India

રાજસ્થાનના નાગૌરમાં ફટાકડાના ગોડાઉનમાં ભીષણ વિસ્ફોટ, બે લોકોનાં ઘટનાસ્થળે જ મોત

By GS Team
5 Nov 20263 mins read
TukuTouch Logo
રાજસ્થાનના નાગૌરના બડલી વિસ્તારમાં ફટાકડાના ગોડાઉનમાં ભીષણ વિસ્ફોટ થયો હતો. આ દુર્ઘટનામાં નાગૌર શહેરના બનબજારવાડા વિસ્તારના 2 રહેવાસીઓના ઘટનાસ્થળે જ કરુણ મોત થયાં છે. પોલીસ અને વહીવટી તંત્રની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતદેહોને જે.એલ.એન. હોસ્પિટલની મોર્ચરીમાં ખસેડાયા છે. વિસ્ફોટનું કારણ અસ્પષ્ટ છે, પોલીસે તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાજસ્થાનના નાગૌરમાં ફટાકડાના ગોડાઉનમાં ભીષણ વિસ્ફોટ, બે લોકોનાં ઘટનાસ્થળે જ મોત

Nagaur Firecracker Warehouse Blast : રાજસ્થાનના નાગૌર જિલ્લાના બડલી વિસ્તારમાં ગુરુવારે સવારે ફટાકડાના ગોડાઉનમાં ભીષણ વિસ્ફોટ થયો હતો. આ દુર્ઘટનામાં બે યુવકોનાં મોત થયાં હતાં. બંને મૃતકો પિતરાઈ ભાઈ હતા અને નાગૌર શહેરના બાજરવાડા વિસ્તારના રહેવાસી હતા. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ગોડાઉનની છત ઊડી ગઈ હતી અને આસપાસનાં મકાનોની દીવાલોમાં તિરાડો પડી ગઈ હતી. ઘટનાસ્થળથી લગભગ 100 ફૂટ દૂર ઊભેલી બસના કાચ પણ તૂટી ગયા હતા. પ્રાથમિક તપાસમાં વીજળીના શોર્ટ સર્કિટથી નીકળેલી તણખીને કારણે વિસ્ફોટ થયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, પોલીસના જણાવ્યા અનુસાર, વિસ્ફોટનું ચોક્કસ કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

શોર્ટ સર્કિટથી વિસ્ફોટ થયાની આશંકા

નાગૌરના સીઓ જતિન જૈનના જણાવ્યા અનુસાર, ફટાકડાના ગોડાઉનના ખુલ્લા આંગણામાં વીજળીનો થાંભલો પણ છે. પ્રાથમિક તપાસમાં વીજતારમાં શોર્ટ સર્કિટ થવાથી નીકળેલી તણખી ફટાકડાના સંપર્કમાં આવતાં વિસ્ફોટ થયો હોવાની આશંકા છે. જોકે, આ કારણની હજુ સુધી પુષ્ટિ થઈ નથી. પોલીસ અને વહીવટી તંત્રની ટીમો ઘટનાના તમામ પાસાંની તપાસ કરી રહી છે.

FSL ટીમે પોટેશિયમ નાઇટ્રેટ અને કેમિકલના નમૂના લીધા

વિસ્ફોટની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમે ગોડાઉનમાંથી અલગ-અલગ કેમિકલ અને પોટેશિયમ નાઇટ્રેટના નમૂના એકત્ર કર્યા હતા. વિસ્ફોટમાં બંને યુવકોના શરીરના ટુકડા દૂર સુધી ફંગોળાયા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, શરીરના કેટલાક ભાગો લગભગ 15 ફૂટ દૂર સુધી જઈ પડ્યા હતા. FSLની ટીમે ગોડાઉનમાં તપાસ કરીને મૃતકોના શરીરના ટુકડાઓ પણ એકત્ર કર્યા હતા.

બસના કાચ તૂટ્યા, મકાનોની દીવાલોમાં તિરાડો

વિસ્ફોટની અસર આસપાસના વિસ્તારમાં પણ જોવા મળી હતી. ઘટનાસ્થળથી લગભગ 100 ફૂટ દૂર ઊભેલી બસના કાચ તૂટી ગયા હતા. આસપાસનાં મકાનોની દીવાલોમાં તિરાડો પડી હતી, જ્યારે ગોડાઉનની છતની પાટિયાં પણ નીચે પડી ગઈ હતી. ધડાકાનો અવાજ દૂર સુધી સંભળાતાં વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી અને મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા.

ગોડાઉનમાં ફટાકડાનો સ્ટોક, લાઇસન્સની તપાસ શરૂ

માહિતી મુજબ, ગોડાઉનના એક ભાગમાં તૈયાર ફટાકડાનો સ્ટોક રાખવામાં આવ્યો હતો. ગોડાઉન માલિક પાસે ફટાકડાના સંગ્રહ માટેનું કાયમી લાઇસન્સ હોવાની વાત સામે આવી છે. જોકે, લાઇસન્સ હેઠળ કેટલી માત્રામાં ફટાકડા રાખવાની મંજૂરી હતી અને ગોડાઉનમાં વાસ્તવમાં કેટલા ફટાકડા તથા પોટેશિયમ નાઇટ્રેટનો જથ્થો હતો, તેની સત્તાવાર માહિતી હજુ સામે આવી નથી. વહીવટી તંત્ર લાઇસન્સની શરતો અને ગોડાઉનમાં રાખવામાં આવેલા વિસ્ફોટક પદાર્થોના જથ્થાની તપાસ કરી રહ્યું છે. સંગ્રહ માટેના નિયમોનું પાલન કરવામાં આવતું હતું કે નહીં, તે પણ તપાસવામાં આવશે.

ભીડ હટાવવા જતાં પથ્થરમારો, પોલીસે લાઠીચાર્જ કર્યો

દુર્ઘટના બાદ ગુરુવારે સવારે લગભગ 11:15 વાગ્યે ગોડાઉનની બહાર મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. પોલીસે ભીડને ઘટનાસ્થળેથી હટાવવાનો પ્રયાસ કરતાં કેટલાક લોકોએ પથ્થરમારો કર્યો હતો. ત્યારબાદ પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. આ મામલે પોલીસે ત્રણ લોકોની અટકાયત કરી છે. હાલ પોલીસ અને વહીવટી તંત્રની ટીમો ઘટનાસ્થળે તપાસ અને રાહત કામગીરીમાં જોડાયેલી છે. FSLનો રિપોર્ટ અને તપાસ પૂર્ણ થયા બાદ જ વિસ્ફોટનું ચોક્કસ કારણ તેમજ ગોડાઉનમાં રાખવામાં આવેલા ફટાકડાના જથ્થા અંગેની સ્થિતિ સ્પષ્ટ થશે.