જે RBI ગવર્નરના કાર્યકાળમાં નોટબંધી થઈ હતી એમને IMFમાં સોંપાઈ મોટી જવાબદારી
IMF Executive Director Urjit Patel: કેન્દ્ર સરકારે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા(RBI)ના પૂર્વ ગવર્નર ડૉ. ઉર્જિત પટેલને 3 વર્ષ માટે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ(IMF)માં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્તિને મંજૂરી આપી છે. ડૉ. ઉર્જિત પટેલે વર્ષ 2016માં રઘુરામ રાજન પછી RBIના 24મા ગવર્નર તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. તેમના કાર્યકાળ દરમિયાન સરકારે નોટબંધી જેવો મોટો નિર્ણય લીધો હતો.
ડૉ. ઉર્જિત પટેલે અંગત કારણોસર રાજીનામું આપ્યું હતું
અહેવાલો અનુસાર, વર્ષ 2018માં ડૉ. ઉર્જિત પટેલે અંગત કારણોસર રાજીનામું આપ્યું હતું, જેના કારણે તે પહેલા ગવર્નર બન્યા જેમણે વ્યક્તિગત કારણોસર આરબીઆઇ ગવર્નરનું પદ છોડ્યું અને 1992 પછી સૌથી ટૂંકા કાર્યકાળ માટે આરબીઆઇ ગવર્નર રહ્યા હતા. ડૉ. ઉર્જિત પટેલના રિપોર્ટના આધારે સરકારે નોટબંધીનો નિર્ણય લીધો હતો.
મોંઘવારી અંગે મોટો નિર્ણય લેવામાં આવ્યો
ડૉ. ઉર્જિત પટેલના કાર્યકાળ દરમિયાન નોટબંધી ઉપરાંત અન્ય એક મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમણે આરબીઆઇના મોંઘવારી દરની મર્યાદા નક્કી કરી હતી. જેના હેઠળ મોંઘવારી દર 4 ટકાની મર્યાદાથી નીચે હોવો જોઈએ અથવા તેને જાળવી રાખવાનો પ્રયાસ કરવો જોઈએ. ડૉ. ઉર્જિત પટેલે આ અંગે એક વિગતવાર રિપોર્ટ રજૂ કર્યો હતો, ત્યારબાદ 4 ટકા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ(CPI)ને મોંઘવારી દરના લક્ષ્ય તરીકે અપનાવવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: ભારતનો સત્તાવાર શહેરી નક્શો બદલાશે! વસતી ગણતરી અંગે કેન્દ્રના નવા સર્ક્યુલરથી અટકળ
ડૉ. ઉર્જિત પટેલ ડેપ્યુટી ગવર્નર તરીકે સેવા આપી ચૂક્યા
આરબીઆઇ ગવર્નર બનતાં પહેલાં ડૉ. ઉર્જિત પટેલ સેન્ટ્રલ બૅન્કમાં ડેપ્યુટી ગવર્નર તરીકે સેવા આપી હતી અને નાણાકીય નીતિ, આર્થિક નીતિ સંશોધન, આંકડા અને માહિતી વ્યવસ્થાપન, થાપણ વીમો, સંદેશાવ્યવહાર અને માહિતી અધિકાર જેવા મુદ્દાઓ સંભાળ્યા હતા.
આરબીઆઇના પૂર્વ ગવર્નર આ પદો પર રહી ચૂક્યા
ડૉ. ઉર્જિત પટેલે પાંચ વર્ષ સુધી IMFમાં પણ કામ કરી ચૂક્યા છે. તેમણે વોશિંગ્ટન ડીસીમાં અને પછી 1992માં નવી દિલ્હીમાં IMFના ડેપ્યુટી રેસિડેન્ટ રિપ્રેઝન્ટેટિવ તરીકે ભારત આવ્યા હતા અને 1998થી 2001 સુધી નાણા મંત્રાલયના સલાહકાર હતા. તેમણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, IDFC લિમિટેડ, MCX લિમિટેડ અને ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન જેવી જાહેર અને ખાનગી કંપનીઓમાં પણ મહત્ત્વપૂર્ણ હોદ્દા સંભાળ્યા છે.