Get The App

ભાજપ-શિંદે વચ્ચે ડખાં ! BJP નેતાએ આડકતરી ચેતવણી આપતા કહ્યું, ‘...તો અસ્તિત્વ ભૂંસાઈ જશે’

Updated: Jan 26th, 2026

GS TEAM

Google News
Google News
ભાજપ-શિંદે વચ્ચે ડખાં ! BJP નેતાએ આડકતરી ચેતવણી આપતા કહ્યું, ‘...તો અસ્તિત્વ ભૂંસાઈ જશે’ 1 - image


તસવીરમાં પ્રથમ CM ફડણવીસ, BJP રાજ્યમંત્રી ગણેશ નાઈક, શિવસેના મંત્રી પ્રતાપ સરનાઈક, નાયબ CM શિંદે

Maharashtra Political News : મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધનમાં બધું બરાબર ચાલતું હોય તેમ લાગતું નથી. મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેના અને ભાજપ વચ્ચે ફરી એકવાર ખેંચતાણ હોવાનો દાવો સામે આવ્યો છે. ભાજપના નેતા અને રાજ્ય મંત્રી ગણેશ નાઈકે સોમવારે મુખ્યમંત્રી શિંદેનું નામ લીધા વગર તેમના પર આકરા પ્રહારો કર્યા છે. નાઈકે આડકતરી રીતે ચેતવણી આપતા કહ્યું છે કે, જો ભાજપ હાઈકમાન્ડ તેમને છૂટ આપે, તો શિવસેના પ્રમુખનું રાજકીય અસ્તિત્વ જોખમમાં આવી શકે છે.

ભાજપ નેતાએ શિંદેના ગઢમાં જઈ પડકાર ફેંક્યો

ઠાણેમાં એક ગણેશ મંડળની મુલાકાત દરમિયાન ગણેશ નાઈકે શિંદેના ગઢમાં જઈને પડકાર ફેંકતા જણાવ્યું કે, ‘જો ભાજપ મંજૂરી આપે, તો તેમનું નામ અને અસ્તિત્વ ભૂંસાઈ જશે. હું આજે ફરી આ જ વાત દોહરાવી રહ્યો છું.’ ઉલ્લેખનીય છે કે, નાઈકે એવા સમયે આ નિવેદન કહ્યું છે, જ્યારે BMCની ચૂંટણી બાદ નવી મુંબઈ, ઠાણે અને કલ્યાણ-ડોમ્બિવલી પાલિકામાં સત્તા મેળવવા માટે ભાજપ-શિંદે વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે.

કોઈપણ ગઢ કોઈનો હોતો નથી : નાઈકે શિવસેનાના દાવા પર આપ્યો જવાબ

નાઈકે વધુમાં કહ્યું કે, ‘એકવાર આદેશ મળી જાય તો અમે તેનું પાલન કરીએ છીએ. ભલે અમારું મન સહમત ન હોય, પાર્ટી શિસ્તના કારણે અમારા કાર્યકરો ચૂપ રહે છે અને સહન કરે છે.’ શિવસેના ઠાણે પાલિકા પર દાવો કર્યો છે, જેનો જવાબ આપતા નાઈકે કહ્યું કે, ‘કોઈપણ ગઢ કોઈનો હોતો નથી. જ્યારે હું બીજી પાર્ટીમાં હતો ત્યારે પણ અમે મેયર પદ અને જિલ્લા પરિષદની બેઠકો જીતી હતી.’

આ પણ વાંચો : ભારતમાં લક્ઝુરિયસ કારોના ભાવમાં 50 ટકાનો ઘટાડો થવાના અણસાર, જાણો કારણ

ચૂંટણીમાં ગઠબંધનથી ભાજપ નેતા નારાજ

ગણેશ નાઈકે મહાનગરપાલિકાની ચૂંટણીમાં ગઠબંધન મુદ્દે પણ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, ‘નેતાઓને સાંસદ અને ધારાસભ્ય જેવા પદો મળે છે, પરંતુ નગર નિગમ અને પરિષદો કાર્યકરો માટે હોય છે. તમામ પક્ષોએ અલગ-અલગ ચૂંટણી લડવી જોઈએ અને પરિણામો બાદ જેની પાસે વધુ કોર્પોરેટરો હોય તેનો મેયર બનવો જોઈએ.’

જેને જે બોલવું હોય તે બોલે, શિંદે મજબૂત છે : શિવસેના મંત્રી

બીજીતરફ શિવસેનાના મંત્રી પ્રતાપ સરનાઈકે આ ટીકાનો જવાબ આપતા કહ્યું છે કે, ‘કોઈ ગમે તેટલું બોલે પરંતુ એકનાથ શિંદે મજબૂત છે. ઠાણે હંમેશા શિવસેનાનો ગઢ રહ્યો છે અને વિધાનસભા તેમજ કોર્પોરેશનની ચૂંટણીમાં શિંદેએ પોતાની તાકાત સાબિત કરી દીધી છે.

આ પણ વાંચો : ...તો અને ભારતીયો અને કંપનીઓને થશે ફાયદો, જાણો યુરોપ સાથે ફ્રી ટ્રેડ ડીલથી ભારતને શું ફાયદો થશે?