'ટ્રમ્પની તો ટેવ છે...', ભારત-પાક. સીઝફાયર અંગે પૂર્વ અમેરિકન NSAએ સંભળાવી ખરી-ખોટી
USA President Donald Trump: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની દરેક બાબતનો શ્રેય લેવાની ટેવ પર અમેરિકાના દિગ્ગજ પૂર્વ રાજદ્વારીએ ટીકા કરી છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જ્હોન બોલ્ટને કહ્યું છે કે, ટ્રમ્પને દરેક મામલામાં કૂદી પડવાની ટેવ છે. અને કામનો શ્રેય પોતાના માથે લેવાની ટેવ છે. પછી ભલે તે શ્રેયના હકદાર હોય કે ન હોય.
જ્હોન બોલ્ટન ટ્રમ્પ શાસનમાં ઊંચા હોદ્દા પર કામ કરી ચૂક્યા છે. તેમણે ટ્રમ્પ પર કટાક્ષ કરતાં કહ્યું કે, ટ્રમ્પને ટેવ છે કે, તે દરેક મામલામાં કૂદી પડે છે. તેમજ દરેક કામનો શ્રેય પોતાના માથે લે છે. તેનું તાજુ ઉદાહરણ ટ્રમ્પની ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલો શાંતિ કરાર છે. ટ્રમ્પે બંને દેશો વચ્ચે થયેલી શાંતિ સમજૂતીનો શ્રેય પોતાના માથે લીધો હતો. જો કે, ભારતે આ દાવો ખોટો હોવાનું જણાવ્યું હતું. જેનો બાદમાં ટ્રમ્પે પોતે પણ સ્વીકાર કર્યો હતો.
ટ્રમ્પને હંમેશા ચર્ચામાં રહેવાની ટેવઃ બોલ્ટન
છેલ્લા કેટલાક વર્ષોથી અમેરિકાની વિદેશ નીતિને આકાર આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા જ્હોન બોલ્ટને કહ્યું કે, આ ખાનગી હિતની વાત નથી. ડોનાલ્ડ ટ્રમ્પ હંમેશા વિશ્વમાં બનતી તમામ સારી બાબતનો શ્રેય પોતાના માથે લે છે. ટ્રમ્પને હંમેશા ચર્ચામાં રહેવાની ટેવ છે. તેમને લાઈમલાઈટમાં રહેવુ પસંદ છે.
આ પણ વાંચોઃ અમેરિકામાં યહૂદીઓના મ્યુઝિયમ નજીક ગોળીબાર, ઈઝરાયલી દૂતાવાસના 2 કર્મચારીની હત્યા
ટ્રમ્પ તો ટ્રમ્પ છે, ભારત વિરૂદ્ધ દ્વેષ નહીં
બોલ્ટને આગળ કહ્યું કે, હાલમાં જ ભારત-પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી તંગદિલીનો ઉકેલ લાવવામાં ટ્રમ્પે મધ્યસ્થી તરીકે કામ કર્યું હોવાનો દાવો કર્યો હતો. જો કે, આ દાવો ખોટો હતો. ટ્રમ્પનો આ દાવો ભારતની વિરૂદ્ધ ન હતો. પરંતુ આ તો ટ્રમ્પનું વ્યક્તિત્વ છે. ટ્રમ્પ તો ટ્રમ્પ છે. તેઓ દરેક સારી બાબતનો શ્રેય પોતાના માથે લઈ લે છે. જે ઘણા લોકો માટે હેરાન કરનારી કુટેવ છે.
ટ્રમ્પે લીધો હતો શ્રેય
ટ્રમ્પે ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ થતાં 10 મેના રોજ ટ્વિટ કર્યું હતું કે, અમેરિકાની મધ્યસ્થીના કારણે આ શક્ય બન્યું છે. ભારત અને પાકિસ્તાન સંપૂર્ણપણે યુદ્ધવિરામ કરવા સહમત બન્યું છે. જેનો મને આનંદ છે. જો કે, ટ્રમ્પના આ દાવાને બંને દેશોએ નકાર્યો હતો. ભારતે જણાવ્યું હતું કે, યુદ્ધવિરામમાં કોઈપણ ત્રીજા દેશની ભાગીદારી લેવામાં આવી નથી.
ઉલ્લેખનીય છે, જ્હોન બોલ્ટન ટ્રમ્પ શાસનના પ્રથમ કાર્યકાળમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર હતા. ત્યારે ટ્રમ્પે બોલ્ટનને નોકરી પરથી દૂર કર્યા હતાં. જેની પાછળનું કારણ બંને દિગ્ગજો વચ્ચે ઈરાન, ઉત્તર કોરિયા અને અફઘાનિસ્તાન માટે અમેરિકાની વિદેશ નીતિમાં મતભેદ હતો.