Get The App

આંધ્ર પ્રદેશના જંગલોમાં સુરક્ષાદળોની મોટી કાર્યવાહી, હિડમા બાદ વધુ 7 નક્સલીઓ ઠાર

Updated: Nov 19th, 2025

GS TEAM

Google News
Google News
Maoist Killed in AOB Area
(IMAGE - IANS)

Maoist Killed in AOB Area: આંધ્ર પ્રદેશના પૂર્વી ગોદાવરી જિલ્લાના મારેડુમિલ્લી અને જી.એમ. વાલસાના જંગલોમાં બુધવારે સવારે સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે થયેલી ભીષણ અથડામણમાં 7 નક્સલી માર્યા ગયા છે. મંગળવારથી શરૂ કરાયેલા સંયુક્ત ઓપરેશનના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી હતી. રાજ્યના ઈન્ટેલિજન્સ એડીજી મહેશ ચંદ્ર લડ્ડાએ પ્રેસ કોન્ફરન્સમાં પુષ્ટિ કરી હતી કે અથડામણ દરમિયાન 4 પુરુષ અને 3 મહિલા નક્સલીઓ ઠાર થયા છે.

નક્સલી સંગઠનનો ટોચનો ટેક્નિકલ એક્સપર્ટ ઠાર

મૃત્યુ પામેલા નક્સલીઓમાં સંગઠનનો ટોચનો ઇન્ટેલિજન્ટ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ(IED) એક્સપર્ટ મેત્તુરુ જોગારાવ ઉર્ફે ટેક શંકર પણ હતો. તે આંધ્ર-ઓડિશા બોર્ડર સ્પેશિયલ ઝોનલ કમિટી (AOBSZC)નો એક મહત્ત્વપૂર્ણ સભ્ય હતો અને ટેક્નિકલ ઓપરેશન્સ માટે મુખ્યત્વે જવાબદાર ગણાતો હતો.

સુરક્ષા એજન્સીઓ અનુસાર, ટેક શંકર એવો કેડર હતો જેણે છેલ્લા કેટલાક વર્ષોમાં છત્તીસગઢ અને આંધ્ર-ઓડિશા બોર્ડર(AOB)વિસ્તારમાં સુરક્ષા દળો પર થયેલા લગભગ બધા મોટા લેન્ડમાઇન અને IED હુમલાઓનું ડિઝાઇનિંગ અને અમલ કર્યો હતો.

પોલીસના કહેવા મુજબ, તે હથિયારોનું ઉત્પાદન, સંચાર પ્રણાલી અને વિસ્ફોટક ઉપકરણોની રચનામાં નિષ્ણાત હતો. તેની આ જ વિશેષજ્ઞતાને કારણે તે સંગઠનની 'ટેક્નિકલ કરોડરજ્જુ' તરીકે ઓળખાતો હતો.

AOB વિસ્તારમાં નક્સલી હિલચાલમાં વધારો

છેલ્લા કેટલાક મહિનાઓથી, આંધ્ર-ઓડિશા બોર્ડર વિસ્તારમાં નક્સલી ગતિવિધિઓ વધી રહી હોવાના અહેવાલો હતા. મળતી જાણકારી અનુસાર, નક્સલીઓ જંગલોની અંદર નવા ઠેકાણાઓ ઊભા કરી રહ્યા હતા, પોતાના કેડરને ફરી સક્રિય કરી રહ્યા હતા અને છત્તીસગઢ તરફથી નવા જૂથો રાજ્યની સરહદમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

આ માહિતીના આધારે, આંધ્ર પ્રદેશ ગ્રેહાઉન્ડ્સ અને અન્ય એજન્સીઓએ મંગળવારે મોટું સર્ચ ઓપરેશન શરૂ કર્યું. આ ઓપરેશનના પરિણામે, બુધવારે સવારે જી.એમ. વાલસા વિસ્તારમાં અથડામણ થઈ.

રાજ્યમાં 50 નક્સલીઓની ધરપકડ

એડીજી લડ્ડાએ માહિતી આપી કે અગાઉ 17 નવેમ્બરે પણ સુરક્ષા દળોએ મારેડુમિલ્લી વિસ્તારમાં મોટી કાર્યવાહી કરી હતી, જેમાં કુખ્યાત નક્સલી નેતા હિડમા સહિત છ નક્સલીઓ ઠાર થયા હતા. તેમની પાસેથી મળેલી ગુપ્ત માહિતીને કારણે સંયુક્ત ટીમોને AOB વિસ્તારમાં ફેલાયેલા નક્સલી નેટવર્ક પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવાની દિશા મળી, જેના પગલે સતત ઘણા જિલ્લાઓમાં ઓપરેશન હાથ ધરવામાં આવ્યા.

એડીજી લડ્ડાના જણાવ્યા મુજબ, તાજેતરમાં NTR, કૃષ્ણા, કાકીનાડા, કોનસીમા અને એલુરુ જિલ્લાઓમાંથી 50 નક્સલીઓની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા લોકોમાં કેન્દ્રીય સમિતિ, રાજ્ય સમિતિ, એરિયા કમિટી અને પ્લાટૂન ટીમના સભ્યોનો સમાવેશ થાય છે. આ એક ઐતિહાસિક ઘટના છે, કારણ કે સંગઠનના કોર કેડરને આટલા મોટા પાયે એકસાથે પકડવામાં આવ્યા હોય તેવું આ પ્રથમ વખત બન્યું છે.

આ પણ વાંચો: નીતિશ કુમાર માટે બિહારના સીએમ બનવાનો માર્ગ મોકળો, જેડીયુ ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા

ઓપરેશનમાં મોટા પ્રમાણમાં હથિયારો જપ્ત

સુરક્ષા દળોએ આ અભિયાન દરમિયાન 45 હથિયારો, 272 કારતૂસ, બે મેગેઝીન, 750 ગ્રામ વાયર તેમજ અનેક ટેક્નિકલ ઉપકરણો અને દસ્તાવેજો જપ્ત કર્યા છે. એડીજી લડ્ડાએ જણાવ્યું કે 'ફિલ્ડ સ્ટાફે કોઈ પણ નુકસાન વિના અને સંપૂર્ણ યોજના મુજબ આ ઓપરેશન સફળતાપૂર્વક પૂરું કર્યું છે. ઇન્ટેલિજન્સ વિભાગે સતત નક્સલીઓની ગતિવિધિઓ પર દેખરેખ રાખીને યોગ્ય સમયની રાહ જોઈ અને પછી નિર્ણાયક પગલું ભર્યું.'

નક્સલીઓ આંધ્ર પ્રદેશમાં શરણ લેવાના પ્રયાસમાં

આ અથડામણ એવા સમયે થઈ છે જ્યારે સુરક્ષા એજન્સીઓ હાઇ-અલર્ટ પર છે. તેમની આશંકા છે કે છત્તીસગઢમાં દબાણ વધ્યા પછી ઘણા નક્સલીઓ આંધ્ર પ્રદેશમાં આશરો લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ઓપરેશનને માઓવાદી સંગઠનના ટેક્નિકલ માળખા અને નેતૃત્વ પર એક મોટો ફટકો માનવામાં આવે છે અને તે સુરક્ષા એજન્સીઓ માટે એક મહત્ત્વપૂર્ણ સફળતા છે.

આંધ્ર પ્રદેશના જંગલોમાં સુરક્ષાદળોની મોટી કાર્યવાહી, હિડમા બાદ વધુ 7 નક્સલીઓ ઠાર 2 - image

Tags :