Get The App

બંગાળને એક પૈસો ન મળ્યો, અર્થવ્યવસ્થા ખતમ થઈ જશે', બજેટ પર CM મમતાનું પહેલું નિવેદન

Updated: Feb 1st, 2026

GS TEAM

Google News
Google News
બંગાળને એક પૈસો ન મળ્યો, અર્થવ્યવસ્થા ખતમ થઈ જશે', બજેટ પર CM મમતાનું પહેલું નિવેદન 1 - image


Budget 2026 : નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશનું સામાન્ય બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી છે. મોદી સરકાર તેને વ્યાપક અને વિકાસલક્ષી બજેટ ગણાવી રહી છે, પરંતુ વિરોધ પક્ષના નેતાઓએ હવે તેની ખામીઓ ગણાવવાનું શરુ કરી દીધું છે.

આ કડીમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે બજેટની કડક શબ્દોમાં નિંદા કરી છે અને તેને સંપૂર્ણપણે 'દિશાહીન' ગણાવ્યું છે. મમતા બેનર્જીએ ત્યાં સુધી કહ્યું કે, આ બજેટને કારણે શેરબજારમાં ધબડકો થયો છે. તેમણે ઉમેર્યું કે, "આ બજેટ મહિલા વિરોધી અને SC-ST વિરોધી પણ દેખાય છે." પશ્ચિમ બંગાળ માટે કોઈ ખાસ જાહેરાત ન કરવા બદલ પણ તેમણે નારાજગી વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો : Budget 2026: ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં, પણ ડાયરેક્ટ ટેક્સ અંગે મોટી જાહેરાતો

મુખ્યમંત્રી મમતા બેનર્જી કેમ નારાજ છે?

સીએમ મમતાએ આક્ષેપ કર્યો કે બંગાળને એક રૂપિયો પણ આપવામાં આવ્યો નથી. તેમણે દાવો કર્યો કે, "માત્ર એક જ ટેક્સ છે, GST. તેઓ અમારા પૈસા લઈ રહ્યા છે અને વાતો કરી રહ્યા છે. આ અમારા પૈસા છે. તેઓ બંગાળમાંથી જે વસૂલે છે, તેનું પૂરું ફંડ અમને આપી રહ્યા નથી. અમારે કેન્દ્ર સરકાર પાસેથી લગભગ બે લાખ કરોડ રૂપિયાથી વધુ લેવાના નીકળે છે. તેથી તેમને સરકાર ચલાવવાનો કે દેશને બરબાદ કરવાનો કોઈ નૈતિક અધિકાર નથી. તેઓ દેશનું આર્થિક માળખું અને બંધારણીય માળખું નષ્ટ કરવા માંગે છે."

સરકાર અને ભાજપનો પક્ષ

એક તરફ મમતા બેનર્જી બજેટ પર નિશાન સાધી રહ્યા છે, તો બીજી તરફ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્રીય મંત્રીઓ આ બજેટને ઐતિહાસિક ગણાવી રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી: PM મોદીએ નાણામંત્રી નિર્મલા સીતારમણના ભરપૂર વખાણ કર્યા અને બજેટને પણ ઐતિહાસિક બજેટ ગણાવ્યું હતું.

ગૃહમંત્રી અમિત શાહ: શાહે કહ્યું કે, બજેટ 2026-27 દ્વારા પીએમ મોદીએ સાબિત કર્યું છે કે આત્મનિર્ભર અને વિકસિત ભારત માત્ર એક સૂત્ર નથી, પરંતુ સરકારનો સંકલ્પ છે. આ બજેટ દરેક ક્ષેત્ર, વર્ગ અને નાગરિકને સશક્ત બનાવવાનું સ્પષ્ટ બ્લુપ્રિન્ટ છે.

બજેટ પર નિષ્ણાતોનો મત

કેન્દ્રીય બજેટ પર ભારતીય ઉદ્યોગ પરિસંઘ(CII)ના પ્રમુખ રાજીવ મેમાનીએ જણાવ્યું હતું કે, "બજેટ પર અમારી પ્રતિક્રિયા હકારાત્મક છે કારણ કે તેમાં ઉદ્યોગો, ખાસ કરીને MSMEsની માંગણીઓ પૂરી કરવામાં આવી છે. સેવા ક્ષેત્ર પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. સરકારે ટેક્સ સરળીકરણ અંગેની ચિંતાઓ સાંભળી છે અને મૂડી ખર્ચ(Capex)માં પણ 10-12%નો વધારો કરવામાં આવ્યો છે."

આ પણ વાંચો : Budget 2026: કેન્સરની દવાઓ સસ્તી, 2.5 લાખ નોકરીઓ અને 3 નવી આયુર્વેદ સંસ્થાની જાહેરાત