'જાતને પૂછો, પ્રજાના કેટલા પૈસા વેડફાયા...' હાઇકોર્ટના અમુક જજ પર ભડક્યા સુપ્રીમ કોર્ટના જજ
(IMAGE - IANS) |
SC Justice Surya Kant got angry with some HC Judges: સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સૂર્યકાંતે મંગળવારે એક કાર્યક્રમમાં હાઈકોર્ટના કેટલાક ન્યાયાધીશોની કાર્ય પ્રત્યેની પ્રતિબદ્ધતા પર કડક નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, 'જ્યાં ઘણા ન્યાયાધીશો ન્યાયના મશાલચી બનીને ભારે બોજ ઉપાડે છે, ત્યાં કેટલાકની કાર્યશૈલી ગંભીર રીતે નિરાશાજનક છે.' તેમણે સવાલ ઉઠાવ્યો, 'જેમની નિષ્ઠા નબળી પડે છે, તેમને મારી એક જ અપીલ છે. દરરોજ રાત્રે તકિયા પર માથું મૂકતા પહેલાં પોતાની જાતને પૂછો કે આજે મારા પર જનતાના કેટલા પૈસા ખર્ચ થયા? શું મેં સમાજના વિશ્વાસનો બદલો આપ્યો?'
ન્યાય સુધીની પહોંચ ફક્ત ધનિક વર્ગ સુધી સીમિત થતી જાય છે
સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન (SCBA)ની વ્યાખ્યાન શ્રેણી 'ન્યાય સૌના માટે: નિઃશુલ્ક કાનૂની સહાયતા અને મધ્યસ્થી'ના ઉદ્ઘાટન સત્રમાં બોલતા, ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું કે, 'તાજેતરના વર્ષોમાં એક વિરોધાભાસી પરિસ્થિતિ ઊભી થઈ છે, જ્યાં ન્યાય સુધીની પહોંચ ફક્ત ધનિક વર્ગ સુધી સીમિત થતી જાય છે.'
તેમણે કહ્યું, 'જ્યારે કાનૂની ફી માસિક આવક કરતાં પણ વધુ થઈ જાય છે, જ્યારે પ્રક્રિયાઓ એવી સાક્ષરતાની માંગ કરે છે જે કરોડો લોકો પાસે નથી અને જ્યારે કોર્ટના કોરિડોરમાં લોકો સ્વાગત કરતાં વધુ ભય અનુભવે છે, ત્યારે આ વાસ્તવિકતા છે કે આપણે ન્યાયના મંદિર તો બનાવ્યા, પણ તેમના દરવાજા તેમના માટે જ સાંકડા કરી દીધા, જેના માટે તેઓ બન્યા હતા.'
ન્યાયાધીશ સૂર્યકાંતે નિઃશુલ્ક કાનૂની સહાય (કલમ 39A)ના મહત્ત્વ પર ભાર મૂકતા કહ્યું કે, 'આ કોઈ કાનૂની દાન નથી, પરંતુ બંધારણીય ઓક્સિજન છે, જે લોકશાહીની જીવનરેખા છે.'
કાનૂની સહાય: સૈનિકો અને કેદીઓ માટે ન્યાયનો સહારો
ન્યાયાધીશ સૂર્યકાંતે જણાવ્યું કે, 'NALSAની 'વીર પરિવાર સહાયતા યોજના' જેવા પ્રયાસો સૈનિકો અને તેમના પરિવારોને દૂરના વિસ્તારોમાં પણ કાનૂની સહારો અપાવવામાં મહત્ત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે.'
તેમણે સુપ્રીમ કોર્ટ લીગલ સર્વિસીસ કમિટીમાં લગભગ 4,600 કેદીઓને કાનૂની પ્રતિનિધિત્વ આપવા માટે આગળ આવેલા વકીલો, ખાસ કરીને યુવાનોની પ્રશંસા કરી. તેમણે વરિષ્ઠ વકીલોને દર મહિને ઓછામાં ઓછા બે 'પ્રો બોનો' (પૂરી કાનૂની પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારની ફી ન લેવી) કેસ લેવાનો પણ આગ્રહ કર્યો.
ન્યાયાધીશ સૂર્યકાંતે પેન્ડિંગ કેસ અને ન્યાયમાં થતા વિલંબને પણ એક મોટો પડકાર ગણાવ્યો. તેમણે કહ્યું, 'ઘણી વાર ન્યાયમાં વિલંબ જ ન્યાયનો ઇનકાર બની જાય છે. આપણે સુનિશ્ચિત કરવું પડશે કે ન્યાય સુધી પહોંચ ફક્ત કાગળો પર ગેરંટી ન રહે.'
તેમણે મધ્યસ્થીના મહત્ત્વ પર પણ ભાર મૂક્યો અને કહ્યું કે, 'આ ન્યાયિક પ્રક્રિયાથી વિપરીત સંબંધોને તોડવાને બદલે જાળવી રાખે છે.' તેમણે 'મેડિએશન ફોર ધ નેશન' અભિયાનની સફળતાનો ઉલ્લેખ કરતાં 2030 સુધીમાં દરેક જિલ્લામાં સમર્પિત મધ્યસ્થી કેન્દ્ર સ્થાપિત કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.