Get The App

મકર સંક્રાંતિએ પ્રયાગરાજથી હરિદ્વાર સુધી લાખો શ્રદ્ધાળુઓએ લગાવી પવિત્ર ડૂબકી

Updated: Jan 14th, 2026

GS TEAM

Google News
Google News
મકર સંક્રાંતિએ પ્રયાગરાજથી હરિદ્વાર સુધી લાખો શ્રદ્ધાળુઓએ લગાવી પવિત્ર ડૂબકી 1 - image


Makar Sankranti News: આજે મકર સંક્રાંતિ અને માઘ એકાદશીના પાવન અવસર પર દેશભરના પવિત્ર ઘાટો પર આસ્થાનો મહાસાગર ઉમટ્યો છે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ અને ઉત્તરાખંડના હરિદ્વારથી લઈને પશ્ચિમ બંગાળના ગંગાસાગર સુધી, લાખો શ્રદ્ધાળુઓએ બુધવારની વહેલી સવારથી જ પવિત્ર નદીઓમાં સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું.

પ્રયાગરાજમાં માઘ મેળામાં ભક્તોનું ઘોડાપૂર

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા માઘ મેળામાં એકાદશી અને મકર સંક્રાંતિના શાહી સ્નાન માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી. સંગમ તટ પર લાખો લોકોએ ત્રિવેણીમાં આસ્થાની ડૂબકી લગાવી. માઘ મેળા અધિકારી ઋષિ રાજના જણાવ્યા અનુસાર, આજે સવારે 6 વાગ્યા સુધીમાં જ લગભગ 9 લાખ 50 હજાર શ્રદ્ધાળુઓ સ્નાન કરી ચૂક્યા હતા અને ઘાટો પર ભીડ સતત વધી રહી હતી. ભક્તોના ઉત્સાહને જોતા, વહીવટીતંત્ર દ્વારા સુરક્ષાના અભૂતપૂર્વ વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર મેળા ક્ષેત્રમાં યુપી એટીએસની મોબાઇલ ટીમો તૈનાત છે અને ડ્રોન કેમેરાથી પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

હરિદ્વારમાં 'હર કી પૌડી' પર જય ગંગેના નાદ

ઉત્તરાખંડના હરિદ્વારમાં પણ ગાઢ ધુમ્મસ અને ઠંડીની પરવા કર્યા વિના લાખો શ્રદ્ધાળુઓ 'હર કી પૌડી' ઘાટ પર ગંગા સ્નાન માટે ઉમટી પડ્યા હતા. વહેલી સવારથી જ ઘાટ પર ભક્તોનો જમાવડો શરૂ થઈ ગયો હતો. પહાડો પરથી દેવડોલીઓ પણ ગંગા સ્નાન માટે હરિદ્વાર પહોંચી હતી, જેનાથી વાતાવરણ વધુ ભક્તિમય બન્યું હતું.

આ પણ વાંચો: મકરસંક્રાંતિ 2026: સૂર્યનું મકર રાશિમાં પરિવર્તન, જાણો પુણ્યકાળનું મુહૂર્ત અને તમારી રાશિ મુજબ શું દાન કરશો?

ગંગાસાગરમાં પણ આસ્થાની ડૂબકી

પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લામાં આવેલા ગંગાસાગરમાં પણ મકર સંક્રાંતિ નિમિત્તે હજારો શ્રદ્ધાળુઓએ ગંગા નદી અને સાગરના સંગમ પર પવિત્ર સ્નાન કર્યું. દેશના ખૂણેખૂણેથી લોકો અહીં પહોંચ્યા હતા.

મુંબઈ ગાઢ ધુમ્મસની ચાદરમાં લપેટાયું

એક તરફ જ્યાં દેશના ઉત્તરીય ભાગોમાં ધાર્મિક મેળાવડા જામ્યા છે, ત્યાં મુંબઈ શહેર આજે સવારે ગાઢ ધુમ્મસની ચાદરમાં લપેટાયેલું જોવા મળ્યું હતું. ધુમ્મસના કારણે દ્રશ્યતા (વિઝિબિલિટી) ઘણી ઘટી ગઈ હતી, જેના લીધે વાહનવ્યવહાર પર અસર પડી હતી.

શા માટે ખાસ છે આ સ્નાન?

હિન્દુ ધર્મમાં મકર સંક્રાંતિ અને માઘ મહિનાની એકાદશી પર પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું અત્યંત પુણ્યશાળી માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આ દિવસે સ્નાન કરવાથી વ્યક્તિના તમામ પાપ ધોવાઈ જાય છે અને તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ જ શ્રદ્ધા સાથે દર વર્ષે લાખો લોકો આ પવિત્ર અવસરે નદી કિનારે પહોંચે છે.