ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ફોડ્યો ટેરિફ બોમ્બ, 25થી વધારીને 50 ટકા કર્યો ટેક્સ, 27 ઑગસ્ટથી થશે લાગુ
US President Donald Trump Additional 25 Tariff On India : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી ભારત પર ટેરિફ બોંબ ઝિંક્યો છે. તેમણે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા મામલે ભારતથી ચિડાઈ વધુ 25 ટકા ટેરિફ ઝિંક્યો છે. ટ્રમ્પે બુધવારે સાંજે ભારત પર વધારાનો 25 ટકા ટેરિફ ઝિંકવાના કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. અમેરિકાએ કહ્યું છે કે, ભારત રશિયા પાસેથી સતત ક્રૂડ ઓઇલ ખરીદી રહ્યું છે, જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યા છે. આ સાથે અમેરિકાએ ભારત પર કુલ 50 ટકા ટેરિફ ઝિંકવાની જાહેરાત કરી છે.
અગાઉ 25 ટકા ટેરિફ ઝિંક્યો હતો
આ પહેલા અમેરિકાએ ભારત પર 25 ટકા ટેરિફ અને પેનલ્ટીની જાહેરાત કરી હતી. ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદતું હોવાનું કહી ટ્રમ્પે આ જાહેરાત કરી હતી.
ટેરિફ 21 દિવસમાં લાગુ થઈ જશે
ટ્રમ્પે સાઇન કરેલા આદેશ મુજબ, ભારત પર ઝિંકેલો ટેરિફ 21 દિવસમાં લાગુ થઈ જશે, એટલે કે 27 ઑગસ્ટ-2025થી ભારતથી અમેરિકા આયાત થતાં સામાનો પર લાગુ થશે. જોકે આ તારીખથી પહેલા જે વસ્તુઓ આયાત કરી દેવાઈ છે અને 17 સપ્ટેમ્બર-2025 પહેલા અમેરિકા પહોંચી ગઈ છે, તેના પર ટેરિફ મુક્તિ મળશે. આદેશમાં સ્પષ્ટ કહેવાયું છે કે, આ ટેરિફ અન્ય તમામ કર ઉપરાંત હશે અને ચોક્કસ કિસ્સાઓમાં છૂટ પણ આપી શકાય છે.