Maulana Mahmood Madani On Supreme Court: જમિયત ઉલેમા-એ-હિંદના અધ્યક્ષ મૌલાના મહમૂદ મદનીએ ભોપાલમાં એક કાર્યક્રમમાં ન્યાયતંત્રના તાજેતરના નિર્ણયો પર સવાલ ઉઠાવતાં કહ્યું કે, 'બાબરી મસ્જિદ અને તલાક જેવા કેસોના નિર્ણયથી એવું પ્રતીત થાય છે કે અદાલતો સરકારના દબાણ હેઠળ કામ કરી રહી છે. અદાલતોના ઘણા એવા નિર્ણયો સામે આવ્યા છે, જેમાં બંધારણમાં આપવામાં આવેલા લઘુમતીઓના અધિકારોનું સ્પષ્ટ ઉલ્લંઘન થયું છે.'
સુપ્રીમ કોર્ટને 'સુપ્રીમ' કહેવાનો અધિકાર નથી
તેમણે કહ્યું કે, '1991ના ઉપાસના સ્થળ અધિનિયમ (Places of Worship Act) છતાં અન્ય કેસોમાં જે પ્રકારની કાર્યવાહી કરવામાં આવી તે આનું ઉદાહરણ છે. સુપ્રીમ કોર્ટને ત્યારે જ 'સુપ્રીમ' કહી શકાય જ્યાં સુધી ત્યાં બંધારણ સુરક્ષિત છે, જો આવું ન થાય તો સુપ્રીમ કોર્ટને 'સુપ્રીમ' કહેવાનો અધિકાર નથી.'
મુસ્લિમો 60% લોકો સાથે વાત કરો
મદનીએ કહ્યું કે, 'હાલના સમયમાં દેશમાં 10% લોકો મુસ્લિમોના પક્ષમાં છે, 30% તેમની વિરુદ્ધ છે, જ્યારે 60% લોકો મૌન છે.' તેમણે મુસ્લિમોને અપીલ કરી કે તમે આ 60% મૌન લોકો સાથે સંવાદ કરો અને પોતાની વાત તેમની સામે રાખો, કારણ કે જો આ જ વર્ગ મુસ્લિમોની વિરુદ્ધ થઈ ગયો તો તે દેશમાં મોટો ખતરો ઊભો થઈ શકે છે.'
જ્યાં સુધી અન્યાય હશે, ત્યાં સુધી જેહાદ રહેશે
'જેહાદ' અંગે મૌલાના મદનીએ કહ્યું કે, આજે સરકાર અને મીડિયા એક પવિત્ર શબ્દને સંપૂર્ણ ખોટી રીતે દુનિયા સામે રજૂ કરી રહ્યા છે. જેહાદને લવ જેહાદ, થૂક જેહાદ, જમીન જેહાદ જેવા શબ્દો સાથે જોડીને બદનામ કરવામાં આવી રહ્યો છે, જ્યારે જેહાદ હંમેશાથી પવિત્ર રહ્યો છે અને બીજાના ભલા માટે અને સારા માટે બતાવવામાં આવ્યો છે.
તેમણે આગળ કહ્યું કે, 'જ્યાં સુધી અન્યાય હશે, ત્યાં સુધી જેહાદ રહેશે. જ્યાં અન્યાય થશે ત્યાં જેહાદ થશે. એક ધર્મનિરપેક્ષ દેશ ભારતમાં જ્યાં લોકશાહી શાસન વ્યવસ્થા છે, ત્યાં જેહાદની કોઈ ચર્ચા નથી. અહીં મુસ્લિમો બંધારણ પ્રત્યે વફાદારી દર્શાવે છે. નાગરિકોના અધિકારોનું રક્ષણ કરવાની જવાબદારી સરકારની છે. જો સરકાર આમ ન કરે તો તેના માટે સરકાર જ જવાબદાર રહેશે.'
મહમૂદ મદનીના નિવેદન પર ભાજપનો વળતો પ્રહાર
હવે મહમૂદ મદનીના નિવેદન પર ભાજપે વળતો પ્રહાર કર્યો છે. સંબિત પાત્રાએ કહ્યું કે, 'ભોપાલમાં તેમના દ્વારા આપવામાં આવેલું નિવેદન ભડકાઉ અને દેશના ભાગલા પાડનારું હતું. જેહાદના નામે જે પ્રકારે લોકોએ માત્ર ભારતમાં જ નહીં પરંતુ ભારતની બહાર પણ આતંક ફેલાવ્યો છે તે અમે જોયું છે. મૌલાના મદનીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટને 'સુપ્રીમ' કહેવાનો કોઈ અધિકાર નથી, તો સુપ્રીમ કોર્ટે મૌલાના મદનીના નિવેદન પર સ્વતઃ સંજ્ઞાન લેવું જોઈએ અને તેની સુનાવણી કરવી જોઈએ.'
આ પણ વાંચો: ભારતના ખૂબ જ મહત્ત્વાકાંક્ષી મિશન સમુદ્રયાનમાં કેમ થઈ રહ્યું છે મોડું, જાણો કારણ…


