નીતિશ કુમારે મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું, આવતીકાલે 10મી વખત બનશે CM

Bihar Election News: બિહારમાં 19 નવેમ્બર, બુધવારે યોજાયેલી NDAની બેઠક પછી નીતિશ કુમારે રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનને મુખ્યમંત્રી તરીકે રાજીનામું સોંપી દીધું હતું. આ સાથે નીતિશ કુમારે બિહારમાં નવી સરકાર રચવાનો દાવો રજૂ કર્યો હતો. આ પહેલા એનડીએની બેઠકમાં ધારાસભ્ય દળના નેતા તરીકે પણ નીતિશ કુમારની પસંદગી થઈ હતી. સમ્રાટ ચૌધરીએ ભાજપના ધારાસભ્ય દળના નેતા તરીકે નીતિશ કુમારના નામનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને એનડીએના સભ્યોએ સર્વસંમતિથી મંજૂરી આપી હતી. હવે આવતીકાલે 20 નવેમ્બરે સવારે 11:30 વાગ્યે ગાંધી મેદાનમાં મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળના સભ્યોનો શપથગ્રહણ સમારોહ યોજાશે. મુખ્યમંત્રી તરીકે નીતિશ કુમાર 10મી વખત બિહારની બાગડોર સંભાળશે.
10મી વખત બિહારના મુખ્યમંત્રી બનશે નીતિશ કુમાર
નીતિશ કુમારને NDA ધારાસભ્ય દળની બેઠકમાં નેતા પસંદ કરાયા છે. તેઓ 10મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. પટણાના ગાંધી મેદાનમાં ગુરુવારે (20 નવેમ્બર) શપથગ્રહણ સમારોહનું આયોજન કરાઈ રહ્યું છે. જેને લઈને જોર-શોરથી તૈયારીઓ કરાઈ રહી છે. જણાવી દઈએ કે, બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAએ શાનદાર પ્રદર્શન કરતાં 202 બેઠકો જીતવામાં સફળતા હાંસલ કરી છે. ભાજપ 89 બેઠકો જીતીને રાજ્યમાં સૌથી મોટી પાર્ટી બની ગઈ છે. જ્યારે નીતિશ કુમારની પાર્ટી JDUએ 85 બેઠકો જીતી છે અને બીજા નંબરે રહી છે. આ સાથે ચિરાગ પાસવાનની પાર્ટી LJPએ 5 બેઠકો પર જીત મેળવી છે. બીજી તરફ મહાગઠબંધનની ખરાબ રીતે હાર થઈ અને 35 બેઠકો પર જ સમેટાઈ ગઈ.

નીતિશ કુમાર NDA ધારાસભ્ય દળની બેઠકના નેતા ચૂંટાયા
નીતિશ કુમારની NDA ધારાસભ્ય દળની બેઠકમાં નેતા તરીકે પસંદગી કરવામાં આવી છે. સમ્રાટ ચૌધરીએ નીતિશ કુમારના નામનો પ્રસ્તાવ રાખ્યો હતો. નીતિશ કુમાર 10મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. આવતીકાલે શપથગ્રહણ સમારોહ યોજાશે.
બિહારના બંને નાયબ મુખ્યમંત્રી ભાજપ નેતા
ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં સમ્રાટ ચૌધરીને પક્ષના ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે, તો વિજય સિંહાની નાયબ નેતા તરીકે પસંદગી કરાઈ છે. હવે બિહારમાં ફરી બંને ભાજપ નેતા નાયબ મુખ્યમંત્રી તરીકેની ભૂમિકામાં હશે. આ દરમિયાન નીતિશ કુમારને પણ ફરી એકવાર જેડીયુના ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા.
શપથગ્રહણ સમારોહમાં પીએમ મોદી હાજરી આપશે
આવતીકાલે (20 નવેમ્બર) સવારે 11:30 વાગ્યે નવી સરકારના શપથ ગ્રહણ યોજાશે. આ મુદ્દે NDAનો મેરેથોન બેઠકોનો દોર ચાલુ છે અને મંત્રીમંડળની વહેંચણીની ચર્ચા ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યાનુસાર, બિહારમાં નવા મંત્રીમંડળના શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજરી આપી શકે છે. આ સાથે કેન્દ્રીય ગૃહમંત્રી પણ હાજરી આપે તેવું નક્કી મનાઈ રહ્યું છે.
બિહાર વિધાનસભા ચૂંટણીમાં જેડીયુની 85 બેઠક પર જીત
આ સાથે જ નીતિશ કુમાર બિહારના સૌથી લાંબો સમય સુધી રહેનારા મુખ્યમંત્રી બની જશે. આ વખતે 10મી વખત તેમનો કાર્યકાળ શરુ થઈ રહ્યો છે. બિહાર વિધાનસભાની 243 બેઠક પરની ચૂંટણીમાં જેડીયુએ 85 બેઠક પર જીત હાંસલ કરી હતી. એનડીએની કુલ 202 બેઠક પર જીત થઈ છે, જે બહુમતી માટે પૂરતી છે.
નાયબ મુખ્યમંત્રી તરીકે સમ્રાટ ચૌધરીની પસંદગીનું કારણ
ધારાસભ્ય દળની બેઠકમાં ભાજપના નેતા તરીકે સમ્રાટ ચૌધરી, તો નાયબ નેતા તરીકે વિજય સિંહાની પસંદગી કરાઈ છે. સમ્રાટ ચૌધરી ભાજપ માટે ઓબીસી વર્ગનો મજબૂત ચહેરો છે. તેઓ તારાપુરમાંથી ત્રણ વાર ચૂંટાયેલા ધારાસભ્ય છે. સમ્રાટ ચૌધરીનો પરિવાર બિહારના રાજકારણમાં મજબૂત પ્રભાવ ધરાવે છે. તેમના પિતા શકુની ચૌધરી પણ તારાપુરથી સાત વાર ચૂંટાયા હતા અને માતા પાર્વતી દેવી પણ એકવાર વિધાનસભામાં ચૂંટાયા હતા.
સમ્રાટ ચૌધરીએ વર્ષ 2000માં આરજેડીમાં જોડાઈને રાજકારણમાં સત્તાવાર પ્રવેશ કર્યો હતો. ત્યાર પછી 2014માં તેઓ જેડીયુમાં જોડાઈને મંત્રી બન્યા. 2017માં તેઓ ભાજપમાં જોડાયા અને 2024માં નાયબ મુખ્યમંત્રી તરીકે પસંદ થયા.
નાયબ મુખ્યમંત્રી તરીકે વિજય સિંહાની પસંદગીનું કારણ
વિજય કુમાર સિંહા બિહાર ભાજપના વરિષ્ઠ નેતા છે. તેઓ લખીસરાય મત વિસ્તારમાંથી ચોથી વાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. પહેલીવાર તેઓ 2005માં ચૂંટણી જીત્યા હતા. એ જ વર્ષે તેઓ એક ચૂંટણીમાં હાર્યા હતા, પરંતુ 2010 પછી તેઓ સતત આ બેઠક પરથી જીત્યા છે. વર્ષ 2017થી 2020 સુધી તેઓ શ્રમ મંત્રી રહ્યા હતા, તો 2020થી 2022 સુધી તેમણે બિહાર વિધાનસભાના સ્પીકર તરીકે ફરજ બજાવી હતી. 20222થી 2024 સુધી તેઓ વિપક્ષના નેતા અને 2024માં નાયબ મુખ્યમંત્રી પણ રહ્યા હતા. બિહાર સરકારમાં તેઓ પોલીસ, પ્રવાસન, વીજળી અને સિંચાઈ જેવા મહત્ત્વના વિભાગોના મંત્રી રહી ચૂક્યા છે.

