Get The App

દેશની રક્ષા માટે સામૂહિક વિનાશ કરતા હથિયારો વધારવા જરૂરી : રશિયાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખનું વિસ્ફોટક નિવેદન

Updated: Jan 26th, 2026

GS TEAM

Google News
Google News
દેશની રક્ષા માટે સામૂહિક વિનાશ કરતા હથિયારો વધારવા જરૂરી : રશિયાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખનું વિસ્ફોટક નિવેદન 1 - image


Dmitry Medvedev's Nuclear Weapons Warning : રશિયાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ અને રશિયન સિક્યોરિટી કાઉન્સિલના ડેપ્યુટી ચેરમેન દિમિત્રી મેદવેદેવે વિશ્વ રાજકારણમાં એક નિવેદન આપીને ખળભળાટ મચાવી દીધો છે. રશિયાના પ્રતિષ્ઠિત અખબાર 'કોમર્સન્ટ'ને આપેલા ઈન્ટરવ્યુમાં મેદવેદેવે દાવો કર્યો છે કે, ‘સામૂહિક વિનાશના હથિયારો જ રાષ્ટ્રીય સુરક્ષાની એકમાત્ર પક્કી ગેરંટી છે.’ તેમણે ચેતવણી આપી છે કે વિશ્વમાં વધી રહેલી અસ્થિરતાને જોતા આગામી સમયમાં વધુને વધુ દેશો પરમાણુ હથિયાર મેળવવાની દિશામાં આગળ વધશે.

પરમાણુ કાર્યક્રમો તરફ વળશે દુનિયા

મેદવેદેવે પરમાણુ શસ્ત્રોના પ્રસાર પર નિરાશા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ‘વિશ્વ વ્યવસ્થામાં તિરાડ પડી છે, જે ઘણા દેશોને પોતાની રક્ષા માટે સૌથી અસરકારક રસ્તો શોધવા મજબૂર કરી રહી છે. કેટલાક દેશો નક્કી કરશે કે સૌથી શ્રેષ્ઠ વિકલ્પ પરમાણુ હથિયાર મેળવવાનો છે. ઘણા દેશો પાસે મિલિટ્રી ન્યુક્લિયર પ્રોગ્રામ ચલાવવાની ટેકનિકલ ક્ષમતા છે અને કેટલાક સંશોધન કરી રહ્યા છે. આ કદાચ માનવજાતના હિતમાં ન હોય, પરંતુ સત્ય એ છે કે માનવજાતે હજુ સુધી પોતાની રક્ષાની ગેરંટી આપવા માટે પરમાણુ હથિયાર સિવાય બીજો કોઈ રસ્તો શોધ્યો નથી.’

મેદવેદેવે અમેરિકા અને યુરોપ પર કર્યા પ્રહાર 

અમેરિકા સાથેની 'ન્યૂ START' સંધિ પૂરી થવા મામલે મેદવેદેવે કહ્યું કે, ‘રશિયાએ પોતાના પરમાણુ હથિયારોને કારણે જ પોતાનું સાર્વભૌમત્વ ટકાવી રાખ્યું છે. યુરોપિયન અને બાઈડન પ્રશાસન હેઠળ અમેરિકીઓ સતત અમને સખત જવાબ આપવા માટે ઉકસાવી રહ્યા છે અને આ ઉકસાવનારી હરકતો ચાલુ છે.’ 

આ પણ વાંચો : સાઉદી અરેબિયાની આ એક જાહેરાતથી ચીનની ઊંઘ હરામ, ટ્રમ્પ પણ ટેન્શનમાં

ન્યુક્લિયર હથિયારો સંઘર્ષમાં જોખમ વધારશે

મેદવેદેવે વિચિત્ર તર્ક આપતા કહ્યું કે, ‘ભલે ન્યુક્લિયર હથિયારો સંઘર્ષમાં જોખમ વધારે છે, પરંતુ તે ખતરનાક ઈરાદા રાખનાર કોઈપણ વ્યક્તિના મગજમાં તાજી હવા નાખીને સ્થિરતાને પણ પ્રોત્સાહન આપે છે. એટલે કે, પરમાણુ હથિયારના ડરથી દુશ્મન દેશ હુમલો કરતા સોવાર વિચારશે.’

અમેરિકી મિસાઇલ સિસ્ટમને ગણાવી ખતરનાક 

અમેરિકાની 'ગોલ્ડન ડોમ' મિસાઇલ ડિફેન્સ સિસ્ટમને મેદવેદેવે અત્યંત ખતરનાક અને ઉશ્કેરણીજનક ગણાવી છે. તેમણે ચેતવણી આપી કે, આ સિસ્ટમથી વિશ્વનું સ્ટ્રેટેજિક બેલેન્સ બગડી શકે છે અને રશિયા તેના જવાબમાં નવા ડિલિવરી સિસ્ટમ્સ વિકસાવી રહ્યું છે.

આ પણ વાંચો : ભારત-US ટ્રેડ ડીલ અટકાવવા માટે 3 લોકો જવાબદાર : ક્રુઝનો ઓડિયો લીક