મરાઠા આંદોલનને કારણે મુંબઈ થંભી ગયું, હજારોની ભીડ રસ્તે ઉતરી, મનોજ જરાંગે ફરી ભૂખ હડતાળ પર
Maratha Reservation: મરાઠા અનામત આંદોલનની આગેવાની કરી રહેલા કાર્યકર મનોજ જારંગે પાટિલે શુક્રવારે દક્ષિણ મુંબઈના આઝાદ મેદાનમાં અનિશ્ચિતકાળ સુધી આંદોલન શરૂ કર્યું છે. આ આંદોલનમાં સામેલ થવા માટે હજારોની સંખ્યામાં મરાઠા સમાજના લોકો શુક્રવારે મુંબઈ પહોંચ્યા હતાં. તેઓ લોકલ અને લાંબા અંતરની ટ્રેનો મારફત છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સ્ટેશન પહોંચ્યા હતાં. જ્યાંથી સુત્રોચ્ચાર કરતાં આઝાદ મેદાન પહોંચ્યા હતા. જેના લીધે ભારે ટ્રાફિક જામ થયો હતો.
મનોજ જારંગેએ જાહેરાત કરી છે કે, તે પીછેહટ કરવા તૈયાર નથી. તેમણે કહ્યું કે, હું મરવા માટે, ગોળી ખાવા માટે તૈયાર છું. પરંતુ પીછેહટ નહીં કરૂ. મારૂ આંદોલન સવારે 10 વાગ્યાથી શરૂ થયુ છે. તેમણે પોતાના સમર્થકોને શાંતિ વ્યવસ્થા જાળવી રાખવા પોલીસને મદદ કરવા અપીલ પણ કરી છે. તેમણે પોતાના કાર્યકરોને કહ્યું છે કે, ટ્રાફિક જામ દૂર કરવામાં મદદ કરો અને આંદોલનને શિસ્તબદ્ધ આગળ લઈ જવા સહકાર આપો. હું મુખ્યમંત્રી અને સરકારને અપીલ કરુ છુ કે, મને અનિશ્ચિતકાળ સુધી ભૂખ હડતાળ ચાલુ રાખવા મંજૂરી આપે, તેમજ અમારી તમામ માગનો સ્વીકાર કરે.
આ પણ વાંચોઃ જે RBI ગવર્નરના કાર્યકાળમાં નોટબંધી થઈ હતી એમને IMFમાં સોંપાઈ મોટી જવાબદારી
મુંબઈમાં ચારેબાજુ આંદોલનકારીનો જમાવડો
આઝાદ મેદાનમાં શરૂ થયેલા અનામત આંદોલનમાં ભાગ લેવા માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. સ્ટેશન પરિસરમાં ભગવા ઝંડો, પારંપારિક ટોપી અને ગમછાધારી પ્રદર્શનકારીઓનો જમાવડો જોવા મળ્યો છે. સવારથી જ સ્ટેશન પર નારેબાજી થઈ રહી છે. ઘણા આંદોલનકારી ઢોલ-નગારા સાથે આવ્યા છે.
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, ગુરૂવારે રાતથી જ સ્ટેશનના પ્લેટફોર્મ પર હજારો આંદોલનકારીઓ ઉમટી પડ્યા હતા. રેલવે સુરક્ષા દળ અને મહારાષ્ટ્ર સુરક્ષા દળે સ્ટેશન પર મોટી સંખ્યામાં જવાનો તૈનાત કર્યા છે. 40 વધારાના આરપીએફ અને 60 એમએસએફ જવાન મુંબઈ સ્ટેશન પર તૈનાત કરવામાં આવ્યા છે. ગણેશોત્સવ અને આંદોલનને ધ્યાનમાં લેતાં સેન્ટ્રલ રેલવેએ મુંબઈના વિવિધ સ્ટેશનો પર 240 વધારાના આરપીએફ જવાન તૈનાત કર્યા છે. જેમાંથી 95 જવાન ચિંચપોકલી, કરી રોડ, દાદર, પરેલ, ભાયખલા, કોટન ગ્રીન અને શિવડી સ્ટેશન પર તૈનાત છે. જીઆરપીએ સીએસએમટી ખાતે 40 વધારાના જવાન તૈનાત કર્યા છે.