દુષ્કર્મના કેસમાં પૂર્વ સાંસદ રેવન્ના દોષિત જાહેર, જજનો ચુકાદો સાંભળતા કોર્ટમાં જ રડી પડ્યો
MP Prajwal Revanna Convicted For Rape: કર્ણાટક જેડીએસના પૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્નાને આજે શુક્રવારે દુષ્કર્મના આરોપમાં દોષિત ઠેરવવામાં આવ્યો. સ્પેશિયલ કોર્ટે દુષ્કર્મના કેસમાં રેવન્નાને દોષિત ઠેરવતાં આવતીકાલે સજા ફટકારવાની જાહેરાત કરી છે. દોષિત સાબિત થયા બાદ રેવન્ના કોર્ટમાં પડી ભાંગ્યો હતો અને રડવા લાગ્યો હતો.
ક્રિમિનલ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટના સાયબર ક્રાઈમ સ્ટેશન ખાતે 14 મહિના પહેલાં મૈસુરના કેઆર નગરમાંથી પાર્ટીની સ્થાનિક કાર્યકરે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. પ્રજ્વલ રેવન્નાએ તેના પર દુષ્કર્મ આચરી વીડિયો ઉતાર્યો હોવાનો આરોપ મૂક્યો હતો. સીઆઈડીની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે આ કેસમાં તપાસ હાથ ધરી હતી. જેમાં 2000 પાનાની ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કુલ 123 પુરાવા મેળવવામાં આવ્યા હતાં. જે રેવન્ના વિરૂદ્ધ આરોપો સાબિત કરતા હતાં. 31 ડિસેમ્બર, 2024થી ટ્રાયલ શરૂ થઈ હતી. કોર્ટમાં 23 સાક્ષીઓ રજૂ થયા હતાં. જેના આધારે આજે ચુકાદો આપવામાં આવ્યો છે.
કર્ણાટકના જનતા દળ- સેક્યુલર (JDS)ના પૂર્વ સાંસદ અને પૂર્વ મંત્રી એચ.ડી. રેવન્નાના પુત્ર પ્રજ્વલ રેવન્ના પર દુષ્કર્મના આરોપ મૂકાયા હતા. જેમાં કહેવાયું હતું કે તેણે હાસનમાં આવેલા પોતાના ફાર્મ હાઉસમાં ઘણી મહિલાઓ પર દુષ્કર્મ આચર્યુ હતું. તેમજ તેના વીડિયો પણ ઉતાર્યા હતા. મોબાઈલમાં શૂટ વીડિયો આ કેસનો મહત્ત્વનો પુરાવો સાબિત થયા હતા. વીડિયો ક્લિપ્સને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં ફેક્ટ ચેક માટે મોકલવામાં આવી હતી. જે સાચી સાબિત થઈ હતી.
શું હતો આ સમ્રગ મામલો?
કર્ણાટકની હાસન લોકસભા સીટ પરથી સાંસદ પ્રજ્વલ રેવન્ના આ વખતે પણ ચૂંટણી લડી રહ્યા છે. 26 એપ્રિલે થયેલા બીજા તબક્કાના મતદાન પછી તેના ઘણા અશ્લીલ વીડિયો વાઈરલ થવા લાગ્યા હતાં. ત્યારબાદ પ્રજ્વલ અચાનક ગાયબ થઈને જર્મની પહોંચી ગયો હતો. પ્રજ્વલ અને તેના પિતા એચડી રેવન્ના સામે દાખલ થયેલી એફઆઈઆર બાદ એચડી રેવન્નાની ધરપકડ થઈ હતી, પરંતુ તેઓ કેટલાક દિવસ જેલમાં રહ્યા પછી જામીન પર બહાર આવી ગયા હતા. તે દરમિયાન જેડીએસે પ્રજ્વલ રેવન્નાને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યો હતો. એસઆઈટીએ બેંગ્લુરુના કેમ્પેગોડા ઈન્ટરનેશનલ એરપોર્ટથી પ્રજ્વલની ધરપકડ કરી હતી.