હિમાચલના મંડીમાં સરકારી બસ ખીણમાં ખાબકી, 7ના મોત, 20થી વધુ ઈજાગ્રસ્ત
Himachal Pradesh Road Accident: હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. જ્યા સરકાઘાટ વિસ્તારના તરાંગલામાં મુસાફરોથી ભરેલી HRTCની સરકારી બસ ખીણમાં ખાબકી હતી. જેમાં સાત લોકોના મૃત્યુ થયા છે, જ્યારે 20થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચીને બચાવની કામગીરી હાથ ધરી હતી.
બસમાં કુલ 20થી 25 મુસાફરો હતા
અહેવાલો અનુસાર, આજે (24મી જુલાઈ) સવારે 10 વાગ્યાની આસપાસ આ સરકારી બસ સરકાઘાટથી જામની દુર્ગાપુર જઈ રહી હતી. આ દરમિયાન બસચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા તે તરાંગલા નજીક ખીણમાં ખાબકી હતી. બસમાં કુલ 20થી 25 મુસાફરો હતા. આ દુર્ઘટથી અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકોને ઘટનાસ્થળે પહોંચીને બચાવ અને રાહતના કાર્ય શરૂ કર્યું હતું. ત્યારબાદ પોલીસ અને વહીવટીતંત્રની ટીમ અકસ્માત સ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા.
પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી
બસ દુર્ઘટના અંગે ડીએસપી સંજીવ ગૌતમે જણાવ્યું હતું કે, 'સરકારી બસ ખીણમાં ખાબકતા પાંચ મુસાફરોના મૃત્યુ નીપજ્યા છે. જેમાં બે પુરૂષ અને ત્રણ મહિલાઓ છે. આ મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. દુર્ઘટના કેવી રીતે સર્જાઈ તે અંગે વધુ તપાસ કરવામાં આવશે.'