભાઈ-બહેનમાં વિવાદ, સુપ્રીમ કોર્ટ પહોંચ્યો કેસ

By GS TEAM
18 Dec 20253 mins read
TukuTouch Logo
મેવાડના શાહી પરિવારની અંદર સંપત્તિની વહેચણીનો ડખો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. આ મામલો મહારાજા અરવિંદ સિંહ મેવાડના વસિયતનામાને પડકાર ફેંકે છે. સુપ્રીમ કોર્ટે તમામ કેસોને દિલ્હી હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાનો આદેશ કર્યો છે. સાથે એ પણ કહ્યું છે કે બંને પક્ષો વચ્ચે અન્ય ઘણા કેસ હજુ ચાલી રહ્યા છે તો તે પણ દિલ્હી હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવા માટે અરજી થઈ શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઉદયપુરના સિટી પેલેસ સહિતની સંપત્તિઓ મામલે રાજ પરિવારના ભાઈ-બહેનમાં વિવાદ, સુપ્રીમ કોર્ટ પહોંચ્યો કેસ

Mewar Royal Family Property Dispute: મેવાડના શાહી પરિવારની અંદર સંપત્તિની વહેચણીનો ડખો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. આ મામલો મહારાજા અરવિંદ સિંહ મેવાડના વસિયતનામાને પડકાર ફેંકે છે. સુપ્રીમ કોર્ટે તમામ કેસોને દિલ્હી હાઇકોર્ટમાં ટ્રાન્સફર કરવાનો આદેશ કર્યો છે. સાથે એ પણ કહ્યું છે કે બંને પક્ષો વચ્ચે અન્ય ઘણા કેસ હજુ ચાલી રહ્યા છે તો તે પણ દિલ્હી હાઇકોર્ટમાં ટ્રાન્સફર કરવા માટે અરજી થઈ શકે છે. 

વધુ સુનાવણી જાન્યુઆરી 2026માં થશે

સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઇકોર્ટ અને રાજસ્થાન હાઇકોર્ટને નિર્દેશ આપ્યો છે કે તે તમામ સંબંધિત કેસ અને દસ્તાવેજ દિલ્હી હાઇકોર્ટને મોકલે, દિલ્હી હાઇકોર્ટમાં આ તમામ મામલાઓની સુનાવણી જાન્યુઆરી 2026માં થશે. વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ કોર્ટના ધ્યાને એ પણ મૂક્યું હતું કે એક અરજી વહીવટદારની નિમણૂકને લઈને પણ છે. કેમ કે આ વિવાદમાં મોટી માત્રામાં ઘરેણાં અને અન્ય કિંમતી જંગમ સંપત્તિઓ પણ છે. 

શું છે મેવાડની શાહી પરિવારનો સંપત્તિ વિવાદ?

1930થી 1955 સુધી મેવાડ રજવાડા પર મહારાણા ભૂપાલસિંહે રાજ કર્યું, તેમણે કોઈ સંતાન ન હતું જેથી તેમણે ભગવતસિંહ મેવાડને દત્તક લીધા હતા. તેમણે જીવનના અંતિમ સમયમાં એપ્રિલ 1955માં એકલિંગજી ટ્રસ્ટની સ્થાપના કરી હતી. 

મોટા પુત્ર મહેન્દ્રસિંહએ વાંધો ઉઠાવ્યો હતો અને વિવાદ છંછેડાયો

ભગવતસિંહ મેવાડને ત્રણ સંતાનો હતો, જેમાં બે પુત્ર મહેન્દ્રસિંહ અને અરવિંદસિંહ તેમજ એક પુત્રી યોગેશ્વરી કુમારી હતી. મેવાડ પરિવારમાં સંપત્તિ વિવાદની શરુઆત ત્યારે થઈ જ્યારે ભગવતસિંહ મેવાડે પારિવારિક સંપત્તિઓને વેચવા અને ભાડે (લીઝ) પર આપવાનો નિર્ણય લીધો. તેમનું આ વલણ મોટા પુત્ર મહેન્દ્રસિંહને ન ગમ્યું અને પિતાના નિર્ણયને કોર્ટમાં પડકારી દીધો. પુત્રની હરકતથી ભગવતસિંહ મેવાડ ખૂબ જ નારાજ થઈ ગયા હતા. ગુસ્સામાં તેમણે વસિયતનામું અને સંપત્તિથી જોડાયેલી દરેક જવાબદારી નાના પુત્ર અરવિંદસિંહ મેવાડને સોંપી દીધી. જે બાદ મહેન્દ્રસિંહને મેવાડા ટ્રસ્ટમાંથી લગભગ બરતરફ કરી દેવાયા. 3 નવેમ્બર 1984ના રોજ ભગવંતસિંહ મેવાડનું નિધન થયું જે બાદ સંપત્તિનો વિવાદ વધુ વકર્યો. 


કોર્ટે વિવાદિત સંપત્તિને ચાર ભાગ વહેંચી હતી

અંદાજિત 37 વર્ષો સુધી કાયદાકીય યુદ્ધ ચાલ્યું જે બાદ 2020માં ઉદયપુર જિલ્લા કોર્ટએ ચુકાદો આપ્યો. કોર્ટે વિવાદિત સંપત્તિને ચાર ભાગમાં વહેચવાનો આદેશ કર્યો જેમાં એક હિસ્સો ભગવતસિંહ મેવાડના નામે તો બાકીના ત્રણ હિસ્સા ત્રણેય સંતાનો વચ્ચે વહેંચી દીધા. કોર્ટના આ નિર્ણયથી અરવિંદસિંહ મેવાડના કબજામાં વધારે સંપત્તિ આવી, જ્યારે મહેન્દ્રસિંહ અને તેમની બહેન યોગેશ્વરી કુમારીના ભાગે ઓછી મિલકત આવી. જિલ્લા કોર્ટે શંભુ નિવાસ પેલેસ, બડી પાલ અને ઘાસ ઘર જેવી મિલકત સાથે જોડાયેલી આર્થિક ગતિવિધિ પર તાત્કાલિક પ્રભાવથી પ્રતિબંધ મૂકી દીધો. 

આ પણ વાંચો: મનરેગાનું નામ 'જી રામ જી' કરવામાં પ્રજાના 1000 કરોડનો ધુમાડો થશે? સમજો કેવી રીતે

હાલ ભાઈ-બહેન વચ્ચે મિલકતને લઈ ડખો

આ વર્ષ જ 16 માર્ચ 2025ના રોજ અરવિંદસિંહ મેવાડનું નિધન થઈ ગયું. તેમના પણ ત્રણ સંતાન છે. એક પુત્ર લક્ષ્યરાજસિંહ મેવાડ અને બે દીકરીઓ ભાર્ગવી કુમારી મેવાડ અને પદ્મજા કુમારી મેવાડ, લક્ષ્યરાજસિંહ મેવાડ હાલ પરિવારના ઉત્તરાધિકારી છે અને HRH ગ્રૂપ ઑફ હોટલ્સના માલિક પણ છે. બહેન પદ્મજા સાથે તેમનો સંપત્તિ વિવાદ કોર્ટમાં ચાલી રહ્યો છે.