Get The App

બિહાર વિધાનસભા પહેલા ભાજપનો મોટો દાવ, જાણીતી સિંગર મૈથિલી ઠાકુર ભાજપમાં જોડાઈ

Updated: Oct 14th, 2025

GS TEAM

Google News
Google News
બિહાર વિધાનસભા પહેલા ભાજપનો મોટો દાવ, જાણીતી સિંગર મૈથિલી ઠાકુર ભાજપમાં જોડાઈ 1 - image

Bihar Election Maithili Thakur Joins BJP: બિહાર વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપમાં નવો ચહેરો સામેલ થયો છે. બિહારની લોકપ્રસિદ્ધ ગાયિકા મૈથિલી ઠાકુર ભાજપમાં સામેલ થઈ છે. પક્ષના સુત્રો અનુસાર, મૈથિલીને દરભંગાની અલીનગર બેઠક પરથી ટિકિટ મળી શકે છે.

મીડિયા સુત્રો અનુસાર, અલીનગર બેઠકમાંથી વર્તમાન ધારાસભ્ય મિશ્રીલાલ યાદવનું પત્તુ કપાઈ શકે છે. પક્ષ આ બેઠક પર યુવા અને લોકપ્રિય ચહેરો મૂકવાના મૂડમાં છે. મૈથિલી ઠાકુર સોશિયલ મીડિયા પર મોટો ચાહક વર્ગ ધરાવે છે. તેમજ તેની લોકપ્રિયતા ભાજપને પ્રચાર અભિયાનમાં સારો એવો લાભ કરાવી શકે છે. જો મૈથિલીને ટિકિટ મળી તો બિહારમાં પ્રથમ વખત લોક-સંસ્કૃતિ સાથે જોડાયેલી કોઈ પ્રસિદ્ધ ગાયિકા રાજકારણમાં ઝંપલાવશે.

વિનોદ તાવડે સાથે કરી મુલાકાત

મૈથિલીએ હાલમાં જ ભાજપના વરિષ્ઠ નેતા અને સંગઠનના મહાસચિવ વિનોદ તાવડે સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ તેમની પક્ષમાં જોડાવાની અટકળો વેગવાન બની હતી. મુલાકાત બાદ મૈથિલીએ કહ્યું હતું કે, ભાજપના નેતાઓ સાથે અડધો કલાક સુધી વાત થઈ હતી. વાતચીત સકારાત્મક રહી. અમે એનડીએના સમર્થનમાં છીએ અને હંમેશાથી ભાજપ મારી પ્રાથમિકતા રહ્યું છે. દિલ્હીમાં કામ માટે રહુ છું, પણ મારો આત્મા બિહાર સાથે જોડાયેલો છે. બિહારમાં રહીને લોકોની સેવા કરવા માગુ છું, વિકાસમાં યોગદાન આપવા માગુ છું.

આ પણ વાંચોઃ બિહાર ચૂંટણી: 71 ઉમેદવારોની ભાજપની પ્રથમ યાદી જાહેર, સમ્રાટ ચૌધરીને તારાપુરથી મેદાનમાં ઉતાર્યા

ચૂંટણી લડવા માટે તૈયાર મૈથિલી ઠાકુર

ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેએ પાંચ ઓક્ટોબરના રોજ મૈથિલી ઠાકુરની સાથે મુલાકાતની તસવીર રજૂ કરતાં X પર પોસ્ટ કરી હતી કે, વર્ષ 1995માં લાલુ યાદવના શાસનમાં જે પરિવાર બિહાર છોડીને પલાયન કરી ગયા હતા, તે પરિવારની દિકરી મૈથિલી ઠાકુર હવે બદલાતા બિહારનો વિકાસ જોઈ પરત ફરવા માગે છે. દરભંગામાં રહેતી મૈથિલી ઠાકુર લોક સંગીત અને સંસ્કૃતિ માટે જાણીતી છે. મૈથિલી આ વર્ષે જ 25 વર્ષની થઈ છે. તેણે કહ્યું હતું કે, તક મળી તો બિહારના લોકો માટે કામ કરીશ.

કોણ છે મૈથિલી ઠાકુર?

મૈથિલી બિહારની એક પ્રખ્યાત ગાયિકા છે. તે દરભંગાની છે અને લોક સંગીત માટે જાણીતી છે. તે વિદેશમાં પણ કોન્સર્ટ કરે છે. 25 વર્ષીય ગાયિકા તેની સંસ્કૃતિ માટે પ્રખ્યાત છે. મૈથિલીને બાળપણથી જ ગાયનનો શોખ છે. તે એક પ્લેબેક સિંગર છે, તેણે શાસ્ત્રીય સંગીતમાં તાલીમ લીધી છે. મૈથિલીએ ઘણી ભાષાઓમાં ગીત ગાયા છે. તેના પિતા રમેશ ઠાકુર અને માતા ભારતી ઠાકુર પણ સંગીતકાર છે. બંને મ્યુઝિક ટીચર તરીકે કામ કરે છે. મૈથિલીના બે ભાઈઓ છે, જેઓ પણ સંગીતમાં કારકિર્દી બનાવી રહ્યા છે. તમામ બાળકોને તેમના દાદા અને પિતા દ્વારા સંગીતની તાલીમ આપવામાં આવી છે. ત્રણેય ભાઈ-બહેનોએ હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત, તેમજ હાર્મોનિયમ અને તબલામાં તાલીમ મેળવી છે.

બિહાર વિધાનસભા પહેલા ભાજપનો મોટો દાવ, જાણીતી સિંગર મૈથિલી ઠાકુર ભાજપમાં જોડાઈ 2 - image

Tags :