'...તો પછી જેલમાં ધકેલનારા PM-CMને પણ જેલ થવી જોઈએ', મનીષ સિસોદિયાની માગ
Manish Sisodia Seeks Law Change: ગંભીર ગુનાહિત આરોપોમાં ધરપકડ કરાયેલા અને સતત 30 દિવસ સુધી કસ્ટડીમાં રાખવામાં આવેલા વડાપ્રધાન, મુખ્યમંત્રી અને મંત્રીઓ જાતે જ પોતાના પદ નહીં છોડે, તો તેને પદ પરથી હટાવી દેવાશે. બુધવારે (20મી ઓગસ્ટ) લોકસભામાં આવી જોગવાઈઓ કરતા ત્રણ બિલ રજૂ કરવામાં આવ્યા હતા, જેને ગૃહે સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ને મોકલવાનો નિર્ણય લીધો હતો. એવું માનવામાં આવે છે કે જેમ અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી રહીને જેલમાં હોવા છતાં પણ પોતાનું પદ છોડ્યું ન હતું, તેવી જ રીતે ભવિષ્યમાં આવા કેસ અટકાવવા માટે આ કાયદો લાવવામાં આવી રહ્યો છે. આ દરમિયાન પૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ આ બિલમાં એવું ઉમેરવાનું કહ્યું છે કે, 'જો ધરપકડ કરાયેલ મંત્રી કે મુખ્યમંત્રી નિર્દોષ સાબિત થાય છે, તો તેને જેલમાં ધકેલનારા મુખ્યમંત્રી તથા વડાપ્રધાનને પણ જેલ થવી જોઈએ.'
મનીષ સિસોદિયાએ સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ
દિલ્હીના પૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક લેખ પોસ્ટ કરીને લખ્યું કે, 'આ કાયદામાં એવી પણ જોગવાઈ હોવી જોઈએ કે જો કોઈ મંત્રી કે મુખ્યમંત્રીને ખોટા આરોપોમાં જેલમાં મોકલવામાં આવે અને પછીથી તેમને નિર્દોષ જાહેર કરવામાં આવે, તો ધરપકડ કરનાર અધિકારી, ધરપકડ કરનાર એજન્સીના વડા અને ધરપકડ કરનાર સરકારના વડા (વડાપ્રધાન તથા મુખ્યમંત્રી, તે સમયે સત્તામાં હોય તે કોઈપણ)ને જેલ થવી જોઈએ.'
સત્તાનો દુરુપયોગ કરનારાઓ અંગે મનીષ સિસોદિયાએ વધુમાં લખ્યું કે 'ફક્ત મંત્રીઓ કે નેતાઓ માટે જ કેમ? કોઈ પણ સામાન્ય માણસને ખોટા કેસમાં જેલમાં મોકલનારાઓને જેલમાં મોકલવાની વ્યવસ્થા હોવી જોઈએ. લોકશાહીમાં સરકાર પાસે સત્તા હોવી જરૂરી છે પરંતુ જો આ સત્તાનો દુરુપયોગ કરનારાઓને સજા ન મળે તો આ બેલગામ સત્તાનો ઘમંડ બધાને રાવણ બનાવી દે છે.'
નવા બિલમાં શું છે?
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિરોધ અને હોબાળા વચ્ચે લોકસભામાં 'બંધારણ (130માં સુધારો) બિલ 2025', 'કેન્દ્રશાસિત પ્રદેશ શાસન (સુધારો) બિલ 2025' અને 'જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન (સુધારો) બિલ 2025' રજૂ કર્યા. બિલમાં પ્રસ્તાવ છે કે જો વડાપ્રધાન, કેન્દ્રીય મંત્રી અથવા મુખ્યમંત્રીને ઓછામાં ઓછા પાંચ વર્ષની જેલની સજાવાળા ગુનાઓ માટે સતત 30 દિવસ સુધી કસ્ટડીમાં રાખવામાં આવે, તો તે 31મા દિવસે તેમનું પદ ગુમાવશે. એવું માનવામાં આવે છે કે કથિત દારૂ કૌભાંડમાં જેલ ગયા પછી પણ અરવિંદ કેજરીવાલે જે રીતે પોતાનું પદ છોડ્યું ન હતું તેનો ઉપયોગ ભવિષ્યમાં ઉદાહરણ તરીકે થઈ શકે છે, તેથી સરકાર આ ફેરફાર કરવા જઈ રહી છે.