Maharashtra Politics: મહારાષ્ટ્રના અંબરનાથમાં સ્થાનિક ગઠબંધનના વિવાદ બાદ મોટો ખેલ જોવા મળ્યો છે. અંબરનાથ મ્યુનિસિપલ કાઉન્સિલના કોંગ્રેસના તમામ 12 કાઉન્સિલરો, જેમને પાર્ટીએ ભાજપ સાથે ગઠબંધન કરવા બદલ સસ્પેન્ડ કર્યાં હતા, તે હવે વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયા છે. બુધવારે મોડી રાત્રે ભાજપના પ્રદેશ પ્રમુખ રવિન્દ્ર ચૌહાણે આ તમામનું પાર્ટીમાં સ્વાગત કર્યું હતું.
શું હતો સમગ્ર વિવાદ?
અહેવાલો અનુસાર, 20મી ડિસેમ્બરના રોજ યોજાયેલી અંબરનાથ નગરપાલિકાની ચૂંટણીમાં કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી ન હતી. સત્તા મેળવવા માટે ભાજપ અને કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ હાથ મિલાવ્યા અને 'અંબરનાથ વિકાસ આઘાડી' (AVA) ની રચના કરી. આ ગઠબંધનમાં અજિત પવારની NCP નો પણ સમાવેશ થયો હતો. રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે કટ્ટર હરીફ હોવા છતાં સ્થાનિક સ્તરે ભાજપ સાથે જોડાણ કરવા બદલ કોંગ્રેસે આ 12 કાઉન્સિલરો અને બ્લોક પ્રમુખને પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ સસ્પેન્ડ કરી દીધા હતા.
આ પણ વાંચો: અનામતનો લાભ લીધા પછી જનરલ બેઠક મેળવવાનો હક નહીં : સુપ્રીમ
બેઠકનું ગણિત અને સત્તાની સોગઠી
અંબરનાથ મ્યુનિસિપલ કાઉન્સિલમાં કુલ 60 સભ્યો છે. 20મી ડિસેમ્બરે યોજાયેલી ચૂંટણીમાં, શિવસેનાએ 27 બેઠકો જીતી હતી, જે બહુમતીથી માત્ર ચાર બેઠકો દૂર હતી. ભાજપે 14, કોંગ્રેસે 12 અને એનસીપીએ ચાર બેઠકો જીતી હતી, જ્યારે બે અપક્ષ ઉમેદવારો પણ ચૂંટાયા હતા.
શિવસેના બહુમતીથી માત્ર 4 બેઠકો દૂર હતી, પરંતુ ભાજપ અને કોંગ્રેસે ગઠબંધન કરીને શિવસેનાને સત્તાથી દૂર રાખવામાં સફળતા મેળવી હતી. હવે કોંગ્રેસના 12 સભ્યો ભાજપમાં ભળતા ભાજપની તાકાત નગરપાલિકામાં વધી ગઈ છે.


