ઉદ્ધવ ઠાકરે મનસે સાથે હાથ મિલાવવા તૈયાર, શિવસેનાએ કહ્યું - હવે નિર્ણય રાજ ઠાકરેએ લેવાનો છે
Maharashtra Politics: એક સમયે મહારાષ્ટ્રમાં ખૂબ જ મજબૂત રહેલા ઉદ્ધવ ઠાકરેની હાલની સ્થિતિ કોઈથી છુપાયેલી નથી. બીજી તરફ ઉદ્ધવ ઠાકરેને હવે તેમના ભાઈ રાજ ઠાકરેનો સહારો છે. એક અહેવાલ પ્રમાણે શિવસેના(ઉદ્ધવ ઠાકરે)એ બુધવારે કહ્યું કે, ઉદ્ધવ ઠાકરે રાજ ઠાકરેના નેતૃત્વ હેઠળના મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) પ્રમુખ સાથે વાતચીત કરવા માટે સકારાત્મક છે.
હવે નિર્ણય રાજ ઠાકરેએ લેવાનો છે
ઉદ્ધવ ઠાકરેની શિવસેના(UBT)ના ધારાસભ્ય અનિલ પરબે કહ્યું કે, રાજ ઠાકરેએ મહારાષ્ટ્રના હિતમાં નિર્ણય લેવાનો રહેશે કે તેઓ ઉદ્ધવ સાથે હાથ મિલાવવા માગે છે કે નહીં.
અહેવાલ પ્રમાણે અનિલ પરબે પત્રકારોને કહ્યું કે, ઉદ્ધવ ઠાકરે પહેલાંથી જ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે તેઓ બધા વિવાદોને બાજુ પર રાખીને મનસે સાથે ગઠબંધન કરવા માટે તૈયાર છે. હવે રાજ ઠાકરેએ નિર્ણય લેવાનો છે કે તેઓ અમારી સાથે આવવા માગે છે કે નહીં. તેમણે મહારાષ્ટ્રના હિતમાં નિર્ણય લેવો જોઈએ, અમે વાતચીત કરવા માટે સકારાત્મક છીએ.
મહારાષ્ટ્રના લોકો ઇચ્છે છે કે ઠાકરે બંધુ સાથે આવે
તેમણે આગળ કહ્યું કે, શિવસેના(UBT)એ ક્યારેય પણ વાતચીત માટે દરવાજા બંધ નથી કર્યા. તેમણે એ વાત પર ભાર મૂક્યો કે, મહારાષ્ટ્રના લોકો ઇચ્છે છે કે, ઠાકરે બંધુ સાથે આવે. જો બંને વરિષ્ઠ નેતાઓ મળે તો તેઓ ચર્ચા કરશે અને અંતિમ નિર્ણય લેશે. બંને સેનાઓનું નેતૃત્વ જે પણ નિર્ણય લેશે, અમે તે પ્રમાણે આગળ વધીશું.
આ પણ વાંચો: 'ટ્રમ્પની તો ટેવ છે...', ભારત-પાક. સીઝફાયર અંગે પૂર્વ અમેરિકન NSAએ સંભળાવી ખરી-ખોટી
બંને પિતરાઈ ભાઈ એક સાથે આવી શકે
તેમણે કહ્યું કે, જેમ-જેમ ચૂંટણી નજીક આવશે તેમ બંને નેતાઓ નિર્ણય લેશે. હું એક જુનિયર નેતા છું. તે તેમના પર આધાર રાખે છે. બે અલગ થયેલા પિતરાઈ ભાઈઓએ એપ્રિલના અંતમાં સમાધાનની ચર્ચા શરુ કરી હતી, જે એ વાતનો સંકેત આપે છે કે તેઓ નજીવા મુદ્દાઓને અવગણી શકે છે અને લગભગ બે દાયકાના ખાટા થયેલા સંબંધો પછી હાથ મિલાવી શકે છે.
આ વચ્ચે અનિલ પરબે અજીત પવારના નેતૃત્વ વાળી NCPના વરિષ્ઠ નેતા છગન ભુજબલને રાજ્ય મંત્રીમંડળમાં સામેલ કરવા અંગે ભાજપ પર નિશાન સાધ્યું.
ભાજપ કાર્યકર્તા નાખુશ
તેમણે આરોપ લગાવ્યો કે, ભાજપે પોતાના પદોનો ત્યાગ કરી દીધો છે. આ સરકાર પાસે સંપૂર્ણ બહુમતી છે, પરંતુ ભાજપના કાર્યકરો નાખુશ છે. તેમણે સત્તા માટે ખૂબ મહેનત કરી પણ તેમને કોઈ લાભ નથી મળી રહ્યો. સરકાર હવે આંતરિક રાજકારણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તેમનો સમય સંરક્ષક મંત્રીઓના પદો અને રાજકીય ગણતરીઓમાં ખર્ચ થઈ રહ્યો છે.