બિહાર ચૂંટણી: 71 ઉમેદવારોની ભાજપની પ્રથમ યાદી જાહેર, તારાપુરથી સમ્રાટ ચૌધરી મેદાનમાં

Bihar Election: બિહારમાં ટૂંક સમયમાં ચૂંટણીનું આયોજન થવા જઈ રહ્યું છે. બિહાર વિધાનસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી(BJP)એ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. પાર્ટી દ્વારા કુલ 71 વિધાનસભા બેઠકો પર ઉમેદવારોના નામનું એલાન કરવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે ભાજપે પ્રથમ તબક્કાની બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ યાદીમાં અનેક વર્તમાન ધારાસભ્યોને રિપીટ કરાયા છે, જ્યારે કેટલાક નવા ચહેરાઓને પણ તક આપવામાં આવી છે.
ભાજપે મંગળવારે (14 ઑક્ટોબર) બિહાર ચૂંટણી માટે પોતાની પહેલી યાદી જાહેર કરી છે. યાદી મુજબ, નંદ કિશોર યાદવની ટિકિટ કાપવામાં આવી છે. પટના સાહિબથી હવે રત્નેશ કુશવાહાને તક આપવામાં આવી છે. આ લિસ્ટમાં કુલ 71 ઉમેદવારોના નામ સામે આવ્યા છે. એનડીએમાં બેઠક વહેંચણી બાદ ભાજપને 101 બેઠક મળી છે. અન્ય બેઠકો પર બીજી યાદીમાં અન્ય ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવશે.
બીજી બાજુ, ભાજપે ખજૌલીથી અરુણ પ્રસાદને મેદાનમાં ઉતાર્યા છે. જોકે, એવી અટકળો ચાલી રહી હતી કે, ઉપેન્દ્ર કુશવાહા આ બેઠક પરથી ચૂંટણી લડી શકે.
ટિકિટ કપાતા નંદ કિશોર યાદવની પ્રતિક્રિયા
પટના સાહિબથી નંદ કિશોર યાદવની ટિકિટ રદ કરવામાં આવી છે. આ અંગે પ્રતિક્રિયા આપતાં તેમણે કહ્યું કે, 'હું ભાજપના નિર્ણય સાથે છું. પાર્ટીએ મને ઘણું આપ્યું છે. મને પાર્ટી સાથે કોઈ ફરિયાદ નથી. નવી પેઢીનું સ્વાગત છે અને અભિનંદન. પટના સાહિબ વિધાનસભાના લોકોએ મને સતત સાત વખત વિજયી બનાવ્યો છે. ભાજપના ઉમેદવાર તરીકે તેમણે મને જે સ્નેહ અને પ્રેમ આપ્યો છે તે હું ક્યારેય ભૂલીશ નહીં. હું બધાનો આભારી છું.'