કોલકાતામાં ધમાલથી મેસીના કાર્યક્રમનો ફિયાસ્કો

- સ્ટેડિયમમાં આર્જેન્ટિનાના ફૂટબોલર મેસીની એક ઝલક પણ જોવા ના મળતા ચાહકો વિફર્યા
- નેતાઓ, વીવીઆઈપી, સુરક્ષા જવાનોએ મેસીને ઘેરી રાખતા અરાજક્તા ફેલાઈ, ચાહકોએ સ્ટેડિયમમાં ભારે તોડફોડ મચાવી, આયોજકની ધરપકડ
- અવ્યવસ્થા બદલ પ.બંગાળના સીએમ મમતાએ મેસી-ચાહકોની માફી માગવી પડી
- કાર્યક્રમના આયોજકો દર્શકોને ટિકિટનું રિફંડ આપશે
કોલકાતા/હૈદરાબાદ : દુનિયાના મહાનતમ ફૂટબોલરોમાં સામેલ લિયોનેલ મેસીએ ભારતના ત્રણ દિવસના પ્રવાસની શરૂઆત કોલકાતામાં એક ઈવેન્ટમાં હાજરી આપીને કરી હતી, પરંતુ સોલ્ટ લેક સ્ટેડિયમમાં મેસીની એક ઝલક પણ જોવા ના મળતા ચાહકોએ ભારે તોડફોડ કરી હતી. સ્ટેડિયમમાં ભારે અવ્યવસ્થાના કારણે આયોજકોએ મેસીને નિશ્ચિત સમય કરતા ઓછા સમયમાં સ્ટેડિયમમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવાની ફરજ પડી હતી. સ્ટેડિયમમાં અરાજક્તા બદલ કોલકાતા પોલીસે ઈવેન્ટના આયોજક શતદ્રુ દત્તાની ધરપકડ કરી હતી. કોલકાતામાં અરાજક્તા છતાં મેસીનો 'જીઓએટી ટૂર ટુ ઈન્ડિયા ૨૦૨૫'નો બાકીનો કાર્યક્રમ નિયત કાર્યક્રમ મુજબ આગળ વધ્યો હતો.
આર્જેન્ટિનાની વર્લ્ડ કપ વિજેતા ટીમના કેપ્ટન લિયેનોલ મેસીએ ૧૪ વર્ષ પછી ભારતના ત્રણ દિવસના પ્રવાસની શરૂઆત કોલકાતાથી કરી હતી. મેસીના આગમન માટે કોલકાતામાં તેના ચાહકોમાં જબરજસ્ત ઉત્સાહ હતો. તેની આ મુલાકાત ભારતીય ચાહકો માટે યાદગાર બની રહેશે તેમ મનાતું હતું, પરંતુ તેનાથી એકદમ વિપરિત થયું.
લિયેનોલ મેસી, તેના લાંબા સમયના સ્ટ્રાઈક પાર્ટનર લુઇસ સુઆરેઝ અને આર્જેન્ટિના ટીમના સાથી ખેલાડી રોડ્રિગો ડેલ પૌલ સવારે સોલ્ટ લેક સ્ટેડિયમ પહોંચ્યા હતા.
મેસીએ કોલકાતામાં ૭૦ ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું
આ પહેલાં ફિફા વર્લ્ડ કપ વિજેતા મેસીએ બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન અને પશ્ચિમ બંગાળના મંત્રી સુજિત બોઝ સાથે વિવેકાનંદ યુવા ભારતી ક્રિડાંગણ ખાતે તેની ૭૦ ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.
આ સમારંભ બાદ મેસી કોલકાતાના પ્રખ્યાત સોલ્ટ લેક સ્ટેડિયમ પહોંચ્યો હતો, જ્યાં ૫૦,૦૦૦થી વધુ ચાહકો તેની રાહ જોઈ રહ્યા હતા.
ચાહકોએ રૂ. ૫,૦૦૦થી રૂ. ૪૫,૦૦૦ સુધીમાં ટિકિટો ખરીદી
મેસી સોલ્ટ લેક સ્ટેડિયમમાં ૧૧.૩૦ પછી આવવાનો હતો જ્યારે તેના ચાહકો ૮.૦૦ વાગ્યાથી જ સ્ટેડિયમ પહોંચવાના શરૂ થઈ ગયા હતા. સ્ટેડિયમમાં હજારો ચાહકો રૂ. ૪,૦૦૦થી રૂ. ૧૨,૦૦૦ની ટિકિટ ખરીદીને આવ્યા હતા. અનેક ચાહકોએ તો કાળા બજારમાં રૂ. ૪૫,૦૦૦માં ટિકિટો ખરીદી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
ચાહકો સ્ટેડિયમમાં સ્ક્રીન પર પણ મેસીનો ચહેરો જોઈ શક્યા નહીં
લિયોનેલ મેસીએ સોલ્ટ લેક સ્ટેડિયમ પહોંચતા ચાહકોએ તાળીઓ સાથે તેનું સ્વાગત કર્યું હતું. પરંતુ થોડીક જ મિનિટોમાં મેસી અને તેના સાથી ખેલાડીઓ નેતાઓ, વીવીઆઈપી લોકોથી ઘેરાઈ ગયા હતા. તેઓ તેમની સાથે સેલ્ફી લેવા લાગ્યા હતા. વધુમાં ભારે સુરક્ષા વ્યવસ્થાના પગલે સ્ટેડિયમમાં પેવેલિયનમાં બેઠેલા ચાહકો મેસીની એક ઝલક પણ જોઈ શક્યા નહીં. આ ઘેરાબંદીના કારણે મેસી મેદાનનું ચક્કર પણ લગાવી શક્યો નહીં. નેતાઓ અને વીવીઆઈપીઓના ઘેરાના કારણે સ્ટેડિયમમાં સ્ક્રીન પર પણ મેસીનો ચહેરો જોઈ શકાતો નહોતો. આથી ચાહકોમાં નારાજગી વધી ગઈ હતી.
મેસીને ઘેરી લેનારા સ્પોર્ટ્સ મંત્રી અરૂપ બિસ્વાસની ધરપકડની માગ
સ્ટેડીયમમાં ભારે અવ્યવસ્થા અને અરાજક સ્થિતિના કારણે મેસીને નિશ્ચિત સમય કરતાં વહેલા સુરક્ષિત બહાર કાઢવાની ફરજ પડી હતી અને વધારાનું આયોજન રદ કરવું પડયું હતું. આ બાબતની જાણ થતાં પરિસ્થિતિ વધુ બગડી ગઈ. ચાહકોએ સ્ટેડિયમમાં તોડફોડ શરૂ કરી દીધી.
સ્ટેડિયમમાં ખુરશીઓ તોડાઈ, ફેન્સિંગ ગેટ તોડીને લોકો મેદાનમાં ઘૂસી ગયા, સજાવટ અને સંપત્તિને નુકસાન પહોંચાડયું, બેનરો તોડી નાંખ્યા. પોલીસે લાઠીચાર્જ કર્યો પરંતુ સ્થિતિ કાબુમાં આવી નહોતી. ફૂટબોલ ચાહકોએ સ્પોર્ટ્સ મંત્રી અરૂપ બિસ્વાસ અને ઈવેન્ટના મુખ્ય આયોજક શતદ્રુ દત્તાની ધરપકડની માગ કરી હતી.
અરાજક્તાની તપાસ માટે ઉચ્ચ સ્તરી સમિતિ બનાવાઈ
સ્ટેડિયમમાં અરાજક્તા અને મેસી રવાના થઈ ગયો હોવાની જાણ થતાં મુખ્યમંત્રી મમતા બેનરજી પણ અડધે રસ્તેથી પાછા ફરી ગયા હતા. તેમણે પાછળથી આ અરાજક્તા બદલ સોશિયલ મીડિયા પર મેસી અને સ્ટેડિયમમાં એકત્ર થયેલા ફૂટબોલ ચાહકોની માફી માગી હતી. તેમણે આ અરાજક્તાની તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચનાની જાહેરાત કરી હતી.
ચાહકોને ટિકિટના નાણાં રિફન્ડ કરવા આયોજકોની ખાતરી
દરમિયાન સ્ટેડિયમની ઘટના પર સુઓ-મોટો નોંધ લેતા પોલીસે કથિત મિસ મેનેજમેન્ટ માટે મુખ્ય આયોજિક સતદ્રુ દત્તા અને તેમના મેનેજરની ધરપકડ કરી હતી. ડીજીપી રાજીવ કુમારે કહ્યું કે, આયોજકોએ બાંહેધરી આપી છે કે બધા જ ચાહકોને નાણાં પાછા આપવામાં આવશે.
ફૂટબોલર મેસીની જીઓએટી ઈન્ડિયા ટૂર 2025
મેસી હૈદરાબાદમાં સીએમ સાથે મેચ રમ્યો, રાહુલ ગાંધીને જર્સી ભેટ આપી
આર્જેન્ટિનાનો સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસી તેના કાફલા સાથે કોલકાતાના સોલ્સ લેક સ્ટેડિયમના કાર્યક્રમના ફિયાસ્કા પછી હૈદરાબાદ પહોંચ્યો હતો. કોલકાતાથી વિપરિત હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં મેસીનો કાર્યક્રમ સુપરહીટ રહ્યો હતો. મેસી લગભગ એક કલાક સુધી સ્ટેડિયમમાં રહ્યો હતો. તે તેલંગણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી સાથે ફ્રેન્ડી ફૂટબોલ મેચ રમ્યો હતો અને આ મેચમાં ભાગ લેનારા ખેલાડીઓને ટ્રોફી પણ આપી હતી. મેચના અંતે મેસીએ હૈદરાબાદના ક્રાઉડનો આભાર માન્યો હતો. તેણે ક્રાઉડ તરફ કેટલાક બોલ પણ કીક કર્યા હતા. મેસીએ મેચના અંતે રાહુલ ગાંધીને આર્જેન્ટિનાની ફૂટબોલ જર્સી ભેટમાં આપી હતી.

