India

મથુરામાં ગૌરક્ષક સંતના મોત બાદ 'ભારેલો અગ્નિ'! હત્યાની આશંકાના કારણે પથ્થરમારો

By GS TEAM
21 Mar 20263 mins read
TukuTouch Logo
શુક્રવારે વહેલી સવારે અંદાજે 4 વાગ્યે કોસીકલાં વિસ્તારના નવીપુર ગામ પાસે ફરસાવાળા બાબા પોતાની બાઈક પર ગૌતસ્કરોનો પીછો કરી રહ્યા હતા. આ દરમિયાન ગૌતસ્કરોએ તેમની ગાડી બાબાની બાઈક પર ચડાવી દીધી હતી. આ ગંભીર અકસ્માતમાં બાબાનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

મથુરામાં ગૌરક્ષક સંતના મોત બાદ 'ભારેલો અગ્નિ'! હત્યાની આશંકાના કારણે પથ્થરમારો

Mathura Farsa Wale-baba : ઉત્તર પ્રદેશના મથુરામાં ગૌરક્ષકોમાં મુખ્ય ચહેરો ગણાતા સંત ચંદ્રશેખર ઉર્ફે ફરસાવાળા બાબાની હત્યા બાદ સમગ્ર વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે. ગૌતસ્કરોનો પીછો કરી રહેલા બાબાને ટ્રક નીચે કચડી નાખવાની ઘટના સામે આવતા શુક્રવારે વહેલી સવારે સેંકડો ગૌરક્ષકો અને સ્થાનિકોએ દિલ્હી-આગ્રા હાઈવે પર ચક્કાજામ કરી દીધો હતો.

શું હતી સમગ્ર ઘટના?

મળતી માહિતી મુજબ, શુક્રવારે વહેલી સવારે અંદાજે 4 વાગ્યે કોસીકલાં વિસ્તારના નવીપુર ગામ પાસે ફરસાવાળા બાબા પોતાની બાઈક પર ગૌતસ્કરોનો પીછો કરી રહ્યા હતા. આ દરમિયાન ગૌતસ્કરોએ તેમની ગાડી બાબાની બાઈક પર ચડાવી દીધી હતી. આ ગંભીર અકસ્માતમાં બાબાનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.

એક આરોપીની ધરપકડ, ત્રણ ફરાર

ઘટના બાદ સ્થાનિક લોકોએ સમયસૂચકતા વાપરીને ભાગવાનો પ્રયત્ન કરી રહેલા એક મુસ્લિમ યુવકને ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો હતો. જોકે, અન્ય ત્રણ આરોપીઓ અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયા હતા. પોલીસ હાલ અલગ-અલગ ટીમો બનાવીને ફરાર આરોપીઓની શોધખોળ કરી રહી છે.

આ પણ વાંચો : છોટા ઉદેપુરના સાત તાલુકામાં ઈદ-ઉલ-ફિત્રની ઉમંગભેર ઉજવણી, નસવાડીમાં હિન્દુ-મુસ્લિમ બિરાદરો પરસ્પર ગળે મળ્યા

હાઈવે પર વાહનોની લાંબી લાઇનો, માહોલ તંગ

બાબાની હત્યાના સમાચાર વાયુવેગે ફેલાતા જ મોટી સંખ્યામાં ગૌરક્ષકો છાતા પાસે દિલ્હી-આગ્રા હાઈવે પર ઉતરી આવ્યા હતા. ગુસ્સે ભરાયેલા લોકોએ હાઈવે જામ કરી દીધો હતો, જેના કારણે કિલોમીટરો સુધી વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. પ્રદર્શનકારીઓએ ફરાર ત્રણેય આરોપીઓની તાત્કાલિક ધરપકડ અને ગૌતસ્કરી વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે. સ્થિતિને કાબૂમાં લેવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને પ્રશાસનિક ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી છે અને લોકોને સમજાવવાનો પ્રયાસ કરી રહી છે.

કોણ હતા ફરસાવાળા બાબા?

સંત ચંદ્રશેખર ઉર્ફે ફરસાવાળા બાબા બ્રજ ક્ષેત્રમાં ગૌરક્ષા આંદોલનનો ખૂબ જ જાણીતો ચહેરો હતા. તેઓ હંમેશા ગૌરક્ષા માટે સક્રિય રહેતા અને આ વિસ્તારમાં ગૌતસ્કરી રોકવા માટે જાણીતા હતા. તેમની હત્યાથી ભક્તો અને ગૌરક્ષકોમાં ભારે શોકની લાગણી જન્મી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને પકડાયેલા આરોપીની પૂછપરછ શરૂ કરી છે. પ્રશાસન દ્વારા હાઈવે પરથી જામ હટાવવા અને કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા માટે વધારાનો પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે.

પોલીસે કહ્યું- પાછળથી આવેલા ટ્રકે ટક્કર મારતા અકસ્માતમાં મોત 

આગ્રા રેન્જના ડીઆઈજી શૈલેષ કુમાર પાંડેએ માહિતી આપી છે કે, શનિવારે વહેલી સવારે કોસી વિસ્તારમાં બનેલી એક ઘટનામાં ફરસા બાબાનું મોત થયું છે, જેઓ એક 'ગૌરક્ષક' હતા. ડીઆઈજીએ જણાવ્યું કે, આ લોકોએ એક ટ્રકને રોકીને તેની તપાસ કરી રહ્યા હતા. આજે ગાઢ ધુમ્મસ હોવાથી પાછળથી આવતા એક ટ્રકે ઉભેલી ટ્રકને ટક્કર મારી દીધી હતી. આ અકસ્માતમાં ઈજા થવાને કારણે ફરસા બાબાનું મોત થયું હતું. ત્યારબાદ લોકોએ તેમનો મૃતદેહ છાતા-શેરગઢ ચાર રસ્તા પર રાખીને ચક્કાજામ કર્યો હતો. લોકો સાથે લાંબા સમય સુધી વાતચીત કરવામાં આવી, પરંતુ કેટલાક તત્વોએ પોલીસ ટુકડી પર પથ્થરમારો કર્યો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે આંસુ ગેસના ગોળા છોડીને ભીડને વિખેરી નાખી હતી. હાલ મૃતદેહને ત્યાંથી હટાવી લેવામાં આવ્યો છે અને વિસ્તારમાં સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. ડીઆઈજીએ સ્પષ્ટતા કરી છે કે, જે ટ્રકને રોકવામાં આવી હતી તેમાં ગૌવંશ કે તેને લગતું કંઈ પણ મળ્યું નથી. તોફાન કરનારા લોકોની ઓળખ કરવામાં આવી રહી છે અને કેટલાકની ધરપકડ પણ થઈ છે.