‘ધરપકડ કરો કે ગોળી મારો, બંગાળી ભાષાના અપમાન વિરૂદ્ધ વિરોધ શરૂ રહેશે', મમતા બેનર્જીનો હુંકાર
West Bengal News : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ રાજ્યની બહાર રહેલા બંગાળી ભાષી (Bengali Language) પ્રવાસીઓ પર કથિત હુમલાની આકરા શબ્દોમાં ટીકા કરી છે. તેમણે આજે (6 ઓગસ્ટ) ઝારગ્રામમાં યોજાયેલી ‘બંગાળી ભાષા અને ઓળખ ક્યારેય દબાવી શકાતી નથી’ નામની વિશાળ રેલીમાં સંબોધન કરી કહ્યું કે, ‘ભલે તમે મારી ધરપકડ કરો કે ગોળી મારો, હું બંગાળી ભાષાના અપમાન વિરુદ્ધ વિરોધ કરતી રહીશ.’
‘શું તેમની પાસે પોતાના દસ્તાવેજ છે?’
તેમણે કહ્યું કે, ‘જો તમે બંગાળ ભાષા અને બંગાળી લોકો પર હુમલો કરશો તો હું ભાજપને દુનિયા સમક્ષ ઉજાગર કરીશ. તેમણે દાવો કર્યો કે, રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (NRC)ને પાછલા બારણામાંથી લાવવા માટે મતદાર યાદી માટેની SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) કવાયત હાથ ધરવામાં આવી છે. આસામ સરકારે પશ્ચિમ બંગાળના લોકોને એનઆરસી નોટિસ મોકલી, તેમને શું અધિકાર છે? ભાજપ નેતા લોકો પાસેથી ઓળખ સાબિત કરવા માટે જન્મ પ્રમાણપત્ર માંગી રહ્યા છે, પરંતુ શું તેમની પાસે પોતાના દસ્તાવેજ છે? SIRના નામે એક પણ મતદારને મતદાન યાદીમાંથી બહાર ન કરવા જોઈએ.’
મમતાએ ચૂંટણી પંચ પર સાધ્યું નિશાન
મમતા બેનરજી (West Bengal Chief Minister Mamata Banerjee)એ આદિવાસી વસ્તી ધરાવતા વિસ્તારમાં લગભગ ત્રણ કિલોમીટર પગપાળા યાત્રા કરી હતી. મતદાર યાદી તૈયાર કરવામાં કથિત ભૂલ મામલે ચૂંટણી પંચે રાજ્ય સરકારના ચાર અધિકારી અને એક ડેટા એન્ટ્રી ઓપરેટરને સસ્પેન્ડ કર્યા હતા, ત્યારે મમતાએ આ મામલે પણ ચૂંટણી પંચ પર નિશાન સાધ્યું છે. તેમણે ECની કાર્યવાહીની કાયદેસરતા પર સવાલ ઉઠાવ્યા છે અને ચૂંટણી પર ભાજપના ઈસારા પર કામ કરતું હોવાનો આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકારના કર્મચારીઓને ધમકાવવામાં આવી રહ્યા છે.’