India

ચૂંટણી પંચનો છબરડો: મહારાષ્ટ્રમાં 2.7 લાખ મતદારોની ઉંમર 100 વર્ષથી વધુ નોંધાઈ, સુધારતા મહિનો લાગ્યો!

By GS Team
10 Oct 20263 mins read
TukuTouch Logo
મહારાષ્ટ્રની ડ્રાફ્ટ મતદાર યાદીમાં ગંભીર ટેકનિકલ ખામી સામે આવી છે. સિસ્ટમની ગરબડને કારણે 2,70,313 મતદારોનું જન્મ વર્ષ 1900 નોંધાતા તેમની ઉંમર 101થી 150 વર્ષ દેખાઈ હતી. આમાંથી 88% એટલે કે 2,37,974 મતદારો નાસિક જિલ્લાના કલવણ, ચાંદવડ અને દેવલાલીના હતા. આ ભૂલ સુધારવામાં કેન્દ્રીય ચૂંટણી પંચને એક મહિનાથી વધુ સમય લાગ્યો, જેનાથી વહીવટી પારદર્શિતા પર સવાલો ઉભા થયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ચૂંટણી પંચનો છબરડો: મહારાષ્ટ્રમાં 2.7 લાખ મતદારોની ઉંમર 100 વર્ષથી વધુ નોંધાઈ, સુધારતા મહિનો લાગ્યો!

Maharashtra SIR Voter Roll Glitch 2.7 Lakh Voters Aged Over 100 Years | મહારાષ્ટ્રમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR-2026) હેઠળ તૈયાર કરાયેલી ડ્રાફ્ટ મતદાર યાદીમાં એક ચોંકાવનારી ટેકનિકલ ખામી સામે આવી છે. સિસ્ટમની મોટી ગરબડને કારણે રાજ્યના 2,70,313 મતદારોનું જન્મ વર્ષ સીધું 1900 નોંધાઈ ગયું હતું, જેના કારણે ડ્રાફ્ટ રોલમાં તેમની ઉંમર 101થી 150 વર્ષની વચ્ચે દેખાવા લાગી હતી. આટલી ગંભીર ભૂલ હોવા છતાં, કેન્દ્રીય ચૂંટણી પંચને આ ટેકનિકલ ખામી સુધારવામાં એક મહિના કરતાં પણ વધુ સમય લાગી ગયો હતો.

અસરગ્રસ્ત મતદારોમાંથી 88 ટકા નાસિકના

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર આ સમગ્ર છબરડામાં સૌથી મોટો હિસ્સો નાસિક જિલ્લામાં જોવા મળ્યો હતો. અસરગ્રસ્ત 2,70,313 મતદારોમાંથી 2,37,974 એટલે કે પૂરા 88% મતદારો માત્ર નાસિક જિલ્લાના 3 વિધાનસભા મતવિસ્તારોમાં નોંધાયા હતા. આ વિસ્તારોમાં કલવણ ચાંદવડ અને દેવલાલીનો સમાવેશ થાય છે. જ્યારે બાકીના 32,339 મતદારો સમગ્ર રાજ્યના અન્ય વિસ્તારોમાં નોંધાયા હતા. ડ્રાફ્ટ યાદીમાં મોટી સંખ્યામાં મતદારોની ઉંમર સીધી 126 વર્ષ દેખાડવામાં આવી હતી.

આટલી મોટી ભૂલ છતાં સુધારવામાં એક મહિનો લાગ્યો

પોતાના જ રાજ્યના મતદારોનો સાચો ડેટા મેળવવા માટે મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરીને દિલ્હી સ્થિત મુખ્યાલય સમક્ષ સતત પાંચ અઠવાડિયા સુધી પત્રવ્યવહાર કરવો પડ્યો હતો. આ ભૂલ સુધારવા માટે મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી અધિકારી એસ. ચોક્કલિંગમે ચૂંટણી પંચના IT વિભાગ પાસે એક્સેલ ફોર્મેટમાં જૂનો અને નવો ડેટા માંગ્યો હતો. 2 સપ્ટેમ્બર અને 8 સપ્ટેમ્બરે પત્રો લખ્યા છતાં ડેટા ન મળતાં તેમણે સિનિયર ડેપ્યુટી ઈલેક્શન કમિશનર મનીષ ગર્ગને તાકીદ કરી હતી કે IT સેક્શન કોઈપણ વિલંબ વિના ડેટા આપે. આખરે 5 ઑક્ટોબરે મીડિયા દ્વારા નવી દિલ્હીમાં પ્રવક્તા સમક્ષ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા ત્યારે દિલ્હીથી જવાબ મળ્યો હતો અને 6 ઑક્ટોબરે સિસ્ટમમાંથી આ ટેકનિકલ ખામી દૂર કરવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ સિસ્ટમમાં જન્મ વર્ષનું ડિફોલ્ટ ફિલ્ડ 1900 સેટ થઈ જતાં આ ગરબડ ઊભી થઈ હતી.

ડેટાબેઝના કેન્દ્રીકરણ પર અગાઉ ચૂંટણી કમિશનરે ઉઠાવ્યો હતો વાંધો પણ ધ્યાન ન અપાયું

આ ઘટનાક્રમે ચૂંટણી પંચની આંતરિક કાર્યપ્રણાલી અને રાજ્યોની લાચારી ઉજાગર કરી દીધી છે. કાયદાકીય રીતે મતદાર યાદીમાં સુધારા કરવાની સત્તા ધરાવતા રાજ્યના CEO, જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને ઈલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઑફિસર્સ પાસે પોર્ટલનો સંપૂર્ણ એક્સેસ ન હોવાની બાબતે ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધુએ વાંધો ઉઠાવ્યો હતો. સાથોસાથ અન્ય એક ચૂંટણી કમિશનર વિવેક જોશીએ પણ મતદાર યાદીના ડેટાબેઝનું સતત થઈ રહેલું કેન્દ્રીકરણ (સેન્ટ્રલાઇઝેશન) ચિંતાજનક ગણાવ્યું હતું.

નાની ભૂલ સુધારવા માટે પણ અધિકારીઓએ દિલ્હી સુધી દોડવું પડે છે

મહારાષ્ટ્રમાં 31 ઑગસ્ટે પ્રસિદ્ધ થયેલી ડ્રાફ્ટ યાદીમાં મતદારોની સંખ્યા ઘટીને 7.72 કરોડ થઈ છે, જે SIR અગાઉ 9.79 કરોડ હતી. આ યાદી સામે દાવા અને વાંધા રજૂ કરવાની છેલ્લી તારીખ 12 ઑક્ટોબર છે, જ્યારે આખરી મતદાર યાદી 16 નવેમ્બરે જાહેર કરવામાં આવશે. એક સામાન્ય ભૂલ સુધારવા માટે રાજ્યના સર્વોચ્ચ અધિકારીને દિલ્હી સમક્ષ મહિના સુધી દોડધામ કરવી પડે તે બાબત વહીવટી પારદર્શિતા સામે મોટા સવાલો ખડા કરે છે.