પાકિસ્તાનનું કાયરતાભર્યું કૃત્ય, 400 ડ્રોનના હુમલા સામે પેસેન્જર્સ પ્લેનને ઢાલ બનાવ્યા: ભારતીય વિદેશ મંત્રાલય
India Pakistan conflict : પહલગામ પર આતંકવાદી હુમલા બાદ ભારતે 'ઓપરેશન સિંદૂર' હેઠળ પાકિસ્તાન અને PoK સ્થિત આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઇલ તથા ડ્રોનથી સ્ટ્રાઇક કરી હતી. ત્યાર બાદ પાકિસ્તાને પણ ભારતના અનેક શહેરો પર મિસાઇલથી હુમલો કરવાના પ્રયાસ કર્યા પરંતુ ભારતીય સેનાએ તમામ પ્રયાસ નિષ્ફળ બનાવ્યા. આ દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી ગયો છે. એવામાં વિદેશ મંત્રાલયે પત્રકાર પરિષદ કરીને વિવિધ જાણકારી આપી છે.
300થી 400 ડ્રોન છોડી એરસ્પેસનું ઉલ્લંઘન કર્યું
જનરલ સોફિયા કુરેશીએ જણાવ્યું હતું, કે મધ્ય રાત્રિએ પાકિસ્તાની સેનાએ ભારતીય એરસ્પેસનો ઉલ્લંઘન કર્યો અને નિયંત્રણ રેખા પર ગોળીબાર કર્યો. પાકિસ્તાને 36 સ્થાનો પર 300થી 400 ડ્રોનથી હુમલાનો પ્રયાસ કર્યો. ભારતીય સેનાએ મોટા ભાગના ડ્રોન તોડી પાડવામાં આવ્યા હતા. ડ્રોનના કાટમાળની તપાસ કરવામાં આવી રહી છે, જોકે પ્રાથમિક જાણકારી અનુસાર આ ડ્રોન તુર્કીયેના છે. રાત્રિમાં જ પાકિસ્તાને UAVથી ભટિન્ડા સૈન્ય બેઝ પર હુમલાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો. તેના જવાબમાં ભારતે પાકિસ્તાનના ચાર એરબેઝ પર ડ્રોન છોડ્યા જેમાંથી એક ડ્રોન રડારને તોડવામાં સફળ રહ્યું.
નાગરિક વિમાનોને ઢાલ બનાવી રહ્યું છે પાકિસ્તાન
પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સરહદ તથા LoC (નિયંત્રણ રેખા) પર ભારે ગોળીબાર પણ કર્યો જેનો જડબાતોડ જવાબ આપવામાં આવ્યો. પાકિસ્તાનના ગોળીબારમાં ભારતના અમુક જવાન ઈજાગ્રસ્ત થયા છે. ભારતીય સેનાએ જણાવ્યું છે કે પાકિસ્તાન તેના નાગરિક વિમાનોને ઢાલ બનાવીને ઉપયોગ કરી રહ્યું છે. સરહદ નજીક ભારતના એરસ્પેસમાં કોઈ નાગરિક વિમાને ઉડાન નથી ભરી, પરંતુ પાકિસ્તાનના એરસ્પેસમાં નાગરિક વિમાનો ઉડાન ભરી રહ્યા હતા.
કરતારપુર સાહિબ કોરિડોર આગામી આદેશ સુધી બંધ
ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જણાવ્યું હતું, કે 'પાકિસ્તાન દ્વારા પૂંછમાં ગુરુદ્વારા પર હુમલો કરવામાં આવ્યો હતો. પાકિસ્તાન દુનિયાને ભરમાવવા માટે ખોટી માહિતી ફેલાવી રહ્યું છે કે ભારતે નનકાના સાહિબ ગુરુદ્વારા પર ડ્રોનથી હુમલો કર્યો છે. વર્તમાન પરિસ્થિતિને જોતાં કરતારપુર સાહિબ કોરિડોર આગામી આદેશ સુધી બંધ કરવામાં આવ્યું છે.